05 June, 2022 08:13 AM IST | Mumbai | Kana Bantwa
પ્રતીકાત્મક તસવીર
પતિ ડાઇનિંગ ટેબલ પરથી ચાનો કપ ઉપાડીને ટેબલ સાફ કરી નાખે એ પણ સુખ છે. પતિ કયારેક નાસ્તો બનાવીને જગાડે એ પણ સુખ છે. સંતાનો વડીલની વાત માને એ પણ સુખ છે. પાડોશી સાથે મનમેળ હોય એ સુખ છે. બહાર જઈએ અને પાર્કિંગની જગ્યા મળી જાય એ સુખ છે. ફિલ્મ જોવા જઈએ ત્યારે ગમતી સીટ મળી જાય એ સુખ છે. આવાં હજારો સુખ તમે ધારો તો શોધી શકો
સંતાનો-સ્વજનો હોય પણ તેમનામાં, તેમની સાથે મનમેળ ન હોય તો સુખ નથી. પૈસા હોય પણ એને મેળવવા અને ટકાવી રાખવા માટે સતત ચિંતા કરવી પડતી હોય, કોઠા-કબાડા કરવા પડતા હોય તો એ સુખ નથી આપી શકતા. પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન હોય; પણ એને મેળવવા માટે જો શાંતિનો ભોગ આપવો પડતો હોય, આનંદનો ભોગ આપવો પડતો હોય તો એ સુખ નથી આપતાં
એક માણસ પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે માછલી પકડવા તળાવના કાંઠે ગયો. ગલ નાખ્યો અને થોડી વારમાં જ એક નાનકડી માછલી સપડાઈ ગઈ. નાની માછલી પકડાયેલી જોઈને પેલા માણસે વિચાર્યું કે ‘આવડી અમથી નાનકડી માછલીથી મારું કે મારા પરિવારનું પેટ ક્યાંથી ભરાય? મારે તો મોટી માછલી જ જોઈએ.’ આમ વિચારીને તેણે માછલી ફેંકી દીધી અને ફરી વાર ગલ પાણીમાં નાખ્યો. ફરી એક નાનકડી માછલી પકડાઈ. નાની માછલીથી ભૂખ નહીં મટે એવું વિચારીને તે માણસે એને પણ પાણીમાં પાછી ફેંકી દીધી. થોડી વાર પછી ત્રીજી માછલી સપડાઈ. એ પણ નાનકડી હતી એટલે એને પણ જતી કરી. એવામાં એક અન્ય માણસ ત્યાં માછલી પકડવા આવ્યો. તેને પણ નાની માછલી જ મળી. તેણે માછલીને ફેંકી દેવાને બદલે કરંડિયામાં મૂકી દીધી. નાની માછલીઓ જ બંનેના હાથમાં આવતી હતી. પહેલો માણસ નાની માછલીઓને ફેંકતો રહ્યો, મોટી માછલી પકડાય એની રાહ જોતો રહ્યો. થોડા સમયમાં બીજા માણસનો કરંડિયો નાની-નાની માછલીઓથી ભરાઈ ગયો અને તેણે ચાલતી પકડી.
જતાં-જતાં તેણે પ્રથમ માણસને કહ્યું, ‘જો તેં મોટી માછલીની અપેક્ષામાં નાની માછલીઓ ફેંકી દીધી ન હોત તો તારી પાસે તારું અને તારા પરિવારનું પેટ ભરાઈ જાય એટલી માછલીઓ હોત.’
