Anniversary Special: ૨૭ વર્ષ સાહસ અને સામર્થ્યના

26 February, 2022 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાંચો હિતેન આનંદપરાની કવિતા `કોઈ માણસને ઊભો કરો`

ફોટો/આઈસ્ટોક

કોઈ માણસને ઊભો કરો

ટુકડાઓ કાચના વેરાયા હોય
એમાં ઝળહળતા તારા દેખાય
સામે પૂર તરવાની હોંશ લઈ હોડી
સાગરમાં સરસરતી જાય

નાનકડી વાતના, નાના વિચારના
મણકાને ફેરવતા રહીએ
વીજળીને ચમકારે ઝબકે કશુંક 
પછી વારતાની જેમ સહજ વહીએ
બીજાનું દુઃખ એકબીજાનું થાય  
તો વાંસળીમાં માધવ સંભળાય

તક મળે કરવાની, છોડતા નહીં
ભલે નાનું કે મોટું હો કામ
આખરે તો અર્થ દોસ્ત વહેવામાં છે
ભલે નદીઓનાં સેંકડો છે નામ
ગંગાના પાણીમાં તરતા મૂકેલા
એક દીવડામાં સૂરજ વર્તાય

હારી-થાકીને સાવ બેસી પડેલા
કોઈ માણસને ઊભો કરો
સૂકા પડેલા પાંદડાની છાતી પર
ઝાકળનાં ટીપાં ધરો
આપણ બે શ્વાસો જો લેખે લાગે
ચારધામનાં એ દર્શન લેખાય 

- હિતેન આનંદપરા

કોરોનાસૂર વધ

(કોરોના વાઇરસની સામે પોતાના જીવની પરવા કર્યા વગર દરદીઓની સેવા કરી રહેલા ડૉક્ટરો, નર્સો, વૈજ્ઞાનિકો, સફાઈકર્મીઓ અને પોલીસોને સમર્પિત) 

ડૉક્ટર થઈને હરિ અવતર્યા, નર્સરૂપે મા અંબા 
કોરોનાસૂરનો વધ કરવા રણે ચડ્યાં જગદંબા  

સૅનિટાઇઝર, માસ્ક ઉગામી ધસ્યા અસૂરની સામે 
હસ્તે જીવનરક્ષક આયુધ લઈ ઊતર્યા સંગ્રામે 
જાણે વ્હેતી ધવલ વસ્ત્રમાં માનવતાની ગંગા 

કોરોનાસૂરનો વધ કરવા રણે ચડ્યાં જગદંબા... 

આઇસોલેટેડ વૉર્ડ, વૉર્ડમાં સાવ અટૂલી ચીસ
એને નવજીવન અર્પે તે જનની ને જગદીશ 
જીવન જીતે જંગ, બધાના ફરકી ઊઠે તિરંગા

કોરોનાસૂરનો વધ કરવા રણે ચડ્યાં જગદંબા... 

 - કૃષ્ણ દવે

એણે કરી સવાર

રફ્તાર છોડી એની આ થંભી ગયો તો કાળ
ખુદને જલાવી રાતમાં એણે કરી સવાર

સંવેદના થીજી’તી, હતું સત્ય જડભરત 
એ લાવ્યો પ્રેમ, લાગણી, દુવાના કંઈ જુવાળ 

ઊર્મિઓ મનની જ્યારે બધી રંક થઈ હતી
ભરવા તિજોરી એની એ સેવાના દેતો ભાવ 

હારી રહી’તી જિંદગી શસ્ત્રો ખૂટ્યાં હતાં
તલવાર રોકી મોતની એણે ધરીને ઢાલ

ડૉક્ટરના રૂપે કે સફાઈનો એ કામદાર
આનાથી ભિન્ન હોય શું અવતાર કેરો સાર?

 - મીતા ગોર મેવાડા

life and style gujarati mid-day