04 June, 2022 11:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભરતસિંહે પરિવારની સમસ્યા માટે પણ પૉલિટિક્સને જવાબદાર ગણાવ્યું
અંગત જીવનમાં ઊભા થયેલા વિવાદોની વચ્ચે ગુજરાતના નેતા ભરતસિંહ સોલંકીએ થોડા સમય માટે રાજકીય વનવાસનું પગલું ભર્યું છે. ગુજરાત કૉન્ગ્રેસના આગેવાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી શૉર્ટ ટાઇમ બ્રેકની જાહેરાત કરીને એમ પણ કહ્યું કે મને માનસિક ત્રાસમાંથી છૂટવું છે.
ભરતસિંહ સોલંકીએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘સીધા પૉલિટિક્સમાંથી હું થોડો ટાઇમ બ્રેક લેવાનો છું, પણ સામાજિક પ્રક્રિયાના, ક્ષત્રિય, ઠાકોર, ઓ.બી.સી. સહિતનાં સંગઠનમાં, પ્રવાસમાં, પ્રચારમાં આજે ટાઇમ આપું છું એના કરતાં બમણો ટાઇમ આપીશ. હું શૉર્ટ ટાઇમ બ્રેક લઈશ જે બે, ચાર કે છ મહિનાનો હોઈ શકે. આ મારો પોતાનો અંગત નિર્ણય છે, હાઈ કમાન્ડનો નથી. મારી કોઈ હાઈ કમાન્ડના નેતા સાથે વાતચીત થઈ નથી.’
ભરતસિંહ સોલંકીએ એ વાતનો સ્વીકાર કરતાં અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘એ રિદ્ધિ પરમારનું ઘર હતું. અમારા સામાજિક સંબંધી છે. અચાનક જ બધા આવી ગયા જે ઢંગથી, નાલાયકી, જંગલિયાતથી એક નાનકડી યુવતી પર તૂટી પડે, પણ એ બધાનું બહાર આવશે. હું હાથી જેવો છું, ચાલ્યા કરું છું, જેને જે બોલવું હોય એ બોલ્યા કરે. દાખલા તરીકે મારી પત્નીને મારી સાથેના વ્યક્તિગત ઝઘડાથી છુટા પડવાને અને રાજકારણને શું લેવાદેવા છે? મારે ૧૫– ૧૭ વર્ષ પછી નોટિસ કેમ આપવી પડી અને ડિવૉર્સ કેમ? મારે કોઈ બાળકો નથી તો મારી પ્રૉપર્ટી કોને મળે? પત્નીને મળે, પણ તેમને ધીરજ નહોતી.’
ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે ‘મને લાગી રહ્યું છે કે આખી લડાઈ જુદા પ્રકારની છે. વાય મી? કેમ આવો ટાર્ગેટ? વિરોધી પક્ષને દર વખતે રસ પડે છે. ૨૦૧૭ની ચૂંટણી હોય કે અત્યારની ચૂંટણી હોય. આવું કરાવીને પબ્લિકમાં ઇમેજ ડાઉન કરીને રાજકારણને બદલી શકાય એ મુખ્ય હેતુ છે. પૉલિટિકલ ઍન્ગલ એ છે કે મારી ૩૦ વર્ષની રાજકીય કારકિર્દીના કારણે મારા દાદા, મારા પિતા, અમિતભાઈને દલિત, આદિવાસી, માઇનૉરિટી, ઓ.બી.સી., ક્ષત્રિય સહિતના તમામના આશીર્વાદ મળ્યા છે ત્યારે કેમ કરીને એમાં ભરતસિંહ સોલંકીને ડાઉન કરી દો.’