16 May, 2022 01:57 PM IST | Mumbai | Dr. Bipeenchandra Bhamre
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૫૪ વર્ષ છે. મને ડાયાબિટીઝ છે. ૬ મહિના પહેલાં મને છાતીમાં થોડું ડિસકમ્ફર્ટ લાગતાં ટેસ્ટ કરાવી તો એક નળીમાં ૮૮ ટકા બ્લૉકેજ હતું અને બીજી નળીમાં ૬૦ અને ૫૫ ટકા. ડૉક્ટરે મને તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરવાનું સજેસ્ટ કર્યું એટલે મેં જે નળીમાં ૮૮ ટકા બ્લૉક હતું એમાં કરાવી પણ લીધી, પરંતુ બીજી બે નળીઓની મને ભારે ચિંતા થાય છે. સાંભળ્યું છે કે ઍન્જિયોપ્લાસ્ટી કાયમી ઉપાય નથી એટલે ભવિષ્યમાં બાયપાસ તો કરાવવી જ પડશે?
પહેલાં તો હાર્ટ-ડિસીઝને થોડું સમજવાની જરૂર છે. ૫૪ વર્ષની ઉંમરે જો તમારી એક નળીમાં ૮૮ ટકા બ્લૉક હતું તો એ જ સૂચવે છે કે તમે તમારી કાળજી લેતા જ નથી. તમને ડાયાબિટીઝને કાબૂમાં રાખો છો કે નહીં? તમારું વજન કેટલું છે? એને ઉતારવા માટે તમે શું કરી રહ્યા છો? ઍન્જિયોપ્લાસ્ટી આવી અને તમે કરાવી પણ લીધી; પરંતુ એ પછી તમે હાર્ટ માટે, એ હેલ્ધી રહે એ માટે શું કરો છો? તમે જે દવાઓ લો છો એ તમારા પર કેવી અસર કરે છે? આમ આ બધાના જવાબ નક્કી કરી શકે કે તમને ભવિષ્યમાં બ્લૉકેજ આવશે કે નહીં.
એ જરાય જરૂરી નથી કે દરેક વ્યક્તિને એક વખત ઍન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી બાયપાસ કરાવવી જ પડે. હા, એ વાત પ્રૅક્ટિકલી સાચી છે કે તમારા શરીરની પ્રકૃતિ છે કે એમાં બ્લૉકેજ બને જ છે. એટલે જો એક વાર તમારી એક નળી ૭૦ ટકાથી વધુ કે ૧૦૦ ટકા જેટલી બ્લૉક થઈ હોય તો સમજવું જરૂરી છે એ ભવિષ્યમાં બ્લૉકેજ થવાની શક્યતા વધી જ જાય, પરંતુ આ પ્રકૃતિને લાઇફસ્ટાઇલ બદલવાથી અને દવાઓ દ્વારા કન્ટ્રોલમાં કરી શકાય છે. એના માટે પ્રતિબદ્ધ થઈને કામ કરવું પડે છે. એમ માનીને ચાલવું કે બાયપાસ આવશે જ એ ખોટું છે.
જો એકથી વધુ ધમનીઓમાં બ્લૉકેજ હોય તો ચોક્કસ બાયપાસ કરાવવી જોઈએ, પરંતુ જો એક જ ધમનીમાં બ્લૉકેજ હોય તો ઍન્જિયોપ્લાસ્ટી જ ઉપાય છે. સામાન્ય રીતે લોકો પોતાના રોગ પર કામ કરતા નથી, લાઇફસ્ટાઇલ બદલતા નથી અને પોતાની કાળજી રાખતા નથી. એને કારણે તેમને ફરી વાર સર્જરીની જરૂર પડે છે. આમ તમે ડરવાને બદલે એના પર કામ શરૂ કરો તો સારું. સ્ટ્રેસ લેશો તો બ્લૉકેજ નહીં આવતો હોય તો પણ આવી જશે. આમ ડરવાને બદલે એનો ઉપાય કરો અને પૉઝિટિવ રહો.