ગુજરાતી સિંગર જાહ્નવીને આ રીતે મળી હતી ગંગુબાઈ ફિલ્મનું ઢોલીડા ગીત ગાવાની તક

30 May, 2022 11:54 AM IST  |  Mumbai | Nirali Kalani

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં ગીત ગાવાની તક કેવી રીતે મળી તે સંદર્ભે વાત કરતાં જાહ્નવી કહ્યું કે,` જ્યારે હું આ ગીત રેકોર્ડ કરવા ગઈ ત્યારે મને ખ્યાલ નહોતો આ ગીત ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે છે. અને આ આટલું લોકપ્રિય બની જશે.

જાહ્નવી શ્રીમાંકર (તસવીર ડિઝાઈન: સોહમ દવે)

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે એક એવા ગુજરાતી યુવા કલાકારની જેમની ગાયકીના હજારો લોકો ફેન છે અને ગંગુબાઈ કાઠિયાવાડીમાં `ઢોલીડા` ગીત ગાઈને લાખો લોકોને પોતાના અવાજ પર થિરકવા મજબૂર કર્યા છે. દેશમાં સમાન્ય લોકોથી લઈ સુપરસ્ટાર્સ અને વિદેશમાં પણ તેમના ગીત પર લોકોને નાચવા મજબૂર કરનાર જાહ્નવી શ્રીમાંકર વિશે જાણીએ રસપ્રદ વાતો. 

જાહ્નવી શ્રીમાંકર (Jahnvi Shrimankar)એ 7 વર્ષની ઉંમરથી જ ક્લાસિકલ મ્યૂઝિકની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. `ગંગુબાઈ કાઠિયાવાડી`માં ઢોલીડા ગીત ગાઈને બૉલિવૂડમાં ડેબ્યુ કરવા સુધીની તેમની સફર ઘણી લાંબી રહી છે. જાહ્નવી શ્રીમાંકરે `ઢોલીડા` ગીતથી ઓળખ તો મેળવી જ છે ,પરંતુ તેમણે અમિત ત્રિવેદી, જાવેદ અખ્તર અને સલીમ-સુલેમાન સહિતના દિગ્ગજ સિંગર્સ સાથે પણ કામ કર્યુ છે એ વાતથી લગભગ તમે અજાણ હશો. ઢોલીડાની સફળતા વિશે વાત કરતાં જાહ્નવીએ કહ્યું હતું કે, ` જ્યારે લોકોએ મને કહ્યું કે થિયેટરમાં તમારો અવાજ સાંભળીને મજા આવી ગઈ, ત્યારે મને ખુબ જ આનંદ થયો. તમે ગાયેલુ ગીત વાયરલ થાય અને તેની જાણ તમને લોકો દ્વારા થાય તે અનુભવ અદ્દભુત હોય છે. મેં આ વિશે વિચાર્યું પણ નહોતું. ખરેખર મને એક સપનાં જેવું લાગી રહ્યું હતું.`.

પહેલા ખબર નહોતી કે આ ગીત સંજય લીલા ભણસાલીની ફિલ્મ માટે છે

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં ગીત ગાવાની તક કેવી રીતે મળી તે સંદર્ભે વાત કરતાં જાહ્નવી કહ્યું કે,` જ્યારે હું આ ગીત રેકોર્ડ કરવા ગઈ ત્યારે મને ખબર નહોતી કે આ ગીત ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે છે. ગીત રેકોર્ડ કર્યાના લાંબા સમય પછી મને જાણ થઈ કે જે ગીતનું મેં રેકોર્ડિંગ કર્યુ હતુ તે ઢોલીડા ગીત આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે છે. બાદમાં આ ગીતના શૂટિંગ દરમિયાન મને બોલાવવામાં આવી હતી. જ્યારે હું સેટ પર ગઈ અને ચોતરફ મારો અવાજ અને તેના પર આલિયા ભટ્ટ સહિત ડાન્સર્સને ડાન્સ કરતાં જોતી વખતે મને અદ્ભૂત લાગી રહ્યું હતું. હું એટલી આશ્ચર્યમાં હતી કે તે સમયે આનંદની લાગણીનો પણ ખ્યાલ નહોતો.`

