17 October, 2024 11:49 AM IST | Mumbai | Rohit Parikh
માટુંગામાં આવેલા કચ્છી વીસા ઓસવાળ સમાજના છાત્રાલયની ચૂંટણીનો વિવાદ ઊભો થયો છે
કચ્છી વીસા ઓસવાળ જૈન સમુદાયની કરોડરજ્જુ સમાન ૧૦૦ વર્ષ જૂની માટુંગા બોર્ડિંગ તરીકે પ્રખ્યાત શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલયના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની ચૂંટણી રવિવાર, ૧૨ જૂને યોજાઈ છે. કચ્છી જૈન મહાજનના છાત્રાલયની ચૂંટણી હંમેશાં રસાકસીભરી જ રહે છે. આ ચૂંટણીમાં કચ્છી સમાજના સેવાભાવી અને દાનવીર ચંદ્રકાંત ગોગરીની પૅનલ ચૂંટણી લડી રહી છે. તેમની સામે કેકિન કુંવરજી છેડાના નેતૃત્વ હેઠળની પૅનલ ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં અત્યારે ભોજાય સર્વોદય ટ્રસ્ટના સર્વેસર્વા લીલાધર માણેક ગડાએ કચ્છ વડાલા મુંબઈ મહાજનની વિવિધ સંસ્થાઓએ ચંદ્રકાંત ગોગરીની પૅનલને મત આપવાની અપીલ કરી એની સામે નારાજગી વ્યક્ત કરીને વિરોધ કરતાં અચાનક ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું હતું કે કોઈ સંસ્થાઓએ કોઈ પૅનલને મત આપવાની અપીલ કરવી જોઈએ નહીં. તેમણે દર્શાવેલી નારાજગીથી મુંબઈના કચ્છી જૈન સમાજમાં વિરોધનો વંટોળ ફેલાયો છે. અત્યારે મુંબઈમાં પ્રતિષ્ઠિત એવા છાત્રાલયની ચૂંટણીમાં જાગેલા વિવાદ પર સમાજની નજર છે.
શું છે વિવાદનું મૂળ?
આ વિવાદ બીજી જૂનની કચ્છી પત્રિકામાં શ્રી કચ્છ વડાલા મુંબઈ મહાજન દ્વારા આપવામાં આવેલી એક જાહેરાતને કારણે થયો હતો. શ્રી કચ્છ વડાલા મુબંઈ મહાજન, શ્રી કચ્છ વડાલા જૈન જાગૃતિ સેન્ટર, શ્રી કચ્છ વડાલા યુવા વિકાસ સમાજ અને કચ્છ વડાલા સખીવૃંદના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને કારોબારી સભ્યો દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં ચંદ્રકાંત ગોગરી અને દીપક ભેદાની સાથે આદ્યા વિદ્યાર્થી સંગઠન અને કચ્છી જૈન ફાઉન્ડેશનની પૅનલને સંપૂર્ણ બહુમતી શા માટે? એવો સવાલ પૂછીને ચંદ્રકાંત ગોગરી અને દીપક ભેદાની સંપૂર્ણ ટીમને વોટ આપીને સંપૂર્ણ બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી હતી.
ચોક્કસ પૅનલને મત શા માટે?
આ જાહેરાતની સામે લીલાધર માણેક ગડાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આજની પત્રિકામાં શ્રી વડાલા જૈન મહાજન અને વડાલાની અન્ય સંસ્થાઓના નામે માટુંગા બોર્ડિંગની ચૂંટણીમાં એક ચોક્કસ પૅનલને મત આપવાની વિનંતી કરતી જાહેરાત વાંચીને આશ્ચર્ય થયું. આ વિનંતી સાથે વડાલા મહાજનના બધા સભ્યો સહમત છે? કોઈ પણ એક સંસ્થાના નામે કોઈ વ્યક્તિ કે પૅનલને મત આપવા માટે અનુરોધ કરવામાં આવે ત્યારે એ સંસ્થા કે મહાજનના દરેક સભાસદની સંમતિ હોવી જરૂરી છે એવું મારું માનવું છે. સમાજના મોભીઓ પાસેથી તેમના અમૂલ્ય માર્ગદર્શન અને મંતવ્યની અપેક્ષા છે.’
