28 March, 2023 11:40 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનના ગુઆંગઝુના પ્રાણીસંગ્રહાલયનો આ સિંહ કંઈક વિચિત્ર જ દેખાય છે
ચીનના એક પ્રાણીસંગ્રહાલયના સિંહના ફોટો ઘણા વાઇરલ થયા છે. પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ કોઈ પણ જાતની હેરકટ ન કરી હોવાનો દાવો કર્યો છે. સિંહ જંગલનો રાજા છે. એની કેશવાળી જ એના ગર્વનું પ્રતીક છે, પરંતુ ચીનના ગુઆંગઝુના પ્રાણીસંગ્રહાલયનો આ સિંહ કંઈક વિચિત્ર જ દેખાય છે. લાંબી તેમ જ આડેધડ ઊગેલી કેશવાળીને બદલે આ સિંહની કેશવાળી કટ થયેલી હોય એવી દેખાય છે. ચીનની સોશ્યલ વેબસાઇટમાં આ ફોટો રિલીઝ થતાં લોકોએ આ હેરકટ પાછળ પ્રાણીસંગ્રહાલયના લોકોનો હાથ છે એવો આરોપ મૂકતાં પ્રાણીસંગ્રહાલય દ્વારા સફેદ સિંહના બીજા ફોટો પણ મૂક્યા છે. પ્રાણીસંગ્રહાલય દ્વારા ગરમીને કારણે કુદરતી રીતે જ આવું થયું હોવાનું જણાવ્યું હતું, પરંતુ સમગ્ર વિવાદને લીધે અનેક લોકો આ સિંહ જોવા માટે આવે છે. આ સિંહની રુવાંટી ધીમે-ધીમે સોનેરીમાંથી સફેદ થતી જાય છે. સિંહની આવી હેરકટને લઈને લોકોએ ઘણી મજેદાર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે આવી હેરકટને કારણ એ પોતાના પાર્ટનર સમક્ષ મોઢું ઊંચું પણ કરી શકતો નથી.