08 April, 2022 05:29 PM IST | Mumbai | Harsh Desai
ઍન્ડ્રૉઇડ 13માં શું હશે નવું?
ઍપલે હાલમાં જ WWDC એટલે કે વર્લ્ડવાઇડ ડેવલપર કૉન્ફરન્સની જાહેરાત કરી છે. છ જૂનથી દસ જૂન સુધી ચાલનારી આ ઇવેન્ટમાં સૉફ્ટવેરમાં આગામી વર્ષમાં શું નવીનતા આવે એની વાત કરવામાં આવે છે. ઍપલ દર વર્ષે આ ઇવેન્ટમાં એની આઇઓએસના નવા વર્ઝનને લૉન્ચ કરે છે. આ ઇવેન્ટની જાહેરાત બાદ જ ઍપલની આઇઓએસની હરીફ ઑપરેટિંગ સિસ્ટમ ઍન્ડ્રૉઇડના નવા વર્ઝનની પણ ચર્ચા ચાલી રહી છે. ગૂગલ દર વર્ષે તેમના યુઝર્સના ડેટા ખાનગી રીતે કલેક્ટ કરવા માટે ચર્ચામાં રહે છે. જોકે ઍન્ડ્રૉઇડ 13માં તેઓ યુઝર્સના હાથમાં તમામ પરમિશન આપવા માગે છે. આ સાથે જ કેટલાંક નવાં ફીચર્સ પણ લાવી રહ્યા છે એ શું છે એ જાણીએ.
ઍપ લૅન્ગ્વેજ સેટિંગ
અત્યાર સુધી ઍન્ડ્રૉઇડ કે કોઈ પણ મોબાઇલમાં એક ભાષાને પસંદ કરી તો મોબાઇલના દરેક ફંક્શન કે ઍપ્લિકેશનમાં એ જ ભાષા રહે છે. જોકે હવે ઍન્ડ્રૉઇડ 13 એક નવું ફીચર લઈને આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ દરેક ઍપ્લિકેશનમાં તેને જોઈતી હોય એ ભાષાનો ઉપોયોગ કરી શકશે. ઉદાહરણ તરીકે યુઝરે ફેસબુકમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો હોય, ઍમેઝૉનમાં હિન્દી ભાષાનો અને ફોનની મેઇન ભાષા તરીકે ઇંગ્લિશનો જ ઉપયોગ કરવો હોય તો હવે એ કરી શકશે.
કલર સ્કીમ
ઍન્ડ્રૉઇડમાં અત્યાર સુધી ઓરિજિનલ થીમ પસંદ ન હોય તો અન્ય થીમ રાખવાનો ઑપ્શન હતો. એ થીમ બદલતાં આઇકોનથી લઈને દરેક વસ્તુ ચેન્જ થઈ જતી હતી. જોકે હવે થીમ ન બદલવી હોય અને ફક્ત યુઝરના ફેવરિટ વૉલપેપરની સાથે મૅચિંગ કલર પૅલેટ બદલવી હોય તો એ શક્ય છે. આ માટે ઍન્ડ્રૉઇડ હવે વૉલપેપરના કલર પરથી અન્ય કલરના ઘણા શેડ્સ યુઝરને સજેસ્ટ કરશે. આ શેડ્સમાંથી એક પસંદ કરતાં મોબાઇલનું યુઝર ઇન્ટરફેસ ચેન્જ થઈ જશે.
ઈ-સિમમાં બે નંબર
મોબાઇલમાં અત્યાર સુધી બે ફિઝિકલ અથવા તો એક ફિઝિકલ સિંગલ સિમ અથવા તો એક ફિઝિકલ અને એક ઈ-સિમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે ઍન્ડ્રૉઇડ ઘણા સમયથી મલ્ટિપલ અનેબલ પ્રોફાઇલ્સ પર કામ કરી રહ્યું છે. આ પ્રોફાઇલની મદદથી યુઝર્સ એક ઈ-સિમની મદદથી બે મોબાઇલ-નંબરને રજિસ્ટર કરી શકશે. આ ફીચર ઍન્ડ્રૉઇડ પહેલી વાર આપી રહ્યું છે, પરંતુ ઍપલ અને માઇક્રોસૉફ્ટ જેવી કંપનીઓ પાસે આ ફીચર ઉપલબ્ધ છે.
અન્ય ફીચર્સ
ઍન્ડ્રૉઇડ 13માં યુઝર્સના હાથમાં વધુ પાવર આપવામાં આવ્યો છે. દરેક ઍપ્લિકેશને હવે નોટિફિકેશન મોકલવા પહેલાં યુઝરની પરવાનગી લેવી પડશે. ઍપલમાં આ ફીચર ઘણા સમયથી છે, પરંતુ ગૂગલને સતત પ્રાઇવસીના નામ પર ટીકા કરવામાં આવતાં હવે તેઓ પણ આ વિશે પહેલ કરી રહ્યા છે. આ સાથે જ યુઝર્સ હવે ગૅલરીને ઍક્સેસ કરવાની પરવાનગી આપ્યા વગર લોકલ અને ક્લાઉડ પર સેવ હોય એવા ફોટોને શૅર કરી શકશે. પહેલાં ગૅલરીને ઍક્સેસ કરવાની પરવાનગી આપવી જરૂરી હોવાથી ગૂગલ દરેક ફોટોને જોઈ શકતું હતું. આ સાથે જ તેઓ બૅટરીની લાઇફ વધારવા પર પણ કન્ટ્રોલ કરી રહ્યા છે. બૅકગ્રાઉન્ડ ઍપ્લિકેશન કેટલી બૅટરીનો ઉપયોગ કરે અને કેટલી પ્રોસેસ કરવી જોઈએ એના પર હવે નિયંત્રણ લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કરવાથી યુઝર્સની બૅટરી લાઇફમાં ખાસ્સો વધારો થશે. આ સાથે જ QR કોડ અને ફાઇલ શૅરિંગ જેવાં ઘણાં નાનાં-મોટાં ફીચર્સ પણ આપવામાં આવશે.