06 June, 2022 07:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય પાંડે (ફાઈલ તસવીર)
પૈગંબર મોહમ્મદ પર ટીવી ડિબેટ દરમિયાન ટિપ્પણી કરીને ઘેરાયેલી ભાજપાની સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્માની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના વિરુદ્ધ આ નિવેદન મામલે પોલીસમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો. હવે મુંબઈ પોલીસ ટૂંક સમયમાં જ તેમને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવશે. મુંબઈ પોલીસના કમિશનર સંજય પાંડેએ આ વાત કહી છે. પાંડેએ કહ્યું કે જ્ઞાનવાપી મામમલે ટીવી પર ડિબેટ દરમિયાન ટિપ્પણીને લઈને મુંબઈ પોલીસ ટૂંક સમયમાં જ સસ્પેન્ડેડ કરવામાં આવેલ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માને સમન્સ પાઠવશે અને તેમનું નિવેદન નોંધશે. તેમણે કહ્યું કે આ સંબંધે જે પણ જરૂરી કાર્યવાહી હશે તે કરવામાં આવશે.
સંજય પાંડેએ કહ્યું કે આ મામલે પણ પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. એફઆઇઆર નોંધાવ્યા બાદ જે પણ પ્રક્રિયા હોય છે, તેનું પાલન કરવામાં આવશે. નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન પૈગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી હતી અને તેના બીજા જ દિવસે મુંબઈ પોલીસે આ મામલે કેસ નોંધ્યો હતો. આ કેસ રઝા અકાદમીના જૉઈન્ટ સેક્રેટરી ઇરફાન શેખે નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 29 મેની રાતે નૂપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો હતો. નૂપુર શર્મા વિરુદ્ધ આઇપીસીની કલમ 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ હેઠળ તેના પર ધાર્મિક વૈમનસ્યને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સિવાય બે સમૂગો વચ્ચે દુશ્મની વધારવાના આરોપમાં સેક્શન 153A હેઠળ કેસ નોંધાયો છે.
નૂપુર શર્માની ટિપ્પણીને કારણે ભાજપને બૅકફૂટ પર આવવું પડ્યું છે. એક તરફ કતર, સાઉદી અરબ, કુવૈત, યૂએઇ, બહરીન સહિત અનેક ઇસ્લામિક દેશોએ આ અંગે ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા તો ભારતમાં પણ ટીકાનો સામનો કરવો પડ્યો. એટલું જ નહીં શુક્રવારે કાનપુરમાં થયેલી હિંસાનું કારણ પણ આ જ હતું. આ હિંસા તે દરમિયાન થઈ હતી, જ્યારે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કાનપુરમાં જ હતા. નોંધનીય છે કે ચારેતરફ હુમલા બાદ ભાજપે રવિવારે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના સિવાય આ મામલે ટ્વીટ કરનાર અન્ય એક નેતા નવીન જિંદલને પણ પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.