શરૂ થયો અણધાર્યો વિવાદ
લીલાધર ગડાએ જૈન પત્રિકામાં ચંદ્રકાંત ગોગરીની પૅનલ માટેની અપીલ કરતી સંસ્થાઓની જાહેરાત બાબતમાં સ્પષ્ટતા માગ્યા બાદ ચૂંટણીમાં અણધાર્યો વિવાદ શરૂ થયો હતો. સોશ્યલ મીડિયામાં ત્યાર પછી આ મુદ્દે અનેક સવાલો ઊભા થયા હતા. લીલાધર ગડા વડાલા ગામના નથી, તેઓ ભોજાય ગામના છે. આમ છતાં તેમને દર્શાવેલી નારાજગીથી મુંબઈના કચ્છી જૈન સમાજમાં વિરોધનો વંટોળ ફેલાયો છે. વડાલાની સંસ્થાઓએ તેમની જ વડાલાની સંસ્થાઓની પત્રિકામાં જાહેરખબર આપીને વડાલાના નાગરિકોએ પોતાની સંસ્થાઓના બંધારણનો હવાલો આપીને લીલાધર ગડાને સવાલ પૂછ્યો છે કે તમે વડાલાના વતની છો ખરા? આ સિવાય કચ્છી સમાજના અમુક લોકોએ લીલાધર ગડાની જાહેરખબર પ્રસિદ્ધ થયા પછી લીલાધર ગડા પર આક્ષેપો કરવાના શરૂ કર્યા છે. મળેલી માહિતી પ્રમાણે ચંદ્રકાંત ગોગરી બધી જગ્યાએ દાન આપે છે, પણ ભોજાય ટ્રસ્ટને દાન આપતા નથી. જૈન સમાજમાં એવી પણ ચર્ચા છે કે ભોજાય સર્વોદય ટ્રસ્ટમાં લીલાધર ગડાના એકહથ્થુ અને બિનલોકશાહી વહીવટ સામે અનેક લોકોને વાંધો છે. ભોજાયની હૉસ્પિટલમાં પણ કેટલાક નિર્ણયો માત્ર તેમના તરફી લેવાય છે. સમાજના દાનથી ચાલતા ટ્રસ્ટની હૉસ્પિટલના મુખ્ય ટ્રસ્ટીની આ હરકતથી હૉસ્પિટલને જૈન સમાજમાં આવતા દાનના પ્રવાહ પર પણ અસર પડશે એવી શક્યતા સમાજના અમુક હોશિયાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. વડાલાની સંસ્થાઓ અખબારી માધ્યમ દ્વારા જ તેમણે લીલાધર ગડાએ કરેલા સવાલોના જવાબ તેમની પાસેથી મળે એવો આગ્રહ કરવામાં આવ્યો છે.
