૧૪ વર્ષની ઉંમરે પહાડોએ મને પૂછ્યું કે ‘મુઝસે દોસ્તી કરોગે?’

25 November, 2021 03:25 PM IST  |  Mumbai | Jigisha Jain

ટીનેજથી ટ્રેકિંગ કરતી, સહ્યાદ્રિ અને હિમાલયના અનેક ટ્રૅક્સ ખૂંદી વળેલી ક્રિના નિસર માટે પર્વતો ખાસ મિત્રો છે જેને મળવાની, એમને ખૂંદવાની કે એમની ટોચ સુધી પહોંચવાની કોઈ તક એ છોડતી નથી

ક્રિના મહારાષ્ટ્રના લગભગ દરેક ડુંગર, સહ્યાદ્રિની હારમાળા આખી ફરી આવી છે

ટીનેજથી ટ્રેકિંગ કરતી, સહ્યાદ્રિ અને હિમાલયના અનેક ટ્રૅક્સ ખૂંદી વળેલી ક્રિના નિસર માટે પર્વતો ખાસ મિત્રો છે જેને મળવાની, એમને ખૂંદવાની કે એમની ટોચ સુધી પહોંચવાની કોઈ તક એ છોડતી નથી. નાની ઉંમરે પૅશનેટ ટ્રેકર બની ગયેલી ક્રિના હવે ભોમિયાની ભૂમિકા ભજવીને તેના જેવા ઘણા ટ્રેકર્સની મદદ પણ કરી રહી છે.

 

‘હું ૧૪ વર્ષની હતી અને પહેલી વખત મને મારા પેરન્ટ્સે મનાલી મોકલી હતી કૅમ્પમાં. ટ્રેકિંગ માટેનું એ ગ્રુપ હતું. પરંતુ એમાં મારું કોઈ જાણીતું નહોતું. સાવ અજાણ્યા લોકોની સાથે મેં જ્યારે પહાડ પર પહેલી વાર પગ મૂક્યો ત્યારે જાણે કે પહાડોએ મને પૂછ્યું કે મુઝસે દોસ્તી કરોગે? અને મેં સહર્ષ આ ઑફર સ્વીકારી લીધી. પર્વતો મારા મિત્રો છે. એને મળ્યા વગર મને ચાલે નહીં. એટલે થોડા-થોડા સમયે જ્યારે પણ એમને મળવાની, એમને ખૂંદવાની અને ટોચ સુધી પહોંચવાની તક મળે હું એ ઝડપી જ લઉં.’ 
આ શબ્દો છે ૨૬ વર્ષની બોરીવલીમાં રહેતી ક્રિના નિસરના. ક્રિનાના ઘરમાં તેના પપ્પા ખુદ ટ્રેકિંગ કરતા એટલે તેમને એમ હતું કે તેમની દીકરી પણ પહાડો ખૂંદે. એટલે જ તેમણે ૧૪ વર્ષની નાની ઉંમરે ક્રિનાને એકલી મનાલી ટ્રેકમાં મોકલી હતી. ક્રિના માટે એ એકદમ જ નવો અનુભવ હતો પરંતુ એ અનુભવે તેની મૈત્રી પહાડો સાથે કરાવી દીધી અને એ ટ્રેક પછી ક્રિનાએ એક પછી કે નાના-નાનાથી શરૂઆત કરી મોટા ટ્રેક્સ પણ કર્યા. એ વિશે વાત કરતાં એ કહે છે, ‘ક્યારેક એવું લાગે છે કે મારા પેરન્ટ્સે મને એ ઉંમરમાં ન મોકલી હોત તો હું આજે જે છું એ ન હોત. ટ્રેકિંગ અને ટ્રાવેલિંગને કારણે મારું ઘડતર ઘણું સારું થયું છે. મારા પેરન્ટ્સની જેમ દરેક પેરન્ટે આ વાત શીખવા જેવી છે કે તમારાં બાળકોને પુસ્તકિયા કીડા ન બનવા દો. તેમને પ્રકૃતિ સાથે, અજાણ્યા લોકોની દુનિયા વચ્ચે ઉછરવાનો અનુભવ આપો. એમાંથી ઘણુંબધું શીખી શકાય છે.’  
સોલો ટ્રાવેલર 
ક્રિનાને ટ્રેકિંગ અને ટ્રાવેલિંગ બન્નેનો અનહદ શોખ છે. સહ્યાદ્રિના પહાડો હોય કે હિમાલય, ફક્ત ૨૬ વર્ષની ઉંમરે તે બધું ખૂંદી આવી છે. સૌથી મોટા ટ્રેક્સમાં એ લદાખનો ચાદર ટ્રેક, ઉત્તરાખંડનો કેદાર કંઠ અને હિમાચલમાં આવેલા મનાલીના ફ્રેન્ડશિપ પીક સુધી જઈ આવી છે. આ સિવાય ઉદયપુર, જોધપુર, જગન્નાથપુરી, દિલ્હી, મસૂરી, ગોવા અને ભારતની બહાર મલેશિયા પણ એ જઈ આવી છે. આમાંથી મોટા ભાગની જગ્યાઓએ તેણે સોલો ટ્રિપ્સ જ મારી છે. એ વિશે વાત કરતાં એ કહે છે, ‘સોલો ટ્રિપમાં જતાં મને જરાય બીક લાગતી નથી, કારણ કે નાનપણથી હું એ માટે ટેવાયેલી છું. ઊલટું સાવ નવી દુનિયામાં એકલા ખોવાવાની અલગ મજા છે, કારણ કે જ્યારે તમે એકલા હો ત્યારે તમારે તમારી પૂરી જવાબદારી ઉઠાવવાની હોય છે. કોઈ તકલીફ આવે તો એ જાતે જ સૉલ્વ કરવાની અને કોઈ વાતની અઢળક ખુશી થાય તો એ પણ ખુદની સાથે જ સેલિબ્રેટ કરવાની. વ્યક્તિને જો ખરા અર્થમાં આત્મનિર્ભર બનવું હોય તો સોલો ટ્રિપ્સ કરવી જોઈએ. અફકોર્સ સેફ્ટીનું ધ્યાન રાખીને, પણ કરવી જોઈએ.’
ટ્રેકર જ નહીં, ઇન્સ્ટ્રક્ટર પણ
ક્રિના મહારાષ્ટ્રના લગભગ દરેક ડુંગર, સહ્યાદ્રિની હારમાળા આખી ફરી આવી છે. કોરીગડ ફોર્ટ, કળસુબાઈ પીક, રાજમાચી ફોર્ટ, રાઇગડ ફોર્ટ, ઇર્શાલગડ, નાનેઘાટ ટ્રેક, હરિહર ટ્રેક, ડ્યુક્સ નોઝ પૉઇન્ટ જેવા ઘણા ટ્રેક્સ તે કરી ચૂકી છે. મજાની વાત એ છે કે તે પહેલાં એક ટ્રેકર તરીકે આ પર્વતો ખૂંદતી પણ હવે એક ઇન્સ્ટ્રક્ટર તરીકે નવા ટ્રેકર્સને ગાઇડ કરે છે. છેલ્લાં ૩-૫ વર્ષથી તેણે વૉલન્ટિયર બની આ કામ સંભાળ્યું છે જે તેને વધુ ચૅલેન્જિંગ લાગે છે. જે વિશે વાત કરતા ક્રિના કહે છે, “ટ્રેકિંગમાં વ્યક્તિએ પોતાનું તો ધ્યાન રાખવાનું જ હોય છે પરંતુ જ્યારે તમે ઇન્સ્ટ્રક્ટર બનો ત્યારે તમારે બીજા લોકોની સેફ્ટીનું પણ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે એક નાની ભૂલ પણ ભારે પાડી શકે છે. ઍડ્વેન્ચર જેટલી મજા આપે છે એટલું જ એક મોટી સજામાં ન ફેરવાઈ જાય એ બાબતે સાવચેતી સૌથી મહત્ત્વની છે.’ 
હતાશ થવાનો ઑપ્શન નથી
ક્રિના પહેલાં એક ઇવેન્ટ મૅનેજર હતી જેને લીધે તેને સતત ટ્રાવેલ કરવા મળતું, એટલે તેને એ જૉબ પણ ખૂબ ગમતી. પરંતુ કોવિડને કારણે ઇવેન્ટ્સ બધી બંધ થઈ ગઈ અને અમુક મહિનાઓ માટે તેની જૉબ જતી રહી. એ વિશેનો અનુભવ જણાવતાં તે કહે છે, ‘તમે ટ્રેકિંગ કરતા હો તો તમે હંમેશાં એક હોપફુલ વ્યક્તિ હો; કારણ કે ગમેતેટલી મુશ્કેલી આવે, રસ્તો ભલે ખરાબ હોય, લાગે કે મંઝિલ દેખાતી પણ નથી, કદાચ ભૂલથી ખોટે રસ્તે ચડી જાઓ કે કંઈ પણ થાય, એક વખત જ્યારે તમે પહાડ ચડવાનું શરૂ કરો ત્યારે એની ટોચ પર પહોંચવું જ રહ્યું; કારણ કે હતાશ થવાનો ઑપ્શન તમારી પાસે હોતો નથી. એવું જ જીવનનું છે. કોરોના આવે, જૉબ જતી રહે, મુસીબતો આવે તો પણ એ નિશ્ચિત છે કે તમારે આશા છોડવાની નથી. ચાલતા રહો. ટોચ આવી જ જશે. આ શીખે મને કોવિડમાં ઘણી મદદ કરી.’ 
છેલ્લા સપ્ટેમ્બરમાં ક્રિનાને સારી જૉબ મળી ગઈ એ પણ એવી કે જેમાં તે ખૂબ ટ્રાવેલ કરી શકે. આ સિવાય ક્રિના હંમેશાં પડતી-આખડતી રહે છે. તે કહે છે, ‘હું હંમેશાંથી જ એવી છોકરી હતી કે એ ગમે ત્યાં પડી જાય. હંમેશાં મને કંઈને કંઈ વાગતું રહેતું. આ પરિસ્થિતિમાં હું જ્યારે ટ્રેક કરતી ત્યારે હું એવી જગ્યાઓએ પણ ગઈ છું કે ફક્ત એક વ્યક્તિ પસાર થઈ શકે એટલી નાની કેડીની એક તરફ ખાઈ અને બીજી તરફ પર્વત. આ ભયાનક જગ્યામાં તમે થોડા પણ ગફલતમાં રહ્યા તો તમે ગયા. આવી પરિસ્થિતિમાં હું પ્રિસિઝન શીખી, જે મને ઘણું ઉપયોગી બન્યું.’
જીવનમાં ક્યારેય એવો સમય આવશે જ્યારે તું ટ્રાવેલ નહીં કરી શકે એવો વિચાર તને આવે છે? આ પ્રશ્નની ઘસીને ના પડતાં ક્રિના કહે છે, ‘હું ટ્રાવેલ કરું, ટ્રેકિંગ કરું તો મને લાગે છે કે હું શ્વાસ લઉં છું. જીવું છું. માટે એ શક્ય જ નથી કે કોઈ પણ પરિસ્થિતિમાં એ મારાથી છૂટે.’

ડર કે આગે જીત હૈ...

આમ તો દરેક ટ્રેકિંગ પોતાની રીતે રોમાંચક હોય છે અને એ પોતાની રીતે તમને અઢળક અનુભવોનો ખજાનો આપી જાય છે. એવા ઘણા બનાવો છે જેણે ક્રિનાને જીવનભરની યાદો આપી છે. પરંતુ સૌથી રોમાંચક ટ્રેક તેને લાગ્યો હતો કેદાર કંઠનો. ઉત્તરાખંડમાં આવેલી આ જગ્યા પર તે ૨૦૨૦માં ગઈ હતી. આ કોવિડનો સમય હતો જ્યારે લોકો ઘરમાં જ હતા અને ટ્રેક માટે જે ફિઝિકલ તૈયારી જોઈએ એ થઈ નહોતી, જેને કારણે શારીરિક રીતે એ નબળાઈ અનુભવી રહી હતી. સ્ટૅમિના એવો હતો નહીં કે આટલો અઘરો ટ્રેક ચડી શકાય. એ વિશે વાત કરતાં કિન્નરી કહે છે, ‘આ ૪ દિવસનો કૅમ્પ હતો જેમાં અમને સતત ૪ દિવસ ચડતા જ રહેવાનું હતું. રાત્રે ટેન્ટમાં રોકાઈ જવાનું અને વહેલી સવારે ફરીથી ચડવાનું શરૂ કરી દેવાનું. એમાં થયું એવું કે અમને ચડવામાં વાર લાગી, જેને લીધે કૅમ્પ સુધી હજી પહોંચ્યા નહોતા અને અંધારું થઈ ગયું. અંધારું એવું કે તમારી આગળ કોણ ચાલી રહ્યું છે એ પણ દેખાય નહીં. એકદમ કાળું ડિબાંગ. અમારી પાસે ફ્લૅશ લાઇટ હતી એ જ પ્રકાશ હતો. બાકી કંઈ જ દેખાતું નહોતું. અમે બધા ડરી તો ગયા હતા, પરંતુ ચાલતા રહેવા સિવાય કોઈ ઑપ્શન નહોતો. અમે માંડ કૅમ્પ સુધી પહોંચ્યા. પરંતુ આ એક યાદગાર અનુભવ બની ગયો. રાત્રે તારા અને ચન્દ્રના ઝાંખા પ્રકાશમાં રહેવાની અમે મજા માણી અને ડર કે આગે જીત હૈનો અનુભવ પણ લઈ લીધો.’

 

Jigisha Jain life and style