19 October, 2021 01:50 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પૂર્ણિમાએ સાંજના સમયે ચંદ્રની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે
આસો મહિનાની પૂનમ એટલે શરદ પૂર્ણિમા. માન્યતા છે કે શરદ પૂર્ણિમાએ લક્ષ્મીજી પૃથ્વી ઉપર આવે છે અને રાતે તેમની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર 16 કળાએથી ધરતી પર અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા કહેવામાં આવે છે. ઓરિસ્સામાં શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
કહેવાય છે કે શરદ પૂર્ણિમાને દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરે છે અને કો જાગ્રિતિ કહે છે। એટલે કે કોણ જાગી રહ્યું છે? માટે એવુ માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાએ રાતે જાગે છે તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
આ દિવસે દરેક ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેને કોજાગરી લક્ષ્મી પૂજાના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે કુંવારી કન્યાઓ સુયોગ્ય વર માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે. આ સાથે જ સાંજના સમયે ચંદ્રની પૂજા કરી આખો દિવસ ઉપવાસ કરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂર્ણિમાએ મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં. આ દિવસે કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે.
આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને દેવી લક્ષ્મી પ્રકટ થાય છે તેથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે. શ્રીમદભાગવત ગીતા પ્રમાણે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ એવી વાંસળી વગાડી હતી અને તે રાત્રે શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો. આ રાસને મહારાસ કહેવામાં આવે છે.
શરદ પૂર્ણિમાએ ખીર બનાવી રાત્રે તેનુ સેવન કરવાનું પણ અનોખું મહાત્મ્ય છે. રાતે ખીરનું સેવન કરવું આ વાતનું પ્રતીક છે કે ઠંડીની ઋતુમાં આપણે ગરમ ખીર ખાવી જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવાનો ઉપયોગ થતો હોવાથી તે શરીર માટે ફાયદાકારક પણ છે. આમ, શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પણ છે.