મોભીઓ પાસે માગ્યું છે માર્ગદર્શન
આ વિવાદ બાબતમાં લીલાધર ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં અત્યારે જાહેરાત સામેની નારાજગી કે સવાલો ઊભા કર્યા છે. મારો કોઈ વિવાદ નથી. એ સવાલો મેં સમાજ અને મહાજન સામે ૧૯૬૦થી ઊભા કરેલા છે. હું એ સમયથી સમાજની ચૂંટણીઓમાં રચાતી પૅનલોનો વિરોધ કરું છું અને જાહેર સંસ્થાઓ કોઈ ચોક્કસ પૅનલને ચૂંટણીમાં મત આપવાની જાહેરાત કરે એનો મારો વિરોધ છે. મારું નૈતિક રીતે માનવું છે કે સંસ્થાઓએ જાહેરમાં કોઈ વ્યક્તિ કે પૅનલને મત આપવાની અપીલ કરવી જોઈએ નહીં. મને કોણ જીતે કે કોણ હારે એમાં રસ નથી. પૅનલ પદ્ધતિ વૈમનસ્ય અને કલુષિતતા સર્જે છે. જો પૅનલ પદ્ધતિ ન હોય તો ચૂંટણી સ્વચ્છ વાતાવરણમાં પૂરી થઈ શકે છે. આ મારો વિવાદ નથી, મારી નૈતિક માન્યતા છે જે મેં સમાજ સામે મારી જાહેરાતના માધ્યમથી રજૂ કરી છે. એમાં પણ મેં સમાજના મોભીઓ પાસેથી તેમના અમૂલ્ય માર્ગદર્શન અને મંતવ્યની અપેક્ષા રાખી છે.’
તેમના પર સોશ્યલ મીડિયામાં કરવામાં આક્ષેપો સંદર્ભમાં લીલાધર ગડાએ કહ્યું હતું કે ‘આ એક સામાન્ય રીત છે. જ્યારે તમે કોઈ પણ બાબત પર તમારો અવાજ ઉઠાવો ત્યારે અમુક વ્યક્તિઓ તમારી સામે આક્ષેપો કરવાની જ. આથી આ મુદ્દે હું કશું પણ કહેવા માગતો નથી.’
જૂની પ્રણાલી છે સંસ્થાઓની જાહેરાતો
લીલાધર ગડાના મંતવ્ય પર ચંદ્રકાંત ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅનલ પદ્ધતિ અને પૅનલને મત આપવાની સંસ્થાઓની જાહેરાતો બહુ જૂની પ્રણાલી છે. એવું નથી કે આ ચૂંટણીમાં જ પૅનલ બની અને કોઈ સંસ્થાઓએ કોઈ એક પૅનલને મત આપવાની અપીલ કરી. માની લો કે હું પૅનલ પદ્ધતિનો વિરોધી હોઉં તો પણ અત્યારે જ્યારે આ જ પદ્ધતિથી બધા સમાજોમાં ચૂંટણીઓ હવે લડાય છે ત્યારે આવા સંજોગોમાં મારે એ પદ્ધતિને ફૉલો કરવી અનિવાર્ય બની જાય છે. આ જ રીતે કોઈ પૅનલને મત આપવાની સંસ્થાઓની અપીલ પણ હવે એક સામાન્ય પ્રણાલિકા છે જેને સૌએ સ્વીકારવી જ રહી.’
નો કમેન્ટ : ચૂંટણી કમિશનર
ચૂંટણી કમિશનર શાંતિ રાંભિયાએ આ વિવાદ પ્રત્યે મૌન સેવવાનું પસંદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે મારા પર ચૂંટણી કમિશનરની જવાબદારી છે. એવા સમયે હું કોઈ મંતવ્ય આપું એ હિતાવહ ન કહેવાય. લીલાધર ગડાએ ઊભા કરેલા સવાલો પર મહાજને વિચારણા કરવી જોઈએ કે ન જોઈએ એ બાબતમાં પણ હું કોઈ જ અભિપ્રાય આપી શકવા અત્યારના સંજોગોમાં અસમર્થ છું. હું જ્યારે પત્રિકાનો તંત્રી હતો ત્યારે હું મારા પૅનલ પદ્ધતિ માટેના વિચારો રજૂ કરી ચૂક્યો છું. હજી પણ લીલાધર ગડાએ ઊભા કરેલા સવાલોનો જવાબ હું ચૂંટણી પછી મને પૂછવામાં આવશે તો ચોક્કસ આપીશ, પરંતુ અત્યારે હું કોઈ જ કમેન્ટ કરી શકું નહીં.’