03 June, 2022 09:12 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને હવે પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ કરી હતી સાથે જ તેમણે સ્વીકાર્યું હતું કે તેમની સરકાર નબળી હતી, જેને ચોતરફથી બ્લૅકમેઇલ કરવામાં આવતી હતી, કેમ કે ખરી સત્તા તેમના હાથમાં નહોતી.
એપ્રિલમાં ઇમરાન ખાનની સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં હારી ગયા બાદ તેમણે પદ છોડવું પડ્યું હતું, જેના પછી તેમણે આરોપ મૂક્યો હતો કે અમેરિકાના દોરીસંચારથી તેમને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
હવે બુધવારે એક ઇન્ટરવ્યુમાં ઇમરાનને તેમની વિરુદ્ધના અવિશ્વાસના પ્રસ્તાવની રાતની ઘટનાઓ વિશે પૂછવામાં આવ્યું હતું.
જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘તેમની સરકાર સત્તા પર આવી હતી ત્યારે નબળી હતી અને તેમણે બીજી પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન રચવું પડ્યું હતું. જો ફરી એવી સ્થિતિ આવશે તો તેઓ ફરીથી ચૂંટણી યોજીને બહુમતી મેળવીને સરકારની રચના કરે કે પછી સત્તાની બહાર રહેવાનું પસંદ કરશે.’
તેમણે કહ્યું હતું કે ‘અમારા હાથ બાંધી દેવામાં આવ્યા હતા. અમને ચારેતરફથી બ્લૅકમેઇલ કરવામાં આવતા હતા. સત્તા અમારી પાસે નહોતી. દરેક જણ જાણે છે કે પાકિસ્તાનમાં સત્તા કોની પાસે રહેલી છે એટલા માટે અમારે તેમના પર આધાર રાખવો પડ્યો હતો.’ જોકે તેઓ અહીં કોનો ઉલ્લેખ કરી રહ્યા છે એના વિશે તેમણે સ્પષ્ટતાથી નહોતું કહ્યું.