06 June, 2022 09:52 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રશિયા વિરુદ્ધની લડાઈમાં અમેરિકા અને યુરોપિયન દેશો સતત યુક્રેનને શસ્ત્ર સહાય કરી રહ્યા છે, જેના કારણે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને ગઈ કાલે ચેતવણી આપી હતી કે જો અમેરિકા અને યુરોપિયન દેશો યુક્રેનને લાંબા અંતરની મિસાઇલ્સ પૂરી પાડશે તો રશિયા નવા ટાર્ગેટ્સ પર હુમલો કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ યુદ્ધને લાંબું ખેંચવા માટે જ યુક્રેનને શસ્ત્ર સહાય કરવામાં આવી રહી છે.
પુતિને જણાવ્યું હતું કે ‘જો યુક્રેનને લાંબા રેન્જની મિસાઇલ્સ પૂરી પાડવામાં આવશે તો અમે યોગ્ય તારણ પર આવીશું અને અમે આ પહેલાં જ્યાં હુમલાઓ કર્યા નથી એવા ટાર્ગેટ્સ પર અમારાં શસ્ત્રોનો ઉપયોગ કરીને ત્રાટકીશું.’
જોકે રશિયન ટીવી-ચૅનલ પર ગઈ કાલે પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યુમાં પુતિને એ જણાવ્યું નહોતું કે આ નવા ટાર્ગેટ્સ કયા હશે કે જે મિસાઇલ્સથી રશિયા રિઍક્ટ કરશે એની રેન્જ ચોક્કસ કેટલી હશે.
વાસ્તવમાં અમેરિકાએ તાજેતરમાં યુક્રેનને મલ્ટિપલ લૉન્ચ રૉકેટ સિસ્ટમ્સ આપવાની જાહેરાત કરી એના પછી તરત જ પુતિને આ વાત જણાવી છે.