08 May, 2022 02:58 PM IST | Mumbai | Swami Satchidananda
મિડ-ડે લોગો
આપણે ત્યાં સદીઓથી અવતારો પર અવતારો થતા આવ્યા છે. તમે જુઓ, બધા જ અવતારો ભારતમાં જ થયા છે. અત્યારે તો એકસાથે અસંખ્ય ભગવાનો ભારતભૂમિમાં વિચરી રહ્યા છે. હવે તમે બીજી તરફ નજર કરો.
ઇંગ્લૅન્ડ, જર્મની, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા કે જપાન જેવા દેશોમાં આજ સુધી એક પણ અવતાર થયો નથી. અરે, અવતાર છોડો, પૂર્ણ જ્ઞાની કે સર્વજ્ઞ પણ થયો નથી અને એમ છતાં એ દેશો સમૃદ્ધ, સુખી, પ્રામાણિક, શૂરવીર, બાહોશ બનીને આખા વિશ્વને મુઠ્ઠીમાં રાખી રહ્યા છે. એક પણ અવતાર વિના ઇંગ્લૅન્ડે લગભગ આખી દુનિયા પર રાજ કર્યું, સારી રીતે ન્યાયનીતિથી રાજ કર્યું. બીજી તરફ આપણે ત્યાં મુસ્લિમોનાં ધાડાં આવવા લાગ્યાં ત્યારે પણ અવતારો હતા અને અંગ્રેજોએ રાજ કર્યું ત્યારે પણ કેટલાક અવતારો હતા. અરે, અવતારો નહીં, પણ અવતારોનાય સર્વોપરી અવતારીઓ હતા. ભૂમિમાં આવા પૂર્ણ અવતારીઓ વારંવાર પ્રગટતા હોય છતાં પ્રજા કંગાળ, ચીંથરેહાલ, ભયભીત, દુખી, ગુંડાઓથી ત્રસ્ત, ઝૂંપડપટ્ટીઓમાં નારકીય જીવન જીવનારી, અંધશ્રદ્ધાળુ, અજ્ઞાની અને અપ્રામાણિક હોય તો પ્રશ્ન થાય છે કે આ અવતારોના આટલા મોટા ધસારા પછી પણ દેશ અને પ્રજા તો ઠેરનાં ઠેર જ રહ્યાંને! અને પેલા પશ્ચિમવાળા એક પણ અવતાર વિનાસર્વોપરી થઈને બેઠા છે. કારણ સ્પષ્ટ છે.
આપણે કબૂલ કરવું પડશે, સ્વીકારવું પડશે કે આપણે જ્ઞાનના નહીં, પણ ભ્રાન્તિના ઉપાસક છીએ. એવો કોઈ ઈશ્વર નવરો નથી જે અવતાર લે.
ઈશ્વર તો ઇચ્છે છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના અવતારને દીપાવે. પશ્ચિમના લોકોએ પોતાના અવતારને દીપાવવાનું કામ કર્યું એટલે પ્રજા તથા દેશ દીપી ઊઠ્યાં. આપણે પ્રજા તથા દેશના ઉદ્ધાર માટે આકાશ તરફ જોયા કર્યું. આકાશમાંથી તો કોઈ ન આવ્યું, પણ ધરતીમાંથી ઘણા માણસોએ આકાશમાંથી આવ્યાનો દાવો કર્યો. પ્રજાની મૂર્ખતાનો લાભ ઉઠાવવાની કળા જેની પાસે હતી તેઓ અવતાર તરીકે સફળ પણ રહ્યા. હજી આજે પણ આવી રીતે આ દેશ તથા પ્રજા અવતારોથી ધમધમી રહ્યાં છે, કારણ કે ધાર્મિક ચિંતન સ્થગિત થઈ ગયું છે. આપણી પાસે વિદ્વાનોની લાંબી પરંપરા તો છે, પણ લગભગ પ્રત્યેક વિદ્વાન પોતાના પૂર્વજ વિદ્વાન સાથે જડાઈ ગયેલો છે એટલે તેનું ચિંતન પૂર્વની મિથ્યા વાતોને પણ સાચી ઠરાવવાની દલીલો આપવામાં ખર્ચાય છે, નવું શોધવામાં નહીં. વિદ્યા આ રીતે મરી જતી હોય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)