26 May, 2022 03:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જઈને ઇન્ડિયાને રેપ્રિઝેન્ટ કરવાનો હિના ખાનને ગર્વ છે. ૨૦૧૯માં પહેલી વખત તેને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. આ વર્ષે પણ તેને કાનમાં જવાની તક મળી હતી. એના પર ખુશી વ્યક્ત કરતાં હિના ખાને કહ્યું કે ‘વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ ખૂબ મોટી વાત છે અને મારા માટે એ સન્માનની બાબત છે. મને એ વાતની ખુશી છે કે હું કાનમાં હાજરી દ્વારા એ કરી શકી હતી. મને આશા છે કે દર વખતે મને આવી તક સતત મળ્યા કરે.’
તેની ઇન્ડો-ઇંગ્લિશ ફિલ્મ ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’નું પોસ્ટર કાનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે પણ તેની ‘લાઇન્સ’નું પોસ્ટર કાનમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એથી હિના ખાને કહ્યું કે ‘મારી ‘લાઇન્સ’નું પોસ્ટર રિલીઝ થયું હતું એ આજે પણ મને યાદ છે. એને મળેલી પ્રશંસાથી હું ખૂબ ખુશ થઈ હતી. એ સફળતામાં ઉમેરો ત્યારે થયો જ્યારે મેં ‘કન્ટ્રી ઑફ બ્લાઇન્ડ’નું પોસ્ટર લૉન્ચ કર્યું હતું. અનેક કારણોસર આ ફિલ્મ મારા દિલની ખૂબ નજીક છે. બન્નેની કાનમાં હાજરી એને વધુ સ્પેશ્યલ બનાવે છે. આનાથી વિશેષ તો હું વધુ કાંઈ ન માગી શકું.’
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિવિધ સિનેમાને સેલિબ્રેટ કરીને પરસ્પર કલ્ચરનું આદાન-પ્રદાન કરવામાં આવે છે. એ વિશે હિના ખાને કહ્યું કે ‘કાન એક એવું પ્લૅટફૉર્મ છે જ્યાં વિવિધ ફિલ્મ ફ્રેટર્નિટીઝ સાથે આવીને સિનેમાને સેલિબ્રેટ કરે છે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે મને મારા દેશને રેપ્રિઝેન્ટ કરવાની તક મળી છે. આ જ બાબત હું કરવા માગતી હતી, ભારતનું પ્રતિનિધિત્વ કરીને વિશ્વના નકશા પર એને ચમકાવવા માગું છું.’