24 May, 2022 02:06 PM IST | Mumbai | Karan Negandhi
દિશિતા ભટ્ટ અને ફિલ્મના પ્રોડ્યુસર ધ્રુવ મહેતા
અફરા-તફરથી અને નાયિકદેવી જેવી અર્બન ગુજરાતી ફિલ્મો સહિત બોલિવૂડની ઓમકારા અને પ્યાર કા પંચનામા જેવી અનેક ફિલ્મો એડિટ કરનાર પાર્થ ભટ્ટની દીકરી ગુજરાતી ફિલ્મ સાથે મનોરંજન જગતમાં પ્રવેશ કરવા જઈ રહી છે. દિશિતા ભટ્ટ ગુજરાતી ફિલ્મ `ચાર ફેરાનું ચકડોળ` સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કરશે. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. નિશિતકુમાર બ્રહ્મહભટ્ટ આ ફિલ્મનું ડિરેક્શન કરી રહ્યા છે.
શૂટિંગ સમયનો પોતાનો અનુભવ શેર કરતાં દિશિતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે "મને આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ મજા પડી રહી છે અને ઘણું જાણવા મળ્યું છે પણ ખાસ હું ટિમ વર્ક શીખી છું. ઉપરાંત સૌ તરફથી સારો સપોર્ટ પણ મળી રહ્યો છે."
માત્ર ૧૧ વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાની તક મળી છે તો કેવું લાગે છે? આ સવાલનો જવાબ આપતા તેણીએ કહ્યું કે "આ ખૂબ જ સારું ફીલ કરી રહી છું."
પહેલી વાર કેમેરો ફેસ કર્યો ત્યારે ડર લાગ્યો હતો? તેનો જવાબ આપતા દિશિતા કહે છે કે "ડર તો જરાય ન હતો લાગ્યો, પરંતુ હું એક ટકા જેટલી નર્વસ હતી. જોકે એકવાર હું સેટ થઈ પછી એ નર્વસનેસ પણ દૂર થઈ ગઈ હતી. રસપ્રદ વાત એ છે કે હું જે પાત્ર ભજવી રહી છું, તે ખરેખર મારી પર્સનાલિટી સાથે મેચ થાય છે."
સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરતાં દિશિતાની મમ્મી કરિશ્મા ભટ્ટે જણાવ્યું કે "દિશિતાનું સિલેક્શન આ મહિના શરૂઆતમાં જ થયું હતું. અમે ઓડિશન માટે એક વીડિયો મોકલ્યો હતો અને ત્યાર બાદ લૂક ટેસ્ટ કરવામાં આવો હતો, જે બાદ તેનું સિલેક્શન થયું હતું."