31 July, 2023 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા વચ્ચે ક્રીએટિવ મતભેદ આવતાં તેમની દોસ્તીમાં દરાર આવી હોવાની ચર્ચા છે. સલમાનની ‘કભી ઈદ કભી દિવાલી’ને સાજિદ પ્રોડ્યુસ કરવાનો હતો, પરંતુ હવે સલમાન એકલો જ આ સોશ્યલ-કૉમેડીને પ્રોડ્યુસ કરશે એવી ચર્ચા છે. ‘બાગી 3’, ‘તડપ’ અને ‘બચ્ચન પાન્ડે’ની નિષ્ફળતા બાદ સાજિદ નડિયાદવાલા ‘કભી ઈદ કભી દિવાલી’ પર ફરીથી કામ કરવા માગતો હતો. તેને ફિલ્મના બજેટ, સ્ક્રિપ્ટ, ફિલ્મના સેટ-અપ અને મુખ્ય ઍક્ટર્સને લઈને પણ ફરીથી કામ કરવાની ઇચ્છા હતી. જોકે સલમાનનું માનવું હતું કે આ બધામાં ફરીથી કોઈ સુધારા કરવાની જરૂર નથી અને તે જેમ બને એમ વહેલાસર શૂટિંગ શરૂ કરવા માગે છે. સલમાનને એમ પણ લાગે છે કે સાજિદની હાલમાં ફ્લૉપ ગયેલી ફિલ્મો સાથે આ ફિલ્મને કોઈ લેવાદેવા નથી. સલમાનને લાગે છે કે સાજિદને તેના સ્ટારડમ પર ભરોસો નથી. બીજી તરફ સાજિદનું માનવું છે કે સલમાન દરેક વસ્તુને હળવાશમાં લે છે. ઘણી લાંબી ચર્ચા કર્યા બાદ સાજિદે ‘કભી ઈદ કભી દિવાલી’ને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું હોવાની ચર્ચા છે. આ જ કારણ છે કે સલમાને હવે એકલા હાથે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લઈ લીધો છે. એથી સાજિદ પાસેથી સ્ક્રિપ્ટ મંગાવી લીધી છે. સલમાને તેની ટીમને આ ફિલ્મ માટે પ્રી-પ્રોડક્શનની તૈયારી કરવા કહ્યું છે. ફિલ્મને સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યુલ સાથે પૂરી કરવામાં આવશે. ફિલ્મને આ વર્ષે ૩૦ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે.