07 November, 2023 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવાળીમાં મુંબઈમાં મ્હાડાનાં ૩૦૦૦ ઘરની લૉટરી નીકળશે
મ્હાડાના મુંબઈ બોર્ડની લૉટરી પર લાખો મુંબઈગરા આશાભરી મીટ માંડી રહ્યા હોવાથી હાઉસિંગ વિભાગના પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે ગુરુવારે લૉટરીની જાહેરાત કરી હતી. દિવાળીમાં મ્હાડા ૩૦૦૦ ઘરની લૉટરી કાઢવાની છે, જેમાં પહાડી ગોરેગામ (ગોરેગામનો વિસ્તાર)નાં ૨૬૮૩ ઘરોનો પણ સમાવેશ થાય છે. આવ્હાડે ગુરુવારે પહાડી ગોરેગામમાં આવેલાં ઘરોનું નિરીક્ષણ કરીને બોર્ડને કામનો વેગ વધારવાની સૂચના આપી હતી.
મુંબઈમાં મ્હાડાનાં ઘરોની ઘણી માગ છે. મુંબઈ બોર્ડ પાસે પર્યાપ્ત ઘર ન હોવાથી જૂન ૨૦૧૯ પછી મુંબઈમાં નવાં ઘરોની લૉટરી કાઢવામાં આવી નથી, જેને માટે મુંબઈ બોર્ડે ઘણી આલોચના સહન કરવી પડી હતી.
બોર્ડ દ્વારા ગોરેગામમાં એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં અહીં ૩૦૧૫ ઘરનું કામ શરૂ કરવામાં આવશે, જેમાંથી ૨૬૮૩ ઘર લૉટરીમાં ઉપલબ્ધ કરાશે. જોકે આ ઘરનું કામ પૂરું ન થયું હોવાથી છેલ્લા એક વર્ષથી લૉટરી અટકી પડી હતી.
ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં જિતેન્દ્ર આવ્હાડે ગોરેગામમાં આવેલાં ઘરોનું નિરીક્ષણ કરી બોર્ડને કામનો વેગ વધારવાની સૂચના આપી હતી. આ ઘરોની લૉટરી વિશે આવશ્યક માહિતી મેળવ્યા બાદ તેમણે દિવાળીમાં લૉટરી કાઢવામાં આવશે એવી માહિતી ટ્વિટર પર આપી હતી. આ મકાનોમાં ગોરેગામમાં ૨૬૮૩ મકાનો અને વડાલાનાં મકાનો સામેલ હોવાની શક્યતા છે.
પહાડી ગોરેગામના ફ્લૅટની આ રહી માહિતી
પ્રથમ તબક્કામાં ૨૫ એકર જમીનમાં ૩૦૧૫ ઘરનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આમાંથી ૨૬૮૩ ઘર ડ્રૉમાં સામેલ કરાયાં છે.
૨૬૮૩માંથી ૧૯૪૭ ઘર ઇકૉનોમિકલી વીકર સેક્શન (ઇડબ્લ્યુએસ)માં અને ૭૩૬ ઘર લૉ ઇન્કમ ગ્રુપ (એલઆઇજી)નાં છે.
ઇડબ્લ્યુએસમાં ઘરોનો એરિયા ૩૨૨ ચોરસ ફુટ છે.
એલઆઇજીમાં ઘરોનો એરિયા ૪૮૨ ચોરસ ફુટ છે.