31 May, 2022 09:07 AM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent
વિમાન અકસ્માતના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ
કાઠમાંડુ નેપાલમાં ખરાબ હવામાનને કારણે રવિવારે થયેલી વિમાન અકસ્માતની ઘટનામાં દુર્ઘટના સ્થળેથી કોઈ પણ વ્યક્તિ જીવંત મળી નથી. પ્રાઇવેટ પ્લેનમાં ચાર ભારતીયો સહિત કુલ ૨૨ લોકો સવાર હતા. ગઈ કાલ સવારથી બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વિમાનનો જ્યાં અકસ્માત થયો હતો ત્યાં હેલિકૉપ્ટરની મદદથી નેપાલની આર્મીના ૧૫ સભ્યોને ઉતારવામાં આવ્યા હતા જેથી મરનારનાં શબોને લઈ જઈ શકાય. અકસ્માત સમુદ્રની સપાટીથી ૧૪,૫૦૦ ફુટની ઊંચાઈએ નોંધાયો હતો. નેપાલની હોમ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ અગાઉ કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો મરણ પામ્યા હોવાની અમને આશંકા છે. અમારી પ્રાથમિક તપાસ એવું જ કહે છે કે કોઈ બચ્યું નથી.
તારા ઍરલાઇન્સના પ્લેનના કાટમાળમાંથી ગઈ કાલે શરૂઆતમાં કુલ ૧૬ લાશોને બહાર કાઢવામાં આવી હતી. બાકીની લાશોને શોધવાનું કામ ચાલુ છે. ખરાબ હવામાન છતાં આર્મીના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નેપાલની રાજધીની કાઠમાંડુમાં આવેલા ત્રિભુવન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના પ્રવક્તા ટેક રાજે કહ્યું હતું કે કેટલાક મુસાફરોના મૃત શરીરની ઓળખ થઈ શકે એમ નથી. રવિવારે સવારે આ વિમાન અકસ્માતનો ભોગ બન્યું ત્યારે એ મુસ્તાંગ જિલ્લાના સાનો સ્વરે ભીર વિસ્તારમાં હતું. મૃત શરીરના અવશેષો અકસ્માતના સ્થળેથી ૧૦૦ મીટર વિસ્તારમાં પ્રસરેલા હતા. મરનાર ચાર ભારતીયોની ઓળખ થઈ ગઈ હતી જેમાં અશોક કુમાર ત્રિપાઠી, તેમની ભૂતપૂર્વ પત્ની વૈભવી બાંદેકર (ત્રિપાઠી) તેમ જ તેમનાં બાળકો ધનુષ અને રિતિકાનો સમાવેશ થાય છે.