28 March, 2023 11:38 AM IST | Mumbai | Bakulesh Trivedi
ફાઇલ તસવીર
ધીમે ધીમે ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ હવે સ્કૂલો પણ ખૂલવાની છે તો વાલીઓ અસમંજસમાં છે કે બાળકોને સ્કૂલમાં મોકલવા કે નહીં. જોકે હાલ સરકારનું સ્ટેન્ડ એવું છે કે અત્યારના તબક્કે સ્કૂલો ચાલુ કરવી, પણ પૂરતી કાળજી સાથે. એથી ટૂંક સમયમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એ માટે એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) જાહેર કરશે. આ બાબતે રાજ્યના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષમાં કોરાનાને કારણે બાળકોનું ખૂબ જ નુકસાન થયું છે. એથી તેમને નુકસાન ન થાય એ માટે સ્કૂલ તો ચાલુ કરાશે જ. જોકે એ માટે લેવી પડતી બધી જ કાળજી લેવાશે. વળી હાલ જે કેસ આવી રહ્યા છે એ બધા અસિમ્પ્ટોમેટિક છે અને હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી પડતી. એથી કાળજી સાથે સ્કૂલો ચાલુ કરવામાં વાંધો નથી. ગયા વર્ષે સ્કૂલો ચાલુ કરતી વખતે જે એસઓપી જાહેર કરાઈ હતી એને જ બેઝ બનાવી નવી એસઓપી તૈયાર કરવામાં આવી છે.’
સુધરાઈના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારી રાજુ તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આખી મુંબઈમાં વૅક્સિનેશન થઈ ગયું છે. હાલ કેસ વધી રહ્યા છે, એમ છતાં કોઈ ચિંતાનું કારણ જણાતું નથી. એવી કોઈ ગંભીર સિચ્યુએશન નથી, એથી એસઓપી સાથે રેગ્યુલર સમયે સ્કૂલો ચાલુ થશે.’
આ બાબતે ઘાટકોપરની પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધીની ૪૨૧ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી ગુજરાતી મિડિયમની રામજી આશર વિદ્યાલય હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ હીના ઠાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી અમને હજી સુધી કોઈ સરક્યુલર આવ્યો નથી. જોકે અમે પૂરતી કાળજી લીધી છે. સૅનિટાઇઝેશન તો કરાવ્યું જ છે પણ સ્કૂલ મૅનેજમેન્ટ દ્વારા આખી સ્કૂલમાં કલર પણ કરાવડાવ્યો છે. એમ છતાં પણ જે કાંઈ એસઓપીમાં આવશે એનો પણ અમે અમલ કરીશું.’
એચએસસીનાં પરિણામની તારીખ કદાચ ઍડ્વાન્સમાં જાહેર નહીં કરાય
સ્ટુડન્ટ્સ અને વાલીઓ બારમાનું રિઝલ્ટ ક્યારે આવશે એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વખતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ નવો ચીલો ચાતરીને ઍડવાન્સમાં રિઝલ્ટની તારીખ જાહેર ન કરે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ અઠવાડિયે બારમાનું પરિણામ અપેક્ષિત છે, પણ એ કયા દિવસે આવશે એની અનાઉન્સમેન્ટ એક દિવસ ઍડવાન્સમાં કરવામાં આવે એની શક્યતા બહુ જ ઓછી લાગે છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે દિવસે રિઝલ્ટ જાહેર કરવાનું હશે એ જ દિવસે સવારે એની જાહેરાત કરે એવી શક્યતા છે.