31 October, 2021 12:07 PM IST | Mumbai | Karan Negandhi
ફાઇલ ફોટો
આપણે આજે જે વિશાળ ભારતને જોઈને ગર્વ અનુભવીએ છીએ તેની કલ્પના પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિના શક્ય નથી. આ સરદાર પટેલની મજબૂત ઇચ્છાશક્તિ અને નેતૃત્વ કૌશલ્યનું પરિણામ છે, જેણે દેશના નાના રજવાડાઓ અને રાજવીઓને ભારતમાં એક કર્યા હતા. આજે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે લોખંડી પુરુષ અને આધુનિક ભારતના શિલ્પકાર સરદાર પટેલની ૧૪૬મી જન્મજયંતી છે.
આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાહિત્યકાર અને ‘મહામાનવ સરદાર’ના લેખક દિનકર જોશી સાથે વાતચીત કરી હતી. સરદાર પટેલના જીવન મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “સરદારમાં સ્વને ઓગળી સામાજિક પ્રવૃત્તિ કરવી અને કામને મહત્ત્વ આપવાનો ગુણ હતો, તે દરેકે ખાસ શીખવા જેવો છે.” તેમણે ઉમેર્યું કે “સરદાર પટેલની અદ્ભુત કામગીરી વિશે જાણવું હોય તો તેમના વિશે અચૂક વાંચવું જોઈએ. ઉપરાંત સરદાર પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિશેની વાર્તા પણ વાંચવા જેવી છે.”
આ દિવસે જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.
૧. મહામાનવ સરદાર
સરદાર પટેલ વિશેની અજાણ સત્ય હકીકતો અને ઘટનાઓને સાર્થક કરતું આ અજોડ પુસ્તક ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર દિનકર જોશીએ લખ્યું છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૫૦ના સમયની ઘણી નાની-મોટી રાજકીય વાતો કે જે કોઈક ખૂણે ખોવાય ગઈ છે. તેનું સચોટ વર્ણન આ પુસ્તકમાં છે. સાથોસાથ સરદાર સરદાર પટેલની વિચારધારનું સ્પષ્ટ દર્શન આ પુસ્તક કરાવે છે. આ પુસ્તકનો ગુજરાતીમાંથી હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.
૨. સફળ નેતૃત્વની કથા સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર
અખંડ ભારતના મહાશિલ્પી સરદાર વલ્લભાઈ પટેલનું જીવનચરિત્ર આ પુસ્તકમાં યશવંત દોશીએ લખ્યું છે. સરદારનું વિગતવાર જીવનચરિત્ર રસપ્રદ રીતે આ પુસ્તકના બે ભાગ દ્વારા લેખકે રજૂ કર્યું છે. આ પુસ્તકમાં તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની કથા વિગતે આલેખવામાં આવી છે.
૩. સરદાર પટેલ - એક સમર્પિત જીવન
રાજમોહન ગાંધીના પુસ્તક ‘પટેલ - અ લાઈફ’નો ગુજરાતી અનુવાદ ‘સરદાર પટેલ - એક સમર્પિત જીવન’ નગીનદાસ સંઘવીએ કર્યો છે. આ પુસ્તકમાં સરદાર સહિત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય નેતાઓની કામગીરીની પણ માહિતી છે. સ્વતંત્રતા પહેલાના ભારતમાં બિરલા અને સારાભાઈની ભૂમિકાની પણ આ પુસ્તકમાં રસપ્રદ છણાવટ છે. ઉપરાંત ગાંધી, નહેરુ અને સરદારના પણ અનેક પ્રસંગ આ પુસ્તકમાં છે. પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
૪. સરદાર એટલે સરદાર
ગુણવંત શાહે લખેલા આ પુસ્તકમાં સરદારના જીવનનાં સાતથી આઠ વર્ષની ક્રર્મક્રિયા ઉપર વિગતવાર પ્રસંગો છે. એમાંના રાજકારણને લગતા પસંગોને સારી રીતે બિરદાવવામાં પણ આવ્યા છે. આ પુસ્તક લેખક દ્વારા કરવામાં આવેલા વિવિધ લેખો અને ભાષણોનો સંગ્રહ છે જે સાચા સંદર્ભ સાથે સરદાર સાથે બનેલી ઘટનાઓનું સચોટ વર્ણન કરે છે.
૫. હિંદના સરદાર
ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વિશે આ પુસ્તકમાં ઘણી ન જાણીતી વાર્તાઓ છે, જેને કારણે બ્રિટિશ રાજનો અંત આવ્યો હતો. આ પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલને લઈને ભારતીયોમાં ઉદભવેલા અનેક વિવાદો અને શંકાઓને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા અને એકીકરણમાં સરદારના યોગદાન વિશે આ પુસ્તકમાં સંપૂર્ણ માહિતી છે. આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.