૧૯૯૩ સુધીમાં સંગીતકારની આ જોડીએ ૭૫૦ ફિલ્મોમાં ૨,૯૦૦ ગીતો કમ્પોઝ કર્યાં હતાં એવી માહિતી વિજયાકર તેમના પુસ્તકમાં આપે છે. એમાંનાં ઘણાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે
લક્ષ્મીકાંત-પ્યારેલાલ: આયે દિન સંગીત કે
જેને ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત’ કહે છે એની શરૂઆત થઈ ‘આયે દિન બહાર કે’ ફિલ્મથી. એ ફિલ્મથી સાચે જ જાણે સંગીતની બહાર આવી હતી. એ દિવસથી લઈને ૧૯૯૩ સુધીમાં સંગીતકારની આ જોડીએ ૭૫૦ ફિલ્મોમાં ૨,૯૦૦ ગીતો કમ્પોઝ કર્યાં હતાં એવી માહિતી વિજયાકર તેમના પુસ્તકમાં આપે છે. એમાંનાં ઘણાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે
લક્ષ્મીકાંત શાંતારામ પાટીલ કુંડલકર અને પ્યારેલાલ રામપ્રસાદ શર્મા હજી ધુઆંધાર ‘એલ-પી’ બન્યા નહોતા. એ પહેલાં તેઓ ૫૦-૬૦ના દાયકાના સંગીત સમ્રાટ શંકર-જયકિશન (શંકરસિંહ રામસિંહ રઘુવંશી અને જયકિશન ડાહ્યાભાઈ પંચાલ)ની ટીમમાં વાદ્યવાદક તરીકે કામ કરતા હતા અને શંકર-જયકિશન બંનેને લલ્લુ-પંજુ કહીને બોલાવતા હતા. તેમને ત્યારે અંદાજ પણ નહીં હોય કે તેમના આ બે શિષ્યો એક વાર તેમને પાછળ રાખી દઈને એટલા મોટા સંગીતકાર બની જશે કે તેમનું નામ એલ.પી. (લૉન્ગ પ્લેઇંગ રેકૉર્ડ)ની સમકક્ષ બોલાવા લાગશે.
૧૯૬૪માં નિર્દેશક મોહનકુમારની ‘આઈ મિલન કી બેલા’ ફિલ્મ આવી હતી. એમાં રાજેન્દ્રકુમાર, સાયરાબાનુ અને ધર્મેન્દ્ર મુખ્ય ભૂમિકામાં હતાં. એનું સંગીત શંકર-જયકિશને કમ્પોઝ કર્યું હતું. બધાં જ ગીતો એટલાં સુંદર હતાં કે આજે પણ લોકો યાદ કરે છે : ‘તુમ કમસીન હો, નાદાં હો...’ ‘ઓ સનમ તેરે હો ગયે હમ...’, ‘આ હા આઈ મિલન કી બેલા...’, ‘મૈં કમસીન હૂં, નાદાં હૂં....’, ‘મૈં પ્યાર કા દીવાના...’ અને ‘તુમકો હમારી ઉમર લગ જાએ...’ એનાં ગીતો ઇકબાલ હુસેન ઉર્ફે હસરત જયપુરીએ લખ્યાં હતાં. શંકર-જયકિશન અને હસરત જયપુરીની ટીમ ત્યારે મશહૂર અને કામિયાબ હતી. રાજ કપૂરની ફિલ્મોમાં આ ટીમે ડંકો વગાડ્યો હતો.
આ ફિલ્મના નિર્માતા (હૃતિક રોશનના નાના) જે. ઓમ પ્રકાશ હતા. એ વખતે તેઓ હજી નિર્દેશક બન્યા નહોતા. તેમની ફિલ્મયુગ કંપનીની આ બીજી ફિલ્મ હતી. પહેલી હતી ‘આસ કા પંછી’ (તેમણે ૨૩ ફિલ્મો બનાવી હતી અને
તમામનાં નામ ‘અ’થી શરૂ થતાં હતાં). એ ફિલ્મમાં પણ શંકર-જયકિશનનું સંગીત હતું. ‘આઈ મિલન કી બેલા’માં શંકર-જયકિશનની ટીમમાં લક્ષ્મીકાંત મેન્ડોલિયનવાદક હતા. જે. ઓમ પ્રકાશે આ ફિલ્મના નિર્માણ વખતે લક્ષ્મીકાંતને આશ્વાસન આપ્યું હતું કે તેમની આગામી ફિલ્મમાં તેઓ તેમની પાસે સંગીત કમ્પોઝ કરાવશે.
