ડાયાબિટીઝના નિદાન પછી ભાઈ ગુમસૂમ છે

30 May, 2022 01:50 PM IST  |  Mumbai | Dr. Kersi Chavda

મને પણ છેલ્લાં ૮ વર્ષથી ડાયાબિટીઝ છે એટલે હું પણ તેને સમજાવું છું, પરંતુ તે કશી મહેનત જ નથી કરતો. ઊલટું નિદાન થયા પછી તો જાણે તે સાવ સુનમૂન જ થઈ ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારો નાનો ભાઈ ૪૫ વર્ષનો છે અને એક વર્ષ પહેલાં જ તેને ડાયાબિટીઝનું નિદાન થયું છે. ડૉક્ટર કહે છે કે તે મહેનત કરે, વજન ઉતારે, ડાયટનું ધ્યાન રાખે તો ડાયાબિટીઝને પાછો ઠેલી શકાય. મારા પિતા અને દાદા બન્ને આ રોગને કારણે જ મૃત્યુ પામ્યા છે. મને પણ છેલ્લાં ૮ વર્ષથી ડાયાબિટીઝ છે એટલે હું પણ તેને સમજાવું છું, પરંતુ તે કશી મહેનત જ નથી કરતો. ઊલટું નિદાન થયા પછી તો જાણે તે સાવ સુનમૂન જ થઈ ગયો છે. એટલો બોલકો હતો તે હવે કામપૂરતું પણ નથી બોલતો. હસવાનું તો સાવ ભૂલી ગયો છે. હું શું કરું? 
   
જવાબ : તમે જે લક્ષણો જણાવ્યાં છે એ પ્રમાણે લાગે છે કે તમારો ભાઈ ડિપ્રેશનનો શિકાર થયો હશે. ડાયાબિટીઝ જેવો રોગ વારસાગત આવે છે અને ડિપ્રેશન પણ વારસાગત આવી શકે છે. આમ જોવા જઈએ તો ડિપ્રેશન અને ડાયાબિટીઝ બન્ને જોડીદાર રોગ છે એટલે કે કોઈ વ્યક્તિને ડાયાબિટીઝ હોય તો તેને ડિપ્રેશન થઈ શકવાના ઘણા ચાન્સ છે અને કોઈ વ્યક્તિને જો ડિપ્રેશન થયું હોય તો તેને ડાયાબિટીઝ થવાની પૂરી શક્યતા છુપાયેલી છે. વળી આ બન્ને રોગ એકબીજાની કન્ડિશનને વધુ ખરાબ બનાવે છે એટલે કે ડાયાબિટીઝ થાય તો ડિપ્રેશન વકરે અને ડિપ્રેશન થાય તો ડાયાબિટીઝ વકરે છે, કારણ કે બન્ને ઑટો-ઇમ્યુન ડિસીઝ છે જેને કારણે શરીરની ઇમ્યુનિટી ઘટે છે. ડાયાબિટીઝ અને ડિપ્રેશન બન્ને રોગો પાછળ ફિઝિકલ, મેન્ટલ, જિનેટિકલ જેવાં ઘણાં કારણો જોડાયેલાં છે. આ બધાં કારણો અલગ-અલગ તો ક્યારેક એકસાથે પણ લાગુ પડતાં હોય એવું બને. ડિપ્રેશન અને ડાયાબિટીઝ બન્ને ઇન્ફ્લેમેટરી રોગ છે જેમાં લોહીની નળીઓ પર ઇન્ફ્લેમેશન એટલે કે સોજો આવે છે અને એ રતાશ પડતી થઈ જાય છે. લોહીની નળીઓમાં આવતું ઇન્ફ્લેમેશન જ ડાયાબેટીક પેશન્ટને ડિપ્રેશન તરફ લઈ જવા માટેનું એક મહત્ત્વનું કારણ હોય શકે. તમારા ભાઈનો ડાયાબિટીઝ ત્યાં સુધી સૉલ્વ નહીં થાય જ્યાં સુધી ડિપ્રેશનનો તમે ઇલાજ નહીં કરાવો. ડાયાબિટીઝ સામે લડવા માટે પણ પહેલાં ડિપ્રેશનને દૂર કરવું પડશે. ત્યારે જ તે ડાયાબિટીઝ સામે લડવા સક્ષમ બનશે. એટલે જરૂરી છે કે તમે પહેલાં તેમ ડિપ્રેશન છે કે નહીં એ તપાસ કરો અને જો હોય તો પહેલાં એનો ઈલાજ કરાવો. જેમ-જેમ તેની પરિસ્થિતિ સુધારતી જાય પછી ડાયાબિટીઝને રિવર્સ કરવાની પ્રોસીજર ચાલુ કરી શકો. 

health tips columnists