03 May, 2022 08:44 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભરઉનાળે અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ગઈ કાલે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને પવન ફૂંકાવા સાથે કેટલાંક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના પગલે ખેડૂતોના જીવો તાળવે ચોંટ્યા હતા.
ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે એવા સમયે ગઈ કાલે અમરેલી જિલ્લાના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો. જાણે કે ચોમાસું બેસી ગયું હોય એમ ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં કાળાં ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં અને ભારે પવન ફૂંકાયો હતો.ખાંભા તાલુકાના પિપળિયા, ભણિયા અને નાનુડી ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો સાવરકુંડલા તાલુકામાં આદસંડા, થોરડી સહિતનાં ગામોમાં પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે માવઠું થતાં કેરી સહિતના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી ગઈ હતી.
એક તરફ જ્યાં અમરેલી જિલ્લાના બે તાલુકામાં વરસાદ પડ્યો હતો ત્યારે બીજી તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્ રહેવા પામી હતી. ગઈ કાલે ગુજરાતનાં ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૪૦ને પાર થયો હતો. ગઈ કાલે સૌથી વધુ ૪૨.૯ ડિગ્રી ગરમી અમદાવાદમાં નોંધાઈ હતી. આ ઉપરાંત કંડલા ઍરપોર્ટ પર ૪૨.૬, ગાંધીનગરમાં ૪૨.૨, વડોદરા અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮, અમરેલીમાં ૪૧.૬, ડીસામાં ૪૧.૪, રાજકોટમાં ૪૧.૩, વલ્લભવિદ્યાનગરમાં ૪૦.૭ અને ભાવનગરમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.