એ આગામી ફિલ્મ એટલે ‘આયે દિન બહાર કે’ (૧૯૬૬). લક્ષ્મીકાંતે આ અંગે કહ્યું હતું કે ‘અમારા માટે આ ગૌરવશાળી મોકો હતો. એસ-જે (શંકર-જયકિશન)નાં બૅનરમાંથી અમને ફિલ્મયુગનું મોટું બૅનર મળ્યું હતું. અમે આ અવસરમાં અમારું સર્વસ્વ આપી દીધું અને ઓમજીએ અમારામાં મૂકેલા વિશ્વાસને સાચો સાબિત કરી બતાવ્યો.’
લક્ષ્મીકાંત-પ્યારેલાલની સંગીતયાત્રા પર ફિલ્મ-પત્રકાર અને ફિલ્મ-ઇતિહાસકાર રાજીવ વિજયાકરનું એક પુસ્તક ‘મ્યુઝિક બાય લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ તાજેતરમાં પ્રગટ થયું છે. એમાં આ વાતનો ઉલ્લેખ છે. ઓમજીએ વિજયાકરને કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ફિલ્મ હિટ જાય ત્યારે શંકર-જયકિશન તેમના મહેનતાણામાં વધારો માગતા. એનાથી ઓમ પ્રકાશ ત્રાસી ગયા હતા અને એવામાં તેમને લક્ષ્મીકાંત-પ્યારેલાલમાં શંકર-જયકિશન જેવા જ કર્ણપ્રિય સંગીતની સંભાવના દેખાઈ.
‘આયે દિન બહાર કે’ની સત્તાવાર ઘોષણા થઈ એ પછી લક્ષ્મી-પ્યારે હસરત જયપુરી સાથે ગીતો નક્કી કરવા બેઠા. બધાએ એવું માની જ લીધેલું કે જે. ઓમ પ્રકાશની નવી ફિલ્મમાં ગીતો તો હસરત જયપુરીનાં જ હશેને. એવું ન થયું. લક્ષ્મી-પ્યારેને નવી ફિલ્મનું સંગીત સોંપ્યું એ શંકર-જયકિશનને ગમ્યું નહોતું અને એમાં પાછા જયપુરીસાહેબ ત્યાં જઈને બેઠા. તેમણે એવો વાંધો ઉઠાવ્યો કે દોસ્તીની શરમ રાખવા માટે હસરત જયપુરી ‘આયે દિન બહાર કે’માંથી નીકળી ગયા. ગીતકારની એ જગ્યા ખાલી પડી એમાં આનંદ બક્ષીનું આગમન થયું.
જે. ઓમ પ્રકાશ, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષી આ ત્રિપુટીએ આગામી બે દાયકા સુધી હિન્દી ફિલ્મોના ચાહકોને સૌથી સુરીલાં, સદાબહાર અને સર્વાંધુનિક ગીતો આપ્યાં હતાં. જે. ઓમ પ્રકાશે કુલ ૨૩ ફિલ્મો બનાવી અને એમાંથી ૧૨નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. ‘આયે દિન બહાર કે’માં ધર્મેન્દ્ર હીરો હતો. વિજયાકર લખે છે કે એ ફિલ્મથી શરૂ કરીને ધર્મેન્દ્રની ૬૦ ફિલ્મોમાં લક્ષ્મી-પ્યારેએ બ્લૉકબસ્ટર સંગીત આપ્યું હતું.
લક્ષ્મી-પ્યારેની શરૂઆત આમ તો બાબુભાઈ મિસ્ત્રીની ફૅન્ટસી ફિલ્મ ‘પારસમણિ’ (૧૯૬૩)થી થઈ હતી. એનાં ત્રણ ગીતો જબરદસ્ત લોકપ્રિય થયાં હતાં : ‘વો જબ યાદ આયે...’, ‘મેરે દિલ મેં હલકી સી...’ અને ‘હંસતા હુઆ નૂરાની ચેહરા...’ પરંતુ એ સંગીતમાં કલ્યાણજી-આણંદજી અને શંકર-જયકિશનની ‘છાંટ’ હતી (લક્ષ્મી-પ્યારે કલ્યાણજી-આણંદજીની ટીમમાં સહાયક સંગીતકાર તરીકે કામ કરતા હતા).
