06 June, 2022 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
વારાણસીમાં 16 વર્ષ પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટ મામલે ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહ માટે સજાનું એલાન કર્યુ છે. કોર્ટે આરોપી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે 16 વર્ષ પહેલા સંકટમોચન અને કૈંટ સ્ટેશન પાસે આ સીરિયલ બ્લાસ્ટ થયો હતો. 7 માર્ચ, 2006ના રોજ સંકટમોચન મંદિર અને છાવની રેલવે સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા હતા અને 100 કરતાં પણ વધારે લોકો ઘાયલ થયા હતાં.
જિલ્લા પ્રશાસના વકીલ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે જિલ્લા સત્ર ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર સિન્હાએ વલીઉલ્લાહને ભારતીય દંડ અનુસાર વિભિન્ન ધારાઓ હેઠળ દાખલ થયેલા કેસ મામલે દોષી ઠેરવ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા જજની અદાલતમાં મીડિયાને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. અદાલતમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ડૉગ સ્કવોડથી સમયાંતરે અદાલતમાં ચેકિંગ થઈ રહ્યું હતું.
કોઈ વકીલ કેસ લડવા તૈયાર ન હતો
વારાણસીમાં થયેલા વિસ્ફોટ બાદ વલીઉલ્લાહ વતી કોઈ વકીલ કેસ લડવા તૈયાર નહોતો. આ પછી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર કેસ ગાઝિયાબાદ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ વિસ્ફોટોમાં પાંચ આતંકવાદીઓ સામેલ હતા. આ આતંકીઓમાંથી એક મૌલાના ઝુબેર સરહદ પર સુરક્ષા દળોએ માર્યો ગયો.