07 June, 2022 11:44 AM IST | Mumbai | Rajendra B Aklekar
સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ
ગુજરાતના બીલીમોરા અને સુરત વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રથમ સ્ટ્રેચ ઑગસ્ટ, ૨૦૨૬માં શરૂ થવા સજ્જ છે. બુલેટ ટ્રેનનો રૂટ અમદાવાદથી મુંબઈનો છે પરંતુ મહારાષ્ટ્રમાં ટ્રેનના રૂટ માટે વિશેષ બાંધકામ હાથ ધરાયું નથી.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં જમીન હસ્તગતની સમસ્યાને પગલે પ્રોજેક્ટ ધીમો પડ્યો છે, પરંતુ મને આશા છે કે આ સમસ્યાનું સૌહાર્દપૂર્ણ સમાધાન આવશે. મહારાષ્ટ્રે આ પ્રોજેક્ટ પર સહકાર અને સહયોગની ભાવનાથી કામ કરવું જોઈએ.’
સરકારના મહત્વાકાંક્ષી અમદાવાદ-સુરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વિકાસનું નિરીક્ષણ કરવા તેઓ સુરત પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ૬૧ કિલોમીટરના રૂટમાં પિલર મૂકવામાં આવ્યા અને લગભગ ૧૫૦ કિલોમીટરના સ્ટ્રેચ પર કામ ચાલી રહ્યું છે અને દર મહિને નદીઓ પરના પુલ સહિત ૧૦-૧૨ કિલોમીટરથી વધુ પિલર બનાવવામાં આવી રહ્યા છે.
સુરત હાઈ સ્પીડ રેલ (એચએસઆર) સ્ટેશનની સાઇટની મુલાકાત દરમ્યાન તેમણે કહ્યું હતું કે ‘અમે ૨૦૨૬માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. હાલમાં કામની પ્રગતિ ઘણી સારી છે અને નિર્દિષ્ટ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે એવી અમને આશા છે.’
આ દરમ્યાન તેમણે સુરત અને નવસારીના કાસ્ટિંગ યાર્ડની પણ મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટનો હેતુ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ રેલ (એચએસઆર) કોરિડોર પર ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચલાવવાનો છે, જે ૧૨ સ્ટેશનો પર ૫૦૮ કિમીનું અંતર કવર કરશે. આ ટ્રેન શરૂ થતાં બન્ને શહેરો વચ્ચેનો પ્રવાસનો સમય હાલના કલાકથી ઘટીને લગભગ ત્રણ કલાકનો થશે. અંદાજે ૧.૧ લાખ કરોડની કિંમતના આ પ્રોજેક્ટમાં જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (જેઆઇસીએ)૮૦ ટકાનું ફન્ડિંગ કરશે.
પ્રોજેક્ટ માટે કેટલી જમીન હસ્તગત થઈ છે?
ગુજરાત : ૯૮.૮ ટકા હસ્તગત કરાઈ
દાદરા નગર હવેલી : ૧૦૦ ટકા
મહારાષ્ટ્ર : ૭૧.૫ ટકા હસ્તગત કરવામાં આવી જેમાં ખાનગી ૯૧.૭ ટકા, સરકારી ૯૨ ટકા અને વન વિભાગ શૂન્ય ટકા