સુખ શોધતાં આવડવું જોઈએ
જીવનમાં કેટલી બધી નાની-નાની બાબતો હોય છે જે આનંદ આપે છે, સુખ આપે છે. તમે બહાર નીકળો અને સાવ અજાણી વ્યક્તિ સ્મિત કરે એ પણ આનંદ આપે છે. કોઈ વસ્તુ ખરીદવા જાઓ અને ઇચ્છિત વસ્તુ મળી જાય એ પણ સુખ આપે છે. ઘરનું કોઈ સભ્ય સારી રીતે વાત કરે, વહાલથી બોલાવે એ પણ સુખ છે. વ્યાપારમાં દિવસ શાંતિથી, કશી હાયવોય વગર પસાર થાય એ પણ સુખ છે. પતિ ડાઇનિંગ ટેબલ પરથી ચાનો કપ ઉપાડીને ટેબલ સાફ કરી નાખે એ પણ સુખ છે. પતિ ક્યારેક નાસ્તો બનાવીને જગાડે એ પણ સુખ છે. સંતાનો વડીલની વાત માને એ પણ સુખ છે. પાડોશી સાથે મનમેળ હોય એ સુખ છે. બહાર જઈએ અને પાર્કિંગની જગ્યા મળી જાય એ સુખ છે. ફિલ્મ જોવા જઈએ ત્યારે ગમતી સીટ મળી જાય એ સુખ છે. આવાં હજારો સુખ તમે ધારો તો શોધી શકો. તમને સુખ શોધતાં આવડવું જોઈએ. નાનાં-નાનાં સુખને જો તમે પકડી લેશો તો જીવનનો થેલો સુખથી ભરાઈ જશે. સુખ ખરેખર તો નાની-નાની ખુશીઓનો ગુલદસ્તો છે. માનવી મોટા સુખની અપેક્ષામાં, મોટા આનંદની લાયમાં નાની-નાની ખુશીઓ, નાની-નાની પળોને માણવાનું ચૂકી જાય છે. હકીકતમાં મોટું સુખ પણ નાના-નાના સુખના ટુકડાઓથી જ બનેલું હોય છે. આપણે નાની બાબતોને, નાની મજાઓને, નાના-નાના હર્ષના પ્રસંગોને ક્ષુલ્લક માનીને અવગણતા રહીએ છીએ, એને મોકો જ નથી આપતા, નાના આનંદને માણવા યોગ્ય જ માનતા નથી.
મોટા સુખની અપેક્ષા
સમસ્યા એ છે કે આપણને વિશાળ સુખ જોઈએ છે, જે તમામ ખુશી એકસાથે આપી દે. જોકે એવું મલ્ટિપર્પઝ સુખ જગતમાં ક્યાંય છે જ નહીં. સોનાની સેરો જેમાંથી ટપકતી રહેતી એ વરુણના છત્ર જેવું સુખ આપણે ઇચ્છીએ છીએ અને એને માટે હાથમાંનું સુખ ખોઈ દઈએ છીએ. યાદ કરો, દરરોજ તમને ખુશ થવા જેવી કેટલી નાની બાબતો મળે છે? ઉપર જે યાદી આપી એવી અનેક બાબતો હશે, પણ આપણે એને ધ્યાનમાં લેતા નથી. જો ધ્યાનથી જોશો તો એવી અનેક બાબતો મળી આવશે જે તમને સુખ આપી શકે, સુકૂન આપી શકે, ખુશી આપી શકે. એક યાદી બનાવો તમારા મનમાં અને નક્કી કરો કે આમાંથી હું આનંદ લઈશ, સુખ મેળવીશ. આપણે નાની બાબતોમાંથી મળતા સુખને અવગણતા રહીએ છીએ, એને ખોઈ નાખીએ છે એટલે એ સુખ છે, એ ખુશી આપી શકે, આનંદ આપી શકે એ પણ ભૂલવા માંડ્યા છીએ. ખુશી ક્યાંથી મળે, સુખ ક્યાંથી મળે એ આપણે ભૂલી ગયા છીએ. સુખનું સરનામું આપણે ભૂલી ગયા છીએ. એટલે જ્યાં ખુશી કે સુખનું અસ્તિત્વ જ નથી એવી જગ્યાએ સુખ શોધીએ છીએ.
