29 April, 2022 11:21 AM IST | Mumbai | Harsh Desai
બે મોબાઇલમાં યુઝ કરી શકાશે એક વૉટ્સઍપ
સોશ્યલ મીડિયા આજે એક અનિવાર્ય ટૂલ બની ગયું છે. પર્સનલ કે પ્રોફેશનલ દરેક બાબતમાં અગત્યનું છે. એનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. જોકે દરેક સોશ્યલ મીડિયા એકમેકથી અલગ છે. દરેકમાં અલગ-અલગ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેલિગ્રામનાં કેટલાંક ફીચર વૉટ્સઍપ પર જોવા નહીં મળે તો ટ્વિટરનાં કેટલાંક ફીચર્સ ઇન્સ્ટાગ્રામ પર જોવા નહીં મળે. જોકે આથી જ દરેક પ્લૅટફૉર્મ એમના સોશ્યલ મીડિયાને વધુને વધુ અપડેટેડ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આથી જ વૉટ્સઍપ હવે એના પ્લૅટફૉર્મને વધુ પાવરફુલ બનાવવા માટે કેટલાંક ફીચર્સ પર કામ કરી રહ્યું છે.
પોલ ફીચર | પસંદગીની જ્યાં વાત હોય ત્યાં ઘણું કન્ફ્યુઝન રહે છે અને એથી જ પોલ ફીચર ઘણી વાર કામ આવે છે. ઇલેક્શન દરમ્યાન આ શબ્દ અને ફીચરનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. જોકે પર્સનલ લાઇફમાં પણ એનો ઘણી સારી રીતે ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે કઈ ફિલ્મ જોવા જવી, કઈ જગ્યાએ ટ્રાવેલ કરવું, કયાં કપડાં પહેરવાં વગેરે જેવી બાબતો માટે પણ ફ્રેન્ડ્સ અથવા તો ફૅમિલી ગ્રુપમાં પોલ કરી શકાય છે. વૉટ્સઍપ ઘણા સમયથી ઍપલ અને ડેસ્કટૉપ માટે પોલ ફીચર પર કામ કરી રહ્યું હતું, પરંતુ હવે તેમણે ઍન્ડ્રૉઇડ માટે પણ કામ શરૂ કરી દીધું છે. આ પોલ ફીચરમાં સવાલ અને જવાબનો પણ સમાવેશ કરી શકાય છે. તેમ જ યુઝર વધુમાં વધુ બાર ઑપ્શનનો સમાવેશ કરી શકે છે. જોકે આ પોલ ફીચર એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન પર કામ કરશે જેથી એને કોઈ વાંચી ન શકે. વૉટ્સઍપ પણ આ પોલ શેના વિશે કરવામાં આવ્યા છે એ નહીં જોઈ શકે.
એકથી વધુ મોબાઇલનો ઉપયોગ | વૉટ્સઍપ હાલમાં એકથી વધુ મોબાઇલ પર વૉટ્સઍપનો ઉપયોગ કરી શકાય એ માટે કામ કરી રહ્યું છે. અને મલ્ટિ-ડિવાઇસ લિન્કનો ઑપ્શન થોડા સમય પહેલાં લૉન્ચ કર્યો હતો. આ ઑપ્શનની મદદથી યુઝર એક વૉટ્સઍપનો મોબાઇલની સાથે કમ્પ્યુટર પર પણ ઉપયોગ કરી શકતો હતો. જોકે હવે વૉટ્સઍપ એક જ વૉટ્સઍપનો એક કરતાં વધુ મોબાઇલ પર ઉપયોગ કરવાના ફીચર પર ફોકસ કરી રહ્યું છે. આ ફીચર માટે યુઝરે જે-તે ડિવાઇસને સેકન્ડ ડિવાઇસ તરીકે રજિસ્ટર કરવાનું રહેશે. એ મોબાઇલ કે ટૅબ્લેટ કંઈ પણ હોઈ શકે છે. પહેલાં મોબાઇલ પર ઍપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે એને એક નંબરની સાથે કનેક્ટ કરવું જરૂરી હતું, પરંતુ હવે એને ફક્ત સ્કૅન કરીને સેકન્ડ ડિવાઇસ તરીકે ઉપયોગ કરી શકાશે. આ ફીચર ખાસ કરીને એક કરતાં વધુ મોબાઇલનો ઉપયોગ કરનારા લોકો માટે છે જેમના ડેટા અલગ મોબાઇલમાં હોવાથી તેમને થોડી મુશ્કેલી પડી રહી હતી.
વૉટ્સઍપે આપી છે આ ખાસ સલાહ...
વૉટ્સઍપ દ્વારા હાલમાં જ એક સલાહ આપવામાં આવી છે કે યુઝરે ચોક્કસ પ્રકારના મેસેજને તરત જ ડિલીટ કરી દેવા જોઈએ. દુનિયાભરમાં હાલમાં ઘણા રિપોર્ટ થયા છે કે વૉટ્સઍપના કસ્ટમરકૅર સપોર્ટ હોવાનું કહી તેમને લૂંટી લેવામાં આવ્યાં છે. આ પ્રકારના અકાઉન્ટ તેમના ડિસ્પ્લે ફોટોમાં વૉટ્સઍપનો લોગો અને વેરિફાઇ ટિક-માર્કની જગ્યાએ એના જેવી એક ઇમેજનો સહારો લઈ રહ્યું છે. જોકે આ વેરિફાઇડ ટિક-માર્કને ધ્યાનથી જોવાથી ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં ખબર પડી જાય છે, પરંતુ ઘણા યુઝર્સ એની દરકાર નથી કરતા અને એથી જ છેતરાય છે. આ વૉટ્સઍપ કસ્મરકૅર સપોર્ટ હોવાનું કહેનાર જે-તે યુઝર્સ સાથે વાત કરી તેમના ક્રેડિટ કાર્ડની માહિતી કઢાવી લે છે. તેમ જ તેઓ વૉટ્સઍપના લોગનો ઉપયોગ કરી યુઝર્સના અકાઉન્ટ હૅક કરવાની પણ કોશિશ કરી રહ્યા છે. આવા ઘણા કિસ્સા સામે આવતા વૉટ્સઍપ દ્વારા યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈ દિવસ જે-તે યુઝર્સની પાસે ક્રેડિટ કાર્ડ કે કોઈ પણ પ્રકારની ડીટેલ નથી માગતા. તેમ જ જો આવો કોઈ મેસેજ આવે તો તરત જ એ મેસેજને ડિલીટ કરી દેવો અને નંબરને બ્લૉક કરી દેવો.