જેને ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત’ કહે છે એની શરૂઆત થઈ ‘આયે દિન બહાર કે’ ફિલ્મથી. એ ફિલ્મથી સાચે જ જાણે સંગીતની બહાર આવી હતી. એ દિવસથી લઈને ૧૯૯૩ સુધીમાં સંગીતકારની આ જોડીએ ૭૫૦ ફિલ્મોમાં ૨,૯૦૦ ગીતો કમ્પોઝ કર્યાં હતાં એવી માહિતી વિજયાકર તેમના પુસ્તકમાં આપે છે. એમાંનાં ઘણાં ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે.
જે. ઓમ પ્રકાશની ફિલ્મોની એક ખાસિયત એ હતી કે એમાં ભારોભાર રોમૅન્સ, કર્ણપ્રિય સંગીત અને લાગણીઓના ઉતાર-ચડાવ રહેતાં. એમાંનાં પાત્રોમાં ઈર્ષ્યા, વિશ્વાસઘાત અને શંકા-કુશંકાઓ હતાં. તેમણે નિર્દેશક તરીકે શરૂઆત કરી ત્યારે પહેલી જ સુપરહિટ ફિલ્મ ‘આપ કી કસમ’માં આ બધા જ માનવીય ભાવ હતા.
‘આયે દિન બહાર કે’ એવી જ આંટીઘૂંટીવાળી ફિલ્મ હતી. સાધારણ ઘરનો હોનહાર રવિ શુક્લા (ધર્મેન્દ્ર) ‘બડે બાપ કી ઓલાદ’ કંચન (આશા પારેખ)ને કૉલેજનું ટ્યુશન આપતાં-આપતાં પ્રેમના ક્લાસ શરૂ કરી દે છે. કંચનના પિતા દીવાન જાનકીદાસ (રાજ મહેરા)ને પણ સુશીલ અને સંસ્કારી રવિ પસંદ આવે છે અને ગોળ-ધાણાનું નક્કી કરે છે. બંગલામાં જ્યારે મહેમાનો ભેગા થાય છે અને તેમને રવિની માતા જમુના દેવી (સુલોચના)નો પરિચય કરાવવામાં આવે છે ત્યારે દીવાનજીની બહેન (લીલા મિશ્રા) જમુના દેવીને જોઈને ‘મૈંને આપકો પહલે કહીં દેખા હૈ’નો સંદેહ વ્યક્ત કરે છે.
એમાં તેને યાદ આવે છે કે જમુના દેવી અંબાલા શહેરની એ જ બહુચર્ચિત સ્ત્રી છે જે વગર લગ્ને મા બની હતી. જાનકીદાસ ત્યાં ને ત્યાં વિવાહ ફોક કરે છે અને મા-દીકરાને કાઢી મૂકે છે. ઘરે જઈને રવિને તેના જન્મની અસલી કહાની જાણવા મળે છે અને તે તેના ગુમશુદા પિતા (બલરાજ સાહની)ને શોધવા નીકળી પડે છે. બીજી બાજુ વિરહની મારી કંચન પણ રવિની તલાશમાં નીકળી પડે છે. તે પિતાનો પત્તો લગાવીને પાછો આવે છે ત્યારે માતા ગાયબ થઈ ગયેલી હોય છે. એ માતાની સંભાળ પાછી કંચનની બહેનપણી રચના (નાઝિમા) જ રાખતી હોય છે જેને વાસ્તવમાં રવિથી પ્રેમ છે. છેલ્લે બધા ભેગાં થાય છે અને સૌ સારાં વાનાં થાય છે.
