03 June, 2022 08:44 AM IST | Ahmedabad | Shailesh Nayak
પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહેલી વડોદરાની ક્ષમા બિન્દુ અને ૧૧ જૂને થનારાં તેનાં લગ્નનું કાર્ડ (ડાબે)
આવતા શનિવારે વડોદરામાં એવાં લગ્ન થવા જઈ રહ્યાં છે જેમાં ક્ષમા બિન્દુ નામની યુવતી પોતાની સાથે જ માંડશે પ્રભુતામાં પગલાં. મેંદી, હલ્દી જેવા પ્રોગ્રામો બાદ તે પોતાના હાથે જ માંગ ભરશે, એકલી ફેરા ફરશે, પોતે જ પોતાને હાર પહેરાવશે અને ત્યાર બાદ હનીમૂન પર પણ જશે
આવતા શનિવારે વડોદરામાં એવાં અનોખાં લગ્ન થવા જઈ રહ્યાં છે જેમાં અમદાવાદમાં જન્મેલી ક્ષમા બિન્દુ વડોદરામાં વરરાજા વગર પોતાની જાત સાથે સેલ્ફ-મૅરેજ કરશે. ૧૧ જૂને વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા મહાદેવજીના મંદિરમાં વિધિવત્ લગ્ન યોજાશે. તે મેંદી અને પીઠી લગાવી દુલ્હન બની વરમાળા પહેરીને પોતાની જાત સાથે ફેરા પણ ફરશે અને જાતે જ પોતાની માંગ ભરીને દુલ્હન બનવાનું સપનું પૂરું કરશે. એટલું જ નહીં, તે પોતે હનીમૂન પર પણ જશે. આ લગ્નને લઈને તૈયારીઓ પણ ચાલી રહી છે.
પોતાની જાતને લવ કરતી ક્ષમા બિન્દુએ પોતાના આ નિર્ણય ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘હું પોતાની સાથે રહેવાનું નાનપણથી વિચારતી હતી. નાનપણથી મારું સપનું હતું કે દુલ્હન બનીશ, પણ મારે કોઈની પત્ની નહોતું બનવું. હું એક વેબસિરીઝ જોઈ રહી હતી એમાં એક ડાયલૉગ આવ્યો કે દરેક સ્ત્રી દુલ્હન બનવા ઇચ્છે છે પણ વાઇફ બનવા નહીં. તરત મને થયું કે આ તો હું વિચારું છું એવું જ છે. મારે દુલ્હન બનવું છે, પણ દુલ્હન બન્યા પછી દુલ્હન તરીકેની સફર નથી કરવી. આ પૉસિબલ હોવાથી મેં વિચાર્યું કે હું મારી પોતાની જાત સાથે લગ્ન કરી શકું છું અને એ જ જિંદગી જીવી શકું છું જે હું જીવતી આવી છું. મેં ગૂગલ પર સર્ચ કર્યું કે હું પોતાની સાથે લગ્ન કરી શકું ત્યારે સોલોગામી – સેલ્ફ-મૅરેજનો કન્સેપ્ટ જાણવા મળ્યો. મને ખબર પડી કે લોકો પોતાની સાથે પણ લગ્ન કરી રહ્યા છે. એટલે મેં પણ નક્કી કર્યું કે મારે મારી જાત સાથે લગ્ન કરવાં છે.’
બરોડાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બૅચરલ થયેલી અને વડોદરામાં સર્વિસ કરતી ૨૪ વર્ષની ક્ષમા બિન્દુએ પોતાની જાત સાથેનાં મૅરેજની લગ્નવિધિ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘૧૧ જૂને હું મારી જાત સાથે લગ્ન ગોત્રી વિસ્તારમાં આવેલા હરિ હરિ મહાદેવ મંદિરમાં કરીશ. મેંદી સેરેમની ૯ જૂને થશે. ૧૧ જૂને હલ્દી રાખવામાં આવી છે અને એ જ દિવસે રાત્રે લગ્ન થશે. હું મારી જાતને વરમાળા પહેરાવીશ, ફેરા ફરીશ અને મારી જાતે મારી માંગમાં સિંદૂર પણ ભરીશ. લગ્નની બધી જ વિધિ હું કરીશ. પંડિતજી પણ આવશે. લગ્નનું કાર્ડ તૈયાર થઈ ગયું છે અને લગ્નનાં કપડાં સહિતની તૈયારીઓ ચાલી રહી છે.’
દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે પોતાની દીકરીને સાસરે વળાવે. આ કિસ્સામાં દીકરીને વરરાજા વગર પોતાની જાત સાથે લગ્ન કરવા દેવા પેરન્ટ્સ કેવી રીતે તૈયાર થયા એ વિશે વાત કરતાં ક્ષમાએ કહ્યું હતું કે ‘પહેલાં તો મમ્મી-પપ્પાએ કહ્યું કે આવી રીતે થોડાં લગ્ન થાય? આ બધું શું છે? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? જોકે માતા-પિતા સાથે બેસીને મેં તેમને સમજાવ્યાં અને તેઓ સમજી ગયાં અને મને કહ્યું કે જેમાં તારી ખુશી છે એમાં અમારી ખુશી છે. મારી મોટી બહેન ડૉક્ટર છે. તેણે પણ મને કહ્યું કે તું ખુશ છે તો અમે પણ તારા માટે ખુશ છીએ.’
પોતાની જાતને પ્રેમ કરતી ક્ષમાએ વધુમાં કહ્યું હતું કે ‘તમે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર પોતાની ખુશી માટે પોતાને પ્યાર કરો છો તો એને સેલ્ફ-લવ કહેવાય છે. હું એટલા માટે મારી જાત સાથે લગ્ન કરવા માગું છું, કારણ કે તમારામાં રહેલી સારી બાબતો જો સમાજ ન સ્વીકારે તો તકલીફ થાય, પણ મારા કેસમાં તો મારામાં રહેલી ઊણપ મારે જ સ્વીકારવાની છે.’
સપનાના રાજકુમાર વિશે વાત કરતાં ક્ષમાએ કહ્યું હતું કે ‘મારી એવી કોઈ ડિઝાયર રહી નથી કે મારા સપનાનો કોઈ રાજકુમાર હોય. સપનાનો રાજકુમાર કે સપનાની રાજકુમારી જોઈએ શું કામ? હું કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા નથી માગતી કે તમે લગ્ન કરવાનો વિચાર ન કરો, પણ જો તમે લગ્નનો વિચાર ન કરતા હો તો પોતાની સાથે લગ્ન કરવામાં ખોટું શું છે?’
લગ્નમાં અમદાવાદ અને વડોદરાના ક્ષમાના ફ્રેન્ડ્સ હાજર રહેશે. જોકે તેની ફૅમિલી વિડિયો કૉલથી લગ્ન જોશે એવું તેણે જણાવ્યું હતું.