06 June, 2022 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિંગર મુસેવાલા
પંજાબી સિંગર મુસેવાલા મર્ડર કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. શૂર્ટસને વાહનની વ્યવસ્થા કરાવી આપનાર કેકડા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. માણસા પોલીસ કેકડાની પૂછપરછ કરી રહી છે. પોલીસ તેને મોટી ધરપકડ માની રહી છે. આ પહેલા પંજાબ પોલીસે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. દવિંદર ઉર્ફે કાલા રવિવારે સાંજે હરિયાણાના ફતેહાબાદમાંથી ઝડપાયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે હત્યામાં સામેલ બે શકમંદો કથિત રીતે કાલા સાથે હતા. પંજાબ પોલીસે 3 જૂને ફતેહાબાદમાંથી બે શકમંદોને પકડી લીધા હતા અને મુસેવાલાની હત્યામાં તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. માનસા જિલ્લામાં મૂસેવાલાની હત્યાના બે દિવસ બાદ મંગળવારે પોલીસે આ કેસમાં પ્રથમ ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપી મનપ્રીત સિંહ પર હુમલાખોરોને સાધનો પૂરા પાડવાનો આરોપ છે.
નોંધનીય છે કે પંજાબના માનસા જિલ્લામાં રવિવારે અજાણ્યા હુમલાખોરોએ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. રાજ્ય સરકારે મૂસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યા બાદ આ ઘટના બની હતી. હુમલામાં મુસેવાલાના પિતરાઈ ભાઈ અને એક મિત્રને પણ ઈજા થઈ હતી, જેઓ મુસેવાલા સાથે જીપમાં મુસાફરી કરી રહ્યા હતા.
મુસેવાલા એ 424 લોકોમાં સામેલ હતા જેમની સુરક્ષા પંજાબ પોલીસ દ્વારા અસ્થાયી રૂપે હટાવી દેવામાં આવી હતી અથવા ઓછી કરવામાં આવી હતી. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર મુસેવાલાની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હતો. ગેંગના સભ્ય અને કેનેડા સ્થિત ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી સ્વીકારી છે.