‘આયે દિન બહાર કે’માં સાત ગીત હતાં : ‘મેરે દુશ્મન તૂ મેરી દોસ્તી કો તરસે...’, ‘સુનો સજના પપીહે ને કહા સબસે પુકાર કે...’, ‘યે કલી જબ તલક ફૂલ બનકે ખીલે...’, ‘ખત લિખ દે સાંવરિયા કે નામ બાબુ...’, ‘ખુદાયા ખૈર...’, ‘અય કાશ કિસી દીવાને કો હમસે ભી મોહબ્બત હો જાએ...’ અને ‘મેરે મેહબૂબ...’ બેમિસાલ.
એમાં ‘મેરે દુશ્મન તૂ મેરી દોસ્તી કો તરસે...’માં આનંદ બક્ષીએ નવી જ રીતે પ્રેમનો (અથવા નફરતનો) ભાવ વ્યક્ત કર્યો. સામાન્ય રીતે એક પ્રેમી નારાજ થઈ જાય તો તેની પ્રેમિકાની બૂરાઈ ઈચ્છે. અહીં ધર્મેન્દ્ર આશા પારેખને ‘પૉઝિટિવ શ્રાપ’ આપે છે!
મેરે દુશ્મન તૂ મેરી દોસ્તી કો તરસે
મુઝે ગમ દેને વાલે તૂ ખુશી કો તરસે
હિન્દી ફિલ્મમાં પહેલી વાર એક હિરો તેની હિરોઇનને સુખમાં દુઃખી થતી જોવા ઇચ્છે છે. બક્ષીસાહેબ એમ નથી લખતા કે મારી દુશ્મની તને ભારે પડશે. તે લખે છે કે તને મારી દોસ્તીની ગેરહાજરી ભારે પડશે. પ્રેમિકા મોટા ઘરની છોકરી છે અને પ્રેમીને એ ઘરમાંથી તગેડી મૂકવામાં આવે છે. પ્રેમી ભલો માણસ છે એટલે એવું નથી ઇચ્છતો કે પ્રેમિકા બરબાદ થઈ જાય. એને બદલે તે કહે છે:
તેરે ગુલશન સે ઝ્યાદા વીરાના કોઈ વીરાના ન હો
ઇસ દુનિયા મેં કોઈ તેરા અપના તો ક્યા બેગાના ન હો
બક્ષીસાહેબની કમાલ જુઓ. તારો બગીચો જેટલો નિર્જન છે એટલો નિર્જન બીજો કોઈ નહીં હોય; આ દુનિયામાં તારો કોઈ આત્મીય તો ઠીક, કોઈ અજનબી પણ નહીં હોય.
પ્રૉબ્લેમ એટલો જ હતો કે આ ગીત હીરો-હિરોઇનના એન્ગેજમેન્ટ વખતે આવે છે. હીરોને એ વિવાહ ન કરવાના હોત તો-તો એ ગીત યોગ્ય હતું, પરંતુ આ તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું હતું. છતાં ઓમ પ્રકાશે ત્યાં આવું દુઃખી ગીત કેમ મૂક્યું હતું એ કોઈને ન સમજાયું. અથવા વાર્તામાં પાછળથી જે આંટી પડવાની હતી એની અપેક્ષાએ આ ગીત અહીં મૂક્યું હતું તો દર્શકોને એ ઇશારો સાવ ઉપરથી ગયો હતો.
એવું જ સુંદર કવિતાવાળું ગીત ‘ખત લિખ દે સાવરિયાં કે નામ બાબુ...’ હતું. આનંદ બક્ષી પર તુકબંદીનો આરોપ છે અને કદાચ એ કંઈક અંશે સાચો પણ હશે, કારણ કે ‘ધંધા’ની ડિમાન્ડ મુજબ તેઓ જથ્થાબંધ ગીતોનો ઘાણ ઉતારતા હતા, પરંતુ તેમને કવિતાની પણ કેટલી સમજ હતી એની બીજી સાબિતી આ ગીત છે. તેઓ ગીતમાં કેવી અફલાતૂન કલ્પના કરે છે એ જુઓ. પ્રેમિકા પ્રેમીના વિરહમાં છે. તેનો અતોપતો નથી. તે પ્રેમીને નામ કાગળ લખાવે છે. એમાં શું લખવાનું? પ્રેમિકા કહે છે...
