02 June, 2022 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પટેલ
કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ(Hardik Patel)આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં પક્ષનું સભ્યપદ લીધું છે. જોડાતા પહેલા હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે `રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.`
હું પદનો લોભી નથીઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે મેં આજદિન સુધી પદના લોભમાં ક્યાંય પણ કોઈ પ્રકારની માંગણી કરી નથી. મેં કોંગ્રેસ પણ કામ માંગીને છોડી અને ભાજપમાં પણ કામની વ્યાખ્યામાં જોડાઈ રહ્યો છું. નબળા લોકો પદની ચિંતા કરે છે. મજબૂત લોકો ક્યારેય પદની ચિંતા કરતા નથી.
કોંગ્રેસ પાર્ટીથી નારાજ નેતાઓને ભાજપમાં સામેલ કરીશુંઃ હાર્દિક
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં દર 10 દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યો, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યોને જોડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટી ચીફ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ઉગ્ર વાત કરી હતી.