આર્કિટેક બનવા ઈચ્છતા હતા જાહ્નવી

જાહ્નવી શ્રીમાંકર આર્કિટેક બનવા માંગતા હતા. તેથી તેમણે આગળના અભ્યાસ માટે સાયન્સ સ્ટ્રીમ પસંદ કર્યુ હતું. જો કે સાથે સાથે તેઓ નાના-નાના કાર્યક્રમ અને પ્રસંગોમાં ગીત ગાતાં હતા. પરંતુ તે દરમિયાન તેમણે વિચાર્યુ નહોતું કે તે સંગીતના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવશે. એક સમય એવો આવ્યો જ્યારે તેમણે સંગીત અને આર્કિટેકનો અભ્યાસ બંનેમાંથી એકની પસંદગી કરવાની સ્થિતિ ઉભી થઈ. અને ત્યારે જાહ્નવીએ આર્કિટેકને બદલે સંગીતની પસંદગી કરી અને દિવસના 24 કલાક સંગીતમાં આપવાનું નક્કી કર્યુ. જાહ્નવી બાળપણથી જ ગાતાં હોવાથી સંગીતને કારકિર્દી તરીકે પસંદ કરવું મુશ્કેલ નહોતું. તેમણે સૌપ્રથમ સ્ટેજ શૉ પાર્થિવ ગોહિલ સાથે કર્યો હતો. જાહ્નવીએ વિદેશમાં પણ પોતાના સૂર રેલાવ્યા છે. જાહ્નવી અત્યાર સુધીમાં ભારતભરમાં અને વિદેશમાં મળીને 1000થી વધુ શોઝમાં પર્ફોમ કરી ચૂક્યા છે.

સિંગર જાહ્નવીએ તેમનું પહેલું રેકોર્ડિંગ એક આલ્બમ માટે કર્યુ હતું, જેમાં તેમણે ભજન ગાયું હતું. તે સમયે તેમની ઉમંર માત્ર આઠ વર્ષની હતી. એટલે એમ કહી શકાય છે જાહ્નવીમાં બાળપણથી જ સંગીતના સૂર રગરગમાં વસવા લાગ્યા હતાં. ત્યાર બાદ તેમણે અનેક નાના-મોટા ગીતો અને ભજનો રેકોર્ડ કર્યા હતા. આ કડીમાં આગળ વધતાં તેમણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ `સાવરિયાં`માં બેકગ્રાઉન્ડ વોકાલિસ્ટ તરીકે કામ કર્યુ. ત્યારથી જાહ્નવીનો અવાજ તેમને પસંદ આવા ગયો હતો. અને તેના કારણે જ તેણીને ગંગુબાઈ કાઠિયાવાડીમાં આ ગીત ગાવાની તક મળી. જો કે ગીતનું રેકોર્ડિંગ કર્યુ ત્યારે તેમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ ગીત આટલું વાયરલ થશે અને દુનિયાભરમાં ધૂમ મચાવશે. 

જાહ્નવી શ્રીમાંકરે રિફ્લેક્શન ઓફ કચ્છ અને વિટામિન શી સહિતની ફિલ્મોમાં પણ ગીત ગાયું છે. જાહ્નવીએ મ્યુઝિક આલ્બમ્સ, ટીવી સિરીયલ્સ, નાટકો, જિંગલ્સ અને ફિલ્મોમાં અવાજ આપી લોકોની દીલ જીત્યા છે. તેમણે શ્રીમાંકરે કૌમુદી મુન્શી, પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌતમ મુખર્જી પાસેથી સિંગિંગની તાલીમ લીધી છે. આ ઉપરાંત હાલમાં તે અનિકેત ખાંડેકર પાસેથી ગાયકીની તાલીમ મેળવી રહ્યા છે. જાહ્નવીએ કહ્યું હતું કે તે પોતાની જાતને માત્ર ગુજરાતી ભાષા પુરતી સીમિત રાખવા નથી ઈચ્છતા. તે શક્ય તેટલી તમામ ભાષામાં ગીત ગાવાં ઈચ્છે છે. આગામી સમયમાં તે એક આલ્બમ સોન્ગ રિલીઝ કરવાના છે, જેના અંગે ટૂંક સમયમાં તે જાહેરાત કરી શકે છે. 
 
 

 

 

 

 

 

 

dhollywood news gujarati film sanjay leela bhansali