30 January, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી પોતાનો ત્રીજો ઉમેદવાર પાછો ખેંચી લે એવો પ્રસ્તાવ લઈને ગઈ કાલે મહાવિકાસ આઘાડીનું પ્રતિનિધિમંડળ દેવેન્દ્ર ફડણવીસને મળ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર પાછો ખેંચવાની મુદત ગઈ કાલે બપોરના ત્રણ વાગ્યે પૂરી થઈ હતી. એ પહેલાં મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓએ વિરોધ પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને ચૂંટણી બિનહરીફ યોજાય એ માટેના પ્રયાસ કર્યા હતા. જોકે બંને તરફથી કોઈ સમજૂતી ન થતાં ૧૯૯૮ બાદ એટલે કે ૨૪ વર્ષ પછી રાજ્યમાં રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી થશે. સત્તાધારી શિવસેના અને વિરોધ પક્ષ બીજેપી પાસે વધારાની બેઠક માટે સંખ્યા ન હોવા છતાં તેમણે છઠ્ઠી બેઠકમાં વિજય મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં નાના પક્ષો અને અપક્ષો પર બીજેપી અને શિવસેનાએ આધાર રાખવાનો રહેશે એટલે તેમના માટે ‘અચ્છે દિન’ આવી શકે છે.
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ યોજવા માટે ગઈ કાલે મહાવિકાસ આઘાડી સરકારના નેતા છગન ભુજબળ, શિવસેનાના સંસદસભ્ય અનિલ દેસાઈ અને કૉન્ગ્રેસના નેતા સુનીલ કેદારે વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ યોજાય એ માટે બીજેપીને છઠ્ઠી બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાની વિનંતી કરી હતી. બીજેપી જો આ ઑફર સ્વીકારે તો એને રાજ્યની વિધાનપરિષદમાં એક બેઠક મહાવિકાસ આઘાડી સરકાર આપશે એવું કહ્યું હતું.
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પત્રકારોને માહિતી આપતાં આ વિશે કહ્યું હતું કે ‘રાજ્યમાં બીજેપીની ત્રણ બેઠક હતી એટલે અમે એ કાયમ રાખવા માટે ઉમેદવારી નોંધાવી છે. અમારી પાસે ૩૧ મત છે, જ્યારે આ ત્રીજી બેઠક માટે ૧૨થી ૧૩ મત મેળવવાના છે. આની સામે મહાવિકાસ આઘાડી સરકાર પાસે અમારા જેટલા પણ મત નથી. આથી અમને વિશ્વાસ છે કે અમે ત્રીજી બેઠક પણ મેળવીશું. બીજું, બીજેપી રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં અમને મહાવિકાસ આઘાડી સરકાર વિધાનપરિષદની એક બેઠક આપે એ યોગ્ય નથી. આની સામે અમે તેમને રાજ્યસભામાં અમને સાથ આપો તો અમે તમને વિધાન પરિષદમાં સહયોગ કરીશું એમ કહ્યું હતું. જોકે તેમને એ માન્ય નથી એટલે શિવસેનાએ છઠ્ઠી બેઠક પરની ઉમેદવારી પાછી નથી ખેંચી.’
શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે પણ ચૂંટણી બિનહરીફ યોજાવાના પ્રયાસ સફળ ન થયા બાદ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમને વિશ્વાસ છે કે ૧૦ જૂને યોજાનારી રાજ્યસભાની છઠ્ઠી બેઠક પર અમારો જ વિજય થશે. મહાવિકાસ આઘાડીના સહયોગી પક્ષો ઉપરાંત અપક્ષો અને નાના પક્ષો અમારી સાથે રહેશે.’
રાજ્યની પરંપરા મુજબ રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ યોજવાના પ્રયાસો નિષ્ફળ રહેતાં ૧૯૯૮ બાદ એટલે કે ૨૪ વર્ષે રાજ્યસભા માટે ચૂંટણી યોજવામાં આવશે. રાજ્યની છ બેઠક માટે મહાવિકાસ આઘાડી સરકારે ચાર તો વિરોધ પક્ષ બીજેપીએ ત્રણ ઉમેદવારી નોંધાવી છે. ૧૯૯૮માં કૉન્ગ્રેસ પાસે પૂરતી સંખ્યા હોવા છતાં રાજ્યસભાની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના ઉમેદવાર રામ પ્રધાનનો પરાજય થયો હતો. એ સમયે સીક્રેટ બૅલટ પેપરથી મતદાન થયું હતું. જોકે આ વખતની ચૂંટણીમાં દરેક વિધાનસભ્યે બૅલટ બૉક્સમાં મત નાખ્યા પહેલાં જે-તે પક્ષના હોય તે બતાવવો પડશે.
છઠ્ઠી બેઠક માટે બીજેપી કે શિવસેના પાસે સંખ્યા નથી એટલે તેમણે નાના પક્ષો અને અપક્ષો પર આધાર રાખવો પડશે. તેમને પોતાની તરફ ખેંચવાના બંને તરફથી પ્રયાસ થશે. આથી રાજ્યસભાની ચૂંટણીમાં મોટા પાયે ઘોડાબજાર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
છ બેઠક, સાત ઉમેદવાર
બીજેપી : પીયૂષ ગોયલ, ડૉ. અનિલ બોંડે અને ધનંજય મહાડિક
શિવસેના : સંજય રાઉત અને સંજય પવાર
એનસીપી : પ્રફુલ પટેલ
કૉન્ગ્રેસ : ઇમરાન પ્રતાપગઢી