શાંતિના ભોગે સુખ ન મળે
સુખ કોઈ ઘરેલુ કે વસ્ત્ર કે કોઈ ગૅજેટ નથી કે એને પહેરી લઈએ એટલે સુખી થઈ જઈએ. એટલે એકધારું અને મોટું સુખ મળી જાય પછી સુખ શોધવા જવાની જરૂર જ ન પડે એવું કશું બનતું નથી. સારું ઘર હોવું, સારા પૈસા હોવા, પુત્ર-પુત્રી, સગાંસંબંધી હોવાં, પદ-પ્રતિષ્ઠા હોવી, માન-સન્માન હોવું એ સુખ છે? હા, એ સુખ છે; પણ આ બધું હોય એટલે સુખ હોય જ એવું નથી. સારું ઘર હોય પણ ઘરમાં શાંતિ ન હોય તો સુખ નથી. સંતાનો-સ્વજનો હોય પણ તેમનામાં, તેમની સાથે મનમેળ ન હોય તો સુખ નથી. પૈસા હોય પણ એને મેળવવા અને ટકાવી રાખવા માટે સતત ચિંતા કરવી પડતી હોય, કોઠા-કબાડા કરવા પડતા હોય તો એ સુખ નથી આપી શકતા. પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન હોય, પણ એને મેળવવા માટે જો શાંતિનો ભોગ આપવો પડતો હોય, આનંદનો ભોગ આપવો પડતો હોય તો એ સુખ નથી આપતાં. અને આ બધું જ ન હોય તો સુખ કે આનંદ ન જ હોય એવું નથી. જેની પાસે કશું જ ન હોય એ માણસ પણ સુખી અને ખુશ હોઈ શકે. રૈકવ નામના એક ગાડીવાનની કથા છાંદોગ્ય ઉપનિષદમાં છે. ગાડીવાન રૈકવ ધનવિહીન હતો, રહેવા મકાન નહોતું, કોઈ સ્વજન નહોતું છતાં તે રાજા જાનશ્રુતિ કરતાં ખુશ હતો, કારણ કે બહારની કોઈ વસ્તુ ક્યારેય સુખ કે આનંદ આપી શકતી નથી. સુખ કે આનંદ બહારથી નથી આવતાં, આવી શકે પણ નહીં. એ માણસના મનમાંથી નીપજે છે. આનંદ અને સુખ એ સ્વભાવ છે, વસ્તુ નહીં.
તમારું ખુશ હોવું માત્ર તમારા માટે જ મહત્ત્વનું નથી, એ તમારી આસપાસના તમામ લોકો માટે પણ એટલું જ અગત્યનું છે. તમે ખુશ હો તો તમારા સ્વજનો, પ્રિયજનો ખુશ રહેશે. તમને તમારી આસપાસ આનંદમાં રહેનાર માણસો હોય તો મજા આવે કે દુઃખી રહેનાર? તમને જો ખુશ રહેનાર માણસો આસપાસ રહે એવું ગમતું હોય તો તમારી આસપાસના માણસોને પણ ખુશ રહેનાર જ ગમતા હશેને? તમે જ્યારે દુઃખી હો, સોગિયા હો ત્યારે બીજાને પણ દુઃખી કરો છો એ પણ યાદ રાખો.
સુખનો કન્સેપ્ટ દૂષિત થઈ રહ્યો છે
જગતમાં સંપૂર્ણપણે સુખી માણસ મુશ્કેલીથી મળે છે. કોઈ માણસ પૈસાદાર હોય એટલે આપણે કહીએ છીએ કે તે સુખી છે. સુખી માણસની આ ખોટી વ્યાખ્યા બહુ નડે છે. એનાથી સુખ અંગેનો કન્સેપ્ટ દૂષિત થઈ ગયો છે. એવું પણ નથી કે ધનવાન કે સંપત્તિવાન માણસો સુખી નથી હોતા. તેઓ સુખી હોઈ શકે, હોય છે; પણ મોટા ભાગના સમૃદ્ધ માણસો સુખ આપીને ધન મેળવે છે એટલે એવી છાપ પડી ગઈ છે કે ધનવાન સુખી નથી હોતા. એવી છાપ ઊભી પણ કરવામાં આવી છે. ઉપદેશકો અને પંડિતો ધનવાન પાસેથી ધન પડાવવા માટે સતત ગરીબીનાં ગુણગાન ગાતા રહ્યા છે અને સંપત્તિને ભાંડતા રહ્યા છે. તેઓ આવું ન કહે તો ધનવાન પાસેથી નાણાં કેમ કઢાવી શકાય? તેઓ ધનને વખોડીને દાન-પુણ્ય કરાવવામાં માહેર હોય છે, એ તેમની વ્યૂહરચના છે. સંભાવના તો એવી છે કે જે તવંગર હોય તેના માટે આનંદિત રહેવાની, સુખી રહેવાની સંભાવના વધી જાય છે. સમસ્યા ત્યારે આવે છે જ્યારે પેલા માછલી પકડનારની જેમ નાના સુખને, નાના આનંદને ફેંકી દેવામાં આવે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)