27 May, 2022 01:55 PM IST | Mumbai | Dr. Rajesh Kamdar
મિડ-ડે લોગો
મારો દીકરો ૧૫ વર્ષનો છે. હાલમાં અમે તેના નાનપણના ફોટો જોઈ રહ્યા હતા ત્યારે અમને લાગ્યું કે તેનો ચહેરો જન્મ્યો ત્યારે ગોળ હતો, પરંતુ હવે એ લાંબો થઈ ગયો છે. ચહેરાનો આકાર પણ સમય જતાં બદલાતો હોય છે કે શું? તેના દાંત પણ એને કારણે એકદમ ભેગા-ભેગા લાગે છે. શું આ નૉર્મલ છે? આમાં કશું ચિંતાજનક તો નથીને?
પહેલાં તો મારે એ જાણવું છે કે તમારું બાળક શ્વાસ ક્યાંથી લે છે? નાકમાંથી કે મોઢેથી? તે સૂતું હોય ત્યારે જુઓ કે તે મોઢું ખુલ્લું રાખીને સૂએ છે કે પછી ટીવી જોતું હોય કે બેઠું હોય ત્યારે અનાયાસ જ તેનું મોઢું ખૂલી જાય છે? મોઢેથી શ્વાસ લેવાની આદત તમારા બાળકના લાંબા ચહેરા માટે જવાબદાર હોઈ શકે છે. બાળકનો જન્મ થાય ત્યારે જેવો ચહેરો હોય હંમેશાં જીવનભર એવો જ રહેતો હોય છે. જો એ લાંબો થાય તો એની પાછળ મોઢેથી શ્વાસ લેવાનું કારણ મુખ્ય છે. ચહેરો પહેલાં કરતાં ખૂબ લાંબો થઈ ગયો હોય ત્યારે દાંત એકદમ નજીક-નજીક ઊગી જાય છે. એને લોઅર ફેસ સિન્ડ્રૉમ કહે છે.
કુદરતી રીતે બાળક નાક દ્વારા શ્વાસ લે છે. જ્યારે તે નાક દ્વારા શ્વાસ લે છે ત્યારે તેના નાકમાં રહેલા વાળ હવામાં રહેલો કચરો કે બૅક્ટેરિયાને રોકી લે છે. આ નાકમાં કોઈ પણ પ્રકારની તકલીફ આવે અને એને લીધે શ્વાસ વ્યવસ્થિત ન લઈ શકાય તો બાળકનું મોઢું આપમેળે ખૂલી જાય છે અને તે મોઢેથી શ્વાસ લે છે. આમ જો તમારા બાળકનું મોઢું લાંબું થઈ ગયું છે અને જો તેને મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાની આદત છે તો પછી એની પાછળનું કારણ જાણવું ખૂબ અગત્યનું છે.
જો બાળકને નાનપણથી શરદીનો કોઠો હોય તો શરદી વારંવાર થતી હોવાને લીધે મોઢેથી શ્વાસ લેવાની આદત પડી જાય છે. આ એક સામાન્ય કારણ છે જેને લીધે બાળકોમાં મોઢેથી શ્વાસ લેવાની આદત હોય છે. આ સિવાય કાકડાની તકલીફ, સ્લીપ ઍપ્નિયા જેવા રોગો પણ આ આદત પાછળ જવાબદાર હોઈ શકે છે. એટલે નિદાન અનિવાર્ય છે. મોઢાનો જે શેપ થઈ ગયો છે એ તો બદલી શકાય નહીં; પરંતુ એક વાર આ માટે ડેન્સ્ટિસ્ટને બતાવવું જરૂરી છે, કારણ કે જો બાળકના દાંતમાં સડો હોય તો પણ જોઈ શકાય. જે બાળકો ખુલ્લા મોઢે સૂતાં હોય છે તેમના દાંતમાં સડાની તકલીફ અવારનવાર થતી હોય છે.