ખત લિખ દે સાંવરિયાં કે નામ બાબુ
કોરે કાગઝ પે લિખ દે સલામ બાબુ
વો માન જાએંગે, પહચાન જાએંગે
કૈસે હોતી હૈ સુબહ સે શામ બાબુ
કશું ના લખીશ, કોરા કાગળ પર ખાલી સલામ લખી દે, એ વાંચીને માની જશે, સમજી જશે કે મારો દિવસ કેવો ખરાબ જાય છે!
‘આયે દિન બહાર કે’ બહુ મહાન તો નહીં, પરંતુ સુંદર ફિલ્મ હતી.
એમાં હીમૅન ધર્મેન્દ્ર અને નાજુક-નમણી આશા પારેખની કેમિસ્ટ્રી ફિલ્મના લોકેશન દાર્જીલિંગ જેવી જ તાજગીભરી હતી. એને અનુરૂપ એનું સંગીત અફલાતૂન હતું. જે. ઓમ પ્રકાશ સંગીતથી એટલા ખુશ થયા હતા કે તેમણે મોહનકુમાર, સુબોધ મુખરજી, મોહન સેહગલ, શક્તિ સામંત, જી. પી. સિપ્પી અને અન્ય નિર્માતાઓના બનેલા યુનાઇટેડ પ્રોડ્યુસર્સમાં લક્ષ્મી-પ્યારેની ઓળખાણ કરાવી હતી. ત્યાંથી લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતની બહાર આવી અને ત્યાંથી જ શંકર-જયકિશનના સંગીતના બગીચામાં વીરાની છવાઈ.
લક્ષ્મી-પ્યારેની ધૂનનું રહસ્ય...
હું ૧૯૬૬થી તેમની સાથે હતો. લક્ષ્મીકાંત-પ્યારેલાલ પાસેથી દરેકને એ શીખવા મળે કે સંગીત કેવી રીતે બને. એલ-પીને સ્પષ્ટ અને સૂક્ષ્મ રીતે એ ખબર રહેતી કે લતાજીએ ક્યાં કેવી હરકત લેવી અને કયા શબ્દ પર ભાર મૂકવો. લતાબાઈને તેઓ એક-એક મુદ્દો સમજાવતા. મોટા ભાગના બીજા સંગીતકારો આખું ગીત ગાઈ જતા અને ગાયક કલાકાર એમાંથી જે ઇચ્છે એ લઈ લે અને ગાયનમાં ઉપયોગ કરે, પણ એલ-પી એ બાબતમાં કડક હતા, ‘મારે આવું ખાવાનું જોઈએ છે અને બરાબર ૧૦ વાગ્યે જ જોઈએ છે, આ સ્વીટ ડિશ જોઈએ છે અને ૧૦.૩૦ વાગ્યે જોઈએ છે, પછી કૉફી જોઈએ છે!’ આ કારણથી એલ-પીનાં ગીતો હંમેશાં અલગ, વિશેષ અને અનોખાં હતાં. એલ-પીના સંગીતમાં મૂડનું સખત પાલન કરવું પડતું. પ્યારેલાલ તેમનાં ગીતોની માતા હતા. બંનેએ ક્યારેય ગીતોને હમારા ગાના કહ્યાં નહોતાં, પણ અપના ગાના કહેતા હતા. તમે જો ફિલ્મસંગીતનો અભ્યાસ કરો તો ખબર પડે કે એક જ કમ્પોઝરે અનેક નવા ગાયકોને સફળ બનાવ્યા છે. તમે એવું રેકૉર્ડિંગ જોયું છે જ્યાં સવારે ૪૫-૫૦ સંગીતકારોનું ઑર્કેસ્ટ્રા હોય અને સાંજ સુધીમાં તો એ ૯૦ થઈ જાય? જે કોઈ સંગીતકાર પાસે કામ ન હોય, લક્ષ્મી-પ્યારે તેને તેમના ઑર્કેસ્ટ્રામાં બેસાડતા. શંકર-જયકિશનનું પણ એવું જ હતું, પણ એલ-પીને ત્યાં તો જાણે મેળો ભરાતો.’
અમર હલ્દીપુર, રાજીવ વિજયકરના પુસ્તક ‘મ્યુઝિક બાય લક્ષ્મીકાંત-પ્યારેલાલ’માં