06 June, 2022 10:11 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent
પોતાના જ કોષમાંથી 3D પ્રિન્ટેડ કાન બેસાડવામાં આવ્યો હોય એવી પ્રથમ વ્યક્તિ બની છે ૨૦ વર્ષની યુવતી ઍલેક્સા. તેનાે કાન ટ્રાન્સપ્લાન્ટ પહેલાંનો કાન અને ટ્રાન્સપ્લાન્ટના ૩૦ દિવસ પછીનો કાન.
એક યુવતીએ પોતાના શરીરના કોષમાંથી બનાવાયેલો કાન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યો છે. તે આવા 3D પ્રિન્ટ ટેક્નૉલૉજી પ્રકારના કાનનો ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર પ્રથમ વ્યક્તિ બની છે. મેક્સિકોની આ યુવતી જન્મી ત્યારથી તેના એક કાનનો ભાગ નાનો હતો. ડૉક્ટરોને એવી આશા છે કે માઇક્રોટિયા નામની બીમારી ધરાવતા લોકો માટે આ સારવાર ક્રાન્તિકારક સાબિત થશે. આ બીમારીમાં એક અથવા બન્ને કાન બહુ નાના હોય છે જેથી તેમની સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે.
ડૉક્ટરોએ તેના માઇક્રોટિયા બીમારીવાળા કાનમાંથી અડધો ગ્રામ જેટલા કોષ લીધા હતા અને ત્યાર બાદ એ કોષને 3D બાયો થેરાપ્યુટિક્સમાં મોકલવામાં આવ્યા. આ ઉપરાંત એના સારા કાનને સ્કૅન કરીને એના ફોટો મોકલવામા આવ્યા હતા. કાનના કોષને અબજો કોષમાં ફેરવવા માટે એને પોષક તત્ત્વો સાથે ઉગાડવામાં આવે છે. ત્યાર બાદ બાયો ઇન્ક સાથે મિક્સ કરીને અલગ પ્રકારના 3D બાયો-પ્રિન્ટરમાં દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ કાનનો આકાર આપવામાં આવે છે. આ પ્રિન્ટિંગ પ્રક્રિયામાં ૧૦ મિનિટ કરતાં ઓછો સમય લાગે છે. અત્યાર સુધી ૧૧ જેટલા દરદીઓને આ પ્રકારના ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે.