03 March, 2021 09:38 AM IST | Mumbai | Rachana Joshi
લાસ વેગાસનું દ્રશ્ય
આમ તો કસીનો શબ્દ કાને પડે એટલે ફિલ્મોમાં જોયેલા દ્રશ્યો યાદ આવે. સેક્સી છોકરીઓ, સુટેડ બુટેડ અટેન્ડન્ટ્સ, મ્યુઝિક અને દારુની છોળો. એક સમયે ફિલ્મોમાં જોયા હોય એવા દ્રશ્યો જીવનારા ગુજરાતીઓની સંખ્યા કંઇ કમ નથી. કસીનોનું ગ્લેમર ભલભલાને લલચાવે તેવું હોય છે.
કસીનોને આમ તો સામાન્ય ભાષામાં જુગારનો અડ્ડો કહેવાય છે. પરંતુ સમય સાથે ધીમે-ધીમે કસીનોની વ્યાખ્યા બદલાઈ છે અને લોકો માટે આ એક ‘ફરવાનું સ્થળ’ અને ‘જોવા જેવી જગ્યા’માં ગણાવવા લાગ્યા છે. કસીનો સામાન્ય માણસને કરોડપતિ બનાવી દે છે અને કરોડપતિને રોડપતિ પણ બનાવી શકે છે. ફક્ત જુગાર રમવા માટે જ લોકો કસીનોમાં જતા હોય છે, એવું નથી. કસીનોનું કલ્ચર કેવું છે એ જાણવા માટે અને ત્યાંનો માહોલ જોવા માટે પણ લોકો કસીનોમાં જાય છે. દુનિયાના કયા ખુણે સૌથી શ્રેષ્ઠ કસીનો આવેલા છે? કસીનોમાં કઈ રમતો રમવામાં આવે છે? મુંબઈના ગુજરાતીઓનો કસીનોમાં કેવો અનુભવ રહ્યો છે? તે વિશે આજે જાણીએ.
કસીનોનો ઈતિહાસ અને સ્થાપના
પ્રાચીન ગ્રીક અને રોમનોથી માંડીને નેપોલિયનના ફ્રાન્સ અને એલિઝાબેથ ઇંગ્લેંડ સમયથી જુગાર રમવાનું ચાલતું આવ્યું છે. પરંતુ તે સમયે તકની રમત છે તેમ કહીને લોકો જુગાર રમતા. પ્રથમ યુરોપીય ગેંબલિંગ હાઉસ, જેને કસીનો કહેવામાં નહોતું આવતું. પરંતુ કાર્નિવલના સમયમાં નિયંત્રિત જુગાર રમવા માટે ગ્રેટ કાઉન્સિલ ઓફ વેનિસ દ્વારા રિસોટ્ટોની સ્થાપના કરવામાં કરવામાં આવી હતી. રિસોટ્ટો વર્ષ 1774માં બંધ કરવામાં આવ્યો હતો. કારણકે સરકારને એવું લાગ્યું કે તે સ્થાનિક લોકોને બદનામ કરે છે અને લોકો પર તેનીઅસર ખોટી પડી રહી છે.
અમેરિકન ઇતિહાસમાં જુગારના અડ્ડાને શરૂઆતમાં સલૂન તરીકે ઓળખવામાં આવતા હતા. અમેરિકામાં 20મી સદીની શરૂઆતમાં રાજ્યના કાયદા દ્વારા જુગાર રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, વર્ષ 1931માં નેવાડા રાજ્યમાં જુગાર કાયદેસર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં કાયદેસર કસીનોની સ્થાપના કરવામાં આવી હતી. પછી વર્ષ 1976માં ન્યૂ જર્સીએ એટલાન્ટિક સિટીમાં જુગારની મંજૂરી આપી અને અત્યારે તે અમેરિકામાં જુગારના પ્રમુખ શહેરોમાં બીજા નંબરે આવે છે.
કેન્દ્રીય જુગાર કાયદો શું છે?
ભારતની વાત કરીએ તો અહીં 1867નો સાર્વજનિક જુગાર અધિનિયમ સાર્વજનિક ગેમિંગ હાઉસ અને કસીનો ચલાવવા પર પ્રતિબંધ મુકે છે. આ નિયમનો ભંગ કરવામાં આવે તો 200 રૂપિયા દંડ અથવા ત્રણ મહિનાની જેલ થાય છે.
કસીનો માટે દુનિયાના આ શહેરો છે પ્રસિદ્ધ
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા: લાસ વેગાસ તેની ભવ્ય જીવનશૈલી અને કાયદેસર જુગારની સંસ્કૃતિ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. લાસ વેગાસને ગેમ્બલિંગની રાજધાની પણ કહેવામાં આવે છે. શહેરમાં નાઈટક્લબ, કસીનો રિસોર્ટ અને હોટેલો છે. શહેરમાં 104 કરતા વધુ કસીનો હોવાથી તેને જુગારનું કેન્દ્ર ગણવામાં આવે છે.
સિંગાપોર: કસીનો અને જુગારનું ઉભરતું કેન્દ્ર છે સિંગાપોર. જોકે, વર્ઘ 2005 સુધી સિંગાપોરમાં જુગાર કાયદેસર નહોતું. જુગારના કાયદેસરકરણ પછી, તેનો વિશ્વના કસીનો હબની યાદીમાં સમાવેશ થયો.
ફ્રાન્સ: ફ્રાન્સમાં વિશ્વના સૌથી જૂના એવા અનેક કસીનો આવેલા છે. ફ્રાન્સના કસીનો વિશેની સૌથી વિશિષ્ટ વાત એ છે કે, અહીંના કસીનોને પરંપરાગત ટચ આપવામાં આવ્યો છે. રાજધાની પેરિસમાં કેટલાક ભવ્ય અને ઉત્કૃષ્ટ કસીનો આવેલા છે.
યુનાઈટેડ કિંગ્ડમ: યુનાઈટેડ કિંગ્ડમની રાજધાની લંડનમાં દેશના સૌથી ઉત્તમ કસીનોનું ક્લબ કહેવામાં આવે છે. જોકે, લંડન કસીનો અને જુગાર માટે જાણીતું નથી પરંતુ કસીનો દ્વારા તે બહુ કમાણી કરે છે.
ચાઈના: વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા ચાઈનામાં અનેક સારા કસીનો આવેલા છે. મકાઉમાં ત્રીસથી વધુ ભવ્ય કસીનો છે, જેને ચીનમાં કસીનોનું કેન્દ્ર કહેવામાં આવે છે. ચીનના દક્ષિણ કાંઠાના સ્વાયત્ત ક્ષેત્ર એશિયાના સૌથી પ્રખ્યાત કસીનો આવેલા છે.
ભારતમાં ક્યા છે કસીનો
ભારતમાં હાલમાં ત્રણ રાજ્યો છે જ્યાં કસીનો કાયદેસર છે. ગોવા, સિક્કિમ અને દમણ આ ત્રણ રાજ્યોમાં કસીનોની મંજૂરી છે. ગોવા, દમણ અનેદીવા સાર્વજનિક જુગાર નિયમ, 19676 મુજબ સરકારની પૂર્વ પરવાનગી સાથે માત્ર ફાઇવ સ્ટાર હોટલો અથવા ઓફ શોર જહાજોમાં કસીનો બનાવી શકાય છે.
કસીનોમાં જૂગારની મંજૂરી આપતું ગોવા ભારતનું પ્રથમ રાજ્ય હતું. ભારતમાં ગોવાને કસીનોનું હબ માનવામાં આવે છે. સિક્કીમ અને દમણમાં પણ અનેક કસીનો આવેલા છે.
કસીનોમાં રમાતી પ્રખ્યાત ગેમ્સ:
કસીનોમાં રમાતી રમતોમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે – ગેમિંગ મશીન, ટેબલ ગેમ અને રેન્ડમ નંબર ગેમ.
બ્લેકજેક, બેકકાર્ટ, સ્લોટ્સ, ક્રેપ્સ, વિડિઓ પોકર અને રૂલેટ કસીનોમાં રમતી પ્રખ્યાત અને પ્રમુખ રમતો છે.
ભારત અને વિશ્વના કસીનોની મુલાકાત લેનાર ગુજરાતીઓનો અનુભવ જાણીએ તેમના જ શબ્દોમાં...
વિદેશના લોકોને ફક્ત જુગાર રમવામાં રસ હોય છે: પ્રતિક જાધવ
જોગેશ્વરીમાં રહેતા અને વ્યવસાયે અભિનેતા તેમજ ને ફોટોગ્રાફર પ્રતિક જાધવને ફરવાનો બહુ શોખ છે. કામને લીધે પણ તેઓ દેશ-વિદેશમાં ફરતા હોય છે. પ્રતિકનું કહેવું છે કે, હું ભારતની બહાર જાવ ત્યારે અચુક કસીનોમાં જાવ છું.બાકી, ભારતમાં તો ગોવા કસીનો માટે ‘વન મેન આર્મી’ જેવું છે.
કસીનોના હબ કહેવાતા લાસ વેગાસના કસીનો અને લંડનના કસીનોની મુલાકાત લેનાર પ્રતિક જાધવ વિદેશના અને અહીંના કસીનોનો ફરક જણાવતા કહે છે કે, ભારતના કસીનોમાં રમાતી રમતોમાં અને વિદેશમાં રમાતા કસીનોની રમતમાં ઘણો ફરક હોય છે. ભારત અમેરિકન નહીં પણ યુકેની સ્ટાઈલથી રમતો રમે છે. વિદેશોમાં પણ સ્થાનિક લોકો અને ભારતીયોના રમાવાના એટિટ્યુડમાં બહુ તફાવત હોય છે. સ્થાનિક લોકો ફક્ત જુગાર રમવામાં રસ ધરાવતા હોય છે. જ્યારે ભારતીયોને જુગાર રમવી સાથે મનોરંજનમાં પણ રસ હોય છે. વિદેશમાં પ્રોફેશનલીઝમ હોય છે, જે લોકો રમતા હોય છે તેમનામાં પણ અને કસીનોના મેનેજમેન્ટમાં પણ. ભારતીયોના કસીનોના ટેસ્ટને ધ્યાનમાં રાખીને ગોવાના કસીનોમાં દિવસે દિવસે અનેક નવા બદલાવ લાવવામાં આવે છે. અહીં રમતોની સાથે મનોરંજન પણ પુરું પાડવામાં આવે છે. લાઈવ પર્ફોમન્સ, લાઉન્જ, બેબી કૅર વગેરે સુવિધાઓ ભારતમાં મળે છે. જ્યારે વિદેશના કસીનોમાં ફક્ત રમત પર લોકોનું ધ્યાન વધારે હોય છે.
