07 June, 2022 11:04 AM IST | Mumbai | Rashmin Shah
યોગા સે ઝરૂર હોગા
કોવિડ પછી શરૂ થયેલા અસ્થમામાં યોગાભ્યાસોથી ભરપૂર ફાયદો મેળવનારી જાણીતી અભિનેત્રી હુનર ગાંધી આ સલાહ આપે છે. ‘કહાની ઘર ઘર કી’, ‘છલઃ શેહ ઓર માત’, ‘એક બુંદ ઇશ્ક’, ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘મુક્તિ બંધન’, ‘દેહલીઝ’ જેવી સિરિયલો અને અત્યારે સ્ટાર ભારત પર ‘તેરા મેરા સાથ રહે’ માં દેખાતી હુનરે પોતાની ફિટનેસને ઉપરથી નીચે અને ફરી નીચેથી ઉપર જતી જોઈ છે
રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
ટિપિકલ પંજાબી ફૅમિલીમાં ઊછરેલી છું. મારા ઘરે એક્સરસાઇઝ તો છોડો, પણ સામાન્ય વૉક કરવાની આદત પણ ક્યારય કોઈને નહોતી અને એ બધા વચ્ચે પણ મારા સ્કૂલના દિવસોમાં જ મને રનિંગ અને વૉકિંગની આદત પડી. સ્કૂલમાં ઍથ્લીટ તરીકે મેં ઘણીબધી રેસમાં મેં ભાગ લીધો છે. દસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર હું ભાગી શકતી. સ્ટૅમિના મારો સારો છે પહેલાંથી જ કાર્ડિયોમાં. જોકે કોવિડમાં આખી વાત બગડી ગઈ.
કોવિડે મારી હાલત કેવી રીતે બગાડી એની વાત તમને કહું.
દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ એટલે મુંબઈના ભેજવાળા વાતાવરણને કારણે મને સાયનસનો પ્રૉબ્લેમ શરૂ થયો. ધીમે-ધીમે એની સાથે જીવવાનું પણ શરૂ કર્યું પણ કોરોના થયા પછી સાયનસને કારણે મને થોડીક વધુ તકલીફ થઈ અને એમાં જ પર્મનન્ટ લેવલ પર અસ્થમાની સમસ્યા આવી. જોકે ડૉક્ટરના કહેવા મુજબ મારી ઉંમરને કારણે એ અસ્થમામાંથી રિકવરી થવાના ચાન્સ સારા છે. અસ્થમા પહેલાં તો હું રનિંગ, બ્રિસ્ક વૉકિંગ જેવી કાર્ડિયો એક્સરસાઇઝ જ પ્રિફર કરતી હતી, પણ કોવિડ પછી પાંચ મિનિટ પણ એકધારું ચાલવું પડે તો હું હાંફી જતી. શૂટિંગ પર એકસામટું વધારે બોલવાનું આવે તો મને શ્વાસ ચડતો. સ્થિતિ એવી કે ડૉક્ટરે મને ઇન્હેલર સાથે રાખવાની સલાહ આપી અને મારે એનો ફ્રીક્વન્ટ્લી ઉપયોગ પણ કરવો પડતો. જોકે એ પછી યોગ મારા જીવનમાં આવ્યા અને સાચું કહું છું કે મેં યોગનું મૅજિક લિટરલી ફીલ કર્યું.
વાત, ઓવરઑલ હેલ્થની | યોગ તમારી ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પર પણ ખૂબ સરસ કામ કરે છે. મારાં ફેફસાં નબળાં પડી ગયાં હતાં એટલે ડૉક્ટરોએ જ મને બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાની સલાહ આપેલી. કોવિડ પછી મેં એ શરૂ કર્યું. અસ્થમામાં તમારા ફેફસાના સ્નાયુઓ પણ થોડાક સ્ટિફ થઈ જતા હોય છે, જેને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે. યોગાસનોથી મારી ફ્લેક્સિબિલિટી વધી.
અસ્થમામાં ઉપયોગી નીવડે એવાં આસનો અને બ્રીધિંગ એક્સરસાઇઝની પૉઝિટિવ અસર મારા પર પડી. આ બધાને કારણે મારી મનની સ્થિરતા આવી તો સાથે જ બ્રીધિંગ કૅપેસિટી વધતી ગઈ. હવે હું અડધો કલાક બરાબર રનિંગ કરી શકું છું. હવે પહેલાંની સરખામણીએ મારી કૅપેસિટી ખૂબ વધી છે. આ સમયગાળામાં એટલું તો બરાબર સમજી ગઈ કે તમે જો મેન્ટલી સ્ટ્રૉન્ગ હશો તો ફિઝિકલ સ્ટ્રેંગ્થ માટે તમે કામ કરી શકશો પણ જો તમે મેન્ટલી વીક હશો તો ફિઝકલ હેલ્થ માટેની એકેય બાબતને લાંબા સમય માટે સસ્ટેઇન નહીં કરી શકો. ઝીરો ફીગર એ ફિટનેસ નથી પણ તન અને મનથી હેલ્ધી હોવું એ ફિટનેસ છે. મારા માટે યોગ વરદાન બનીને આવ્યા છે આ ગાળામાં. મારા જીવનને તેણે અદ્ભુત રીતે બદલી નાખ્યું. હવે તો હું દરેકને એ જ કહીશ કે યોગથી બધું જ સંભવ છે.
હું ફૂડી તો છું પણ... | હજી ગયા અઠવાડિયે જ હું દિલ્હી જઈ આવી અને તમને ખબર છે કે દિલ્હીમાં લૅન્ડ થયા પછી મેં પહેલું કામ શું કર્યું? છોલે-ભટૂરે ખાવાનું.
હું ખાવાની શોખીન છું. મીઠાઈમાં ગુજિયા મારા પ્રિય તો કેક અને પેસ્ટ્રીઝ પણ ખૂબ ભાવે અને એ પછી પણ કહીશ કે મારો ખાવા પર કન્ટ્રોલ છે. જનરલી મારો બ્રેકફાસ્ટ હેવી હોય જેમાં બધા જ પ્રકારનાં ન્યુટ્રિશન્સ મળી રહે એવી આઇટમ તો હોય જ હોય. હેલ્ધી અને લિમિટેડ ઑઇલમાં મારું ખાવાનું હું બનાવું. મારી એક જ આદત એવી છે જેની વાત કોઈ પણ ચાના પ્રેમીને સમજાશે. દિવસમાં મારી એક ચા ફિક્સ અને એમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નહીં, પણ એ સિવાય બાકી બધામાં ફુલ કન્ટ્રોલ. હેવી બ્રેકફાસ્ટ પછી શૂટિંગ પર મોટા ભાગે હું કંઈ ન ખાઉં. બહુ જ ભૂખ હોય તો ડ્રાયફ્રૂટ્સ ચાલી જાય. રાતે ડિનરમાં કીન્વા કે દલિયા વેજિટેબલ્સ સાથે હોય.
આસન-પ્રાણાયામની પૉઝિટિવ અસર મારા પર પડી છે. છેલ્લે મને અસ્થમાને કારણે શ્વાસ લેવામાં ક્યારે તકલીફ પડેલી એ યાદ નથી. - હુનર ગાંધી
ગોલ્ડન વર્ડ્સ
મારા ફાધરના શબ્દો છે કે દયા તો તમારી કોઈ પણ ખાઈ શકશે પણ ઈર્ષ્યા તમારે કમાવવી પડે. આ વાત હેલ્થની બાબતમાં પણ એકદમ લાગુ પડે છે.