16 May, 2022 12:39 PM IST | Mumbai | Swami Satchidananda
મિડ-ડે લોગો
વિશ્વ જ્યારથી થયું અને જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રાણીમાત્ર અને પ્રક્રિયામાત્રમાં યુદ્ધનું અસ્તિત્વ રહેવાનું જ રહેવાનું. સજ્જનતા, ઉદારતા, આદર્શો જેવાં ઉચ્ચ મૂલ્યો હોવાં જ જોઈએ; પણ એ બધું શક્તિની પીઠિકા પર. શક્તિ વિના એ વધુ હાસ્યાસ્પદ જ નહીં, આત્મવિનાશી પણ બનતું હોય છે.
યુદ્ધ માટેની અતૈયારી, અધૂરી તૈયારી, ઊતરતાં કે પછી અપૂરતાં શસ્ત્રો, ઊતરતા સૈનિકો તથા ઊતરતા સેનાપતિઓ, ઊતરતા ગુપ્તચરો, ખોટા સલાહકારો તથા અનિર્ણાયક નેતાઓ.
આ બધું જાણે આપણા માટે સેંકડો વર્ષોના ઇતિહાસનું એકધારું ચાલ્યું આવતું બખડજંતર છે. હજી હમણાં સુધી આ જ દિશામાં આપણે દોડતા હતા અને આપણી આંખ સામે નવાં શસ્ત્રોની પહેલ પાકિસ્તાન કરે અને એ પછી આપણે માત્ર દેખાડો કરવા કે પછી સમોવડિયા સાબિત થવા એની પાછળ દોડીએ. આગળ નીકળી જવાની તો વાત જ ક્યાં હતી અને એવો વિચાર સુધ્ધાં ક્યાં હતો?
યુદ્ધ તથા શસ્ત્રો સંબંધી આપણું ચિંતન આજે પણ અસ્પષ્ટ તથા પરિસ્થિતિના દબાણથી થનારું છે. ઇચ્છાહીનતા તો આપણો મૂળ રોગ છે જ. એને વધુપડતા અહિંસાવાદના આદર્શનો સંપુટ મળ્યો. કેટલાક તો આદર્શની પરાકાષ્ઠાને જ પરમ રાષ્ટ્રહિત અને જગતહિત માનતા થયા. હવે એવા સમયે આપણે શું લડવાના હતા? ધૂળ અને ઢેફા!
જંગલમાં હિંસક પ્રાણીઓ આગળ અહિંસક પ્રાણીઓનો ઇતિહાસ એ આપણો ઇતિહાસ ન થાય તો બીજું શું થાય? આપણે ભલે હિંસાવાદી ન થઈએ, પણ હિંસા આપણને ખાઈ જાય એટલા અહિંસાવાદી પણ ન થઈએ. હિંસા કે અહિંસા માટે આપણું જીવન નથી, પણ આપણા સમગ્ર પ્રજાજીવનના હિત માટે હિંસા તથા અહિંસા છે. જ્યાં જેવી જરૂર જણાય ત્યાં એવો પ્રયોગ થાય તો કલ્યાણ થાય.
સુરક્ષાનો સૌથી ઉત્તમ ઉપાય આક્રમણ છે. આક્રમણ કરવાની સતત ક્ષમતા વધારતા રહેવું તથા શત્રુને શક્તિ વધારવાની તક ન આપવી. જો તક મળી હોય તો એને યોગ્ય પ્રક્રિયાથી તોડી પાડવી એ સુરક્ષા માટેનો ઉપાય છે. શક્તિહીન થઈને બેસી રહેવું, શત્રુની શક્તિને વધવા દેવી, પછી ભૂંડી રીતે પરાજિત થવું કે દબાઈ જવું અને પછી ઊંચા આદર્શોની હતી એની એ જ વાતો કરવી — આ સ્થગિતતા છે જે પ્રજાને હંમેશાં અસુરક્ષિત તથા અનિશ્ચિત ભવિષ્યવાળી બનાવે છે. સ્થગિતતા છોડવાનો સમય આવ્યો છે. એ છોડવાનું જેટલું મોડું કરવામાં આવશે એટલી જ માનવજીવનની વિપદા વધવાની છે.