ગોવા એટલે મારે મન કસીનો: અંકિત પરીખ
ઘાટકોપરમાં રહેતા અને વ્યવસાયે પ્રોફેશનલ ફોટોગ્રાફર અંકિત પરીખ કહે છે કે, મને 18 વર્ષ પુર્ણ થવાની એક્સાઈટમેન્ટ એટલા માટે હતી કે હું કસીનોની મુલાકાત લઈ શકું. ફિલ્મોમાં જોયેલા કસીનો કલ્ચરનો અનુભવ હકીકતમાં કરવાની બહુ જ ઈચ્છા હતી. એટલે 18 વર્ષ થયા પછી હું મારા ત્રણ મિત્રો સાથે ગોવા ટ્રીપ પર ગયો હતો અને કસીનોની મુલાકાત લીધી હતી.
પહેલી વાર કસીનો ગયા ત્યારનો અનુભવ જણાવતા તે કહે છે કે, હું મારા ચાર મિત્રો સાથે ગયો ત્યારે અમારા ચારમાંથી ફક્ત બે જણને જ કસીનોની રમતો રમવામાં રસ હતો. જ્યારે અન્ય બે મિત્રોને નહીં. એટલે અમે બે મિત્રો જુદા જુદા ટેબલ પર ગેમ્સ રમતા હતા. ત્યારે બાકીના બે મિત્રોને અમને રાત્રે બે વાગ્યે કસીનોમાંથી બહાર કાઢવામાં નાકે દમ થઈ ગયો હતો. કારણકે અમને ગેમ રમવામાં એટલો રસ પડયો કે એક ટેબલ પરથી બીજા ટેબલ પર અમે ફરતા જ હતા અને મિત્રો અમને પકડવામાં જ રહી ગયા. હેરા-ફેરી જેવી સ્થિતિ થઈ ગઈ હતી. અંકીતે છેલ્લે કહ્યું હતું કે, હું કામ માટે જ્યારે પણ ગોવા જાવ ત્યારે સમય કાઢીને કસીનો જાવ જ છું.
કસીનોમાં રમવા માટે નહીં પણ લોકોના ચહેરા પરના હાવભાવ જોવા માટે જાવ છું: જય દરજી
દહિસરમાં રહેતા અને વ્યવસાયે પ્રોફેસર જય દરજીએ સિંગાપોરના પ્રખ્યાત સેન્ટોસાના કસીનોની મુલાકાત લીધી હતી અને આ તેના જીવનનો અદ્ભુત અનુભવ હતો તેવું જણાવે છે. ગોવાના કસીનોની મુલાકાત પણ જયે લીધી છે. જય કહે છે કે, મને કસીનોમાં ગેમ્સ કઈ રીતે રમવાની તે વીશે કંઈ ખાસ ખબર નથી પડતી. પણ હા મને કસીનોમાં જવું અને ત્યા રમતા લોકોને જોવાનું બહુ ગમે છે. લોકોના ચહેરા પર જુદા જુદા હાવભાવ હોય છે. ગેમ્સમાં પરાજય થયેલા લોકોનું વર્તન કંઈક અલગ હોય છે તો અઢકળ પૈસા જીતતા લોકોના હાવભાવ પણ જુદા હોય છે. ગોવા અને સિંગાપોરના કસીનો અને લોકોના વર્તનમાં ઘણો ફરક છે. વિદેશમાં લોકો વધુ પ્રોફેશનલ રીતે રમતા હોય છે જ્યારે ગોવામાં ફક્ત મોજ માટે જ રમતા હોય છે.
કસીનોમાં સમયનું ભાન જ નથી રહેતું: અમિષા આશર
સિક્કાનગરરમાં રહેતા અમિષા બહેને લગભગ ચાર વર્ષ પહેલા મિત્રો સાથે લાસ વેગાસના કસીનોની મુલાકાત લીધી હતી અને તેમનો અનુભવ તદ્ન જુદો રહ્યો હતો. અમિતા બહેન કહે છે કે, જુગાર રમતા આવડતું હોય કે ન આવડતું હોય કસીનોમાં જાવ એટલે જાણે તમે નવી જ દુનિયામાં પ્રવેશ્યા હોય તેવું લાગે. રમતા હોવ કે ન રમતા હોવ ત્યાં સમય ક્યા જતો રહે તેની ખબર જ ન પડે. કસીનોની દુનિયા અલગ જ છે. અહીં બધુ રંગબેરંગી છે.