07 June, 2022 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત અને એકનાથ શિંદે શિવસૈનિકો સાથે અયોધ્યામાં
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ - મનસે)ના કાર્યકરોએ રવિવારે અયોધ્યાની મુલાકાત લીધા બાદ શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉત અને એકનાથ શિંદે ગઈ કાલે અયોધ્યા પહોંચ્યા હતા. સંજય રાઉતે અયોધ્યા પહોંચીને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પર નામ લીધા વિના પ્રહાર કર્યા હતા. ઉત્તર ભારતીયોનું અપમાન કરનારાઓએ તેમની માફી માગવી જ જોઈએ એમ કહ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સંજય રાઉતે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિર્દેશથી અમે અહીં આવ્યા છીએ. ૧૫ જૂને આદિત્ય ઠાકરે પણ અહીં રામલલાનાં દર્શન કરવા આવશે. બીજેપીના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ રાજ ઠાકરેનો વિરોધ કરી રહ્યા છે. તેઓ એક મોટા નેતા છે. કોઈના દબાણમાં આવતા નથી. શિવસેના અને બ્રિજભૂષણ સિંહ સાથે કોઈ ડીલ નથી થઈ. ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ તેઓ રાજ ઠાકરેનો વિરોધ કરી રહ્યા છે. મારા હિસાબે તેમની વાત સાચી છે.’