07 June, 2022 11:46 AM IST | Mumbai | Rashmin Shah
રૉન્ગ નંબર
લતિકાએ રૂમની મધ્યમાં આવીને નજર રૂમમાં ફેરવી.
આ સંજોગોમાં ઉપયોગી કહેવાય એવું રૂમમાં કશું નહોતું. ક્રૂડ ભરવાનાં મોટાં બૅરલ, ટ્રકમાંથી કાઢી નાખવામાં આવેલાં ટાયર, લાકડાના મોટા ટુકડા અને એવો જ બધો રદ્દી સામાન રૂમમાં હતો. એક ખૂણામાં ટેબલ હતું અને આ ટેબલ સામે જર્જરિત ખુરસી હતી. બારીનો પ્રકાશ સીધો એ ટેબલ પર પડતો હતો.
લતિકા દબાતા પગલે એ ટેબલ પાસે આવી.
ટેબલની જમણી અને ડાબી બાજુએ ડ્રૉઅર હતાં, લતિકાએ ઘૂંટણભેર બેસીને ડ્રૉઅર ખોલવાની ટ્રાય કરી.
જમણી બાજુનું ડ્રૉઅર જૅમ થઈ ગયું હતું. લતિકાએ એ જ ડ્રૉઅરની નીચે આવેલું બીજું ડ્રૉઅર ખેંચ્યું.
ખણણણ...
ડ્રૉઅર ખૂલતાંની સાથે જ અવાજ આવ્યો.
લતિકા ગભરાઈ ગઈ. તે ટેબલના ચાર પાયા વચ્ચે સંતાઈ ગઈ.
એક... બે... ત્રણ... મિનિટ...
બહારથી કોઈ સળવળાટ થયો નહીં એટલે લતિકા ટેબલ નીચેથી બહાર આવી.
જમણી બાજુના ડ્રૉઅરમાં મેકૅનિકને કામ લાગે એવાં ઓજાર હતાં, જેને લીધે અવાજ આવ્યો હતો.
એ ઓજાર લતિકાને અત્યારે કામ લાગે એમ નહોતાં. તેણે તરત ડાબી બાજુનું નીચેનું ડ્રૉઅર ખોલ્યું.
ઘરરરર...
ફરી અવાજ આવ્યો, પણ આ વખતે કોઈ ભારે વસ્તુ અંદર હોય એવો સૂર આવ્યો.
એકાદ મિનિટ છુપાઈ રહ્યા પછી લતિકાએ ટેબલ નીચેથી બહાર આવીને ડ્રૉઅરમાં હાથ નાખ્યો.
ઓહ...
હાથના સ્પર્શથી જ તેને અંદાજ આવી ગયો કે એ મોબાઇલ છે.
લતિકાએ મોબાઇલ બહાર કાઢી લીધો. મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતો. તેના હાથ તરત જ સ્વિચ્ડ-ઑન કરવામાં લાગ્યા અને મન પ્રાર્થના કરવામાં.
‘વિઘ્નહર્તા, મોબાઇલ ચાલુ હોય અને મને બહાર લઈ જવામાં હેલ્પફુલ થાય તો સાત મંગળવાર ઉઘાડા પગે તારાં દર્શન કરવા આવીશ.’
સિદ્ધિવિનાયક પણ લતિકાની પ્રાર્થના સાંભળવાના મૂડમાં હતા.
lll
મને આ ઘટના વિશે ખબર નહોતી એ સ્વાભાવિક હતું. હું તો મારા રજાના મૂડમાં જતો હતો. જરા ટેન્શન હતું, પણ એ ટેન્શન માત્ર મોબાઇલને કારણે હતું અને હવે તો એ ટેન્શન પણ મેં મનમાંથી કાઢવાનું શરૂ કરી દીધું હતું. હું મનને અંજની તરફ વાળતો હતો ત્યાં જ મને કોઈકનો ફોન આવ્યો ઃ ‘હું કિડનૅપ થઈ છું.’
‘આવી તે કંઈ મસ્તી હોતી હશે?!’
lll
- થૅન્ક ગૉડ...
મોબાઇલ સ્વિચ્ડ-ઑન થતાં જ લતિકાના ધબકારા વધ્યા. તેણે તરત વિકાસનો નંબર ડાયલ કર્યો.
‘આપના મોબાઇલમાં આ સુવિધા નથી.’
મોબાઇલ ઑપરેટરે પ્રી-રેકૉર્ડેડ ઑડિયો સંભળાવ્યો એટલે લતિકાએ તરત નંબર રીડાયલ કર્યો, પણ ફરી એ જ અવાજ ઃ ‘આપના મોબાઇલમાં આ સુવિધા નથી.’
ફરી એ જ અવાજ.
લતિકાએ પોતાની ફ્રેન્ડનો નંબર ડાયલ કર્યો.
‘આપના મોબાઇલમાં...’
લતિકાએ મોબાઇલ કટ કરી ટૂંકો રસ્તો અપનાવ્યો.
‘૧૦૦ ઇમર્જન્સી નંબર તો લાગે જને.’
ટ્રિન... ટ્રિન...
સામેથી કોઈએ ફોન ઉપાડ્યો પણ જેવું લતિકાએ કહ્યું કે ‘મને કિડનૅપ કરી છે’ કે તરત ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. પહેલાં હસવાનો અવાજ અને પછી ફોન કટ થયાનો બેસૂરો ટોન.
લતિકાએ બીજી વાર ૧૦૦ નંબર પર ફોન કર્યો.
‘હેલો, પોલીસ-કન્ટ્રોલ...’
‘હા, અપહરણવાલાં બહેન...’
લતિકાએ તેને સમજાવવાની ટ્રાય કરી, પણ સામેની વ્યક્તિ તેની વાત માનવા તૈયાર જ નહોતી.
‘જુઓ બહેન, હમણાં ૧૨ વાગ્યે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મુંબઈ આવે છે. આવી મજાકને લીધે તમે અરેસ્ટ પણ થઈ શકો છો...’
‘હા તો કરો અરેસ્ટ.’ લતિકા ઉશ્કેરાઈ ગઈ, ‘અરેસ્ટ કરવા માટે પણ મને છોડાવવી પડશે.’
સામેથી ફોન કટ થઈ ગયો.
‘હવે, હવે શું કરવું?’
બીજા કોઈને ફોન લાગતા નથી અને પોલીસ વાત માનવા તૈયાર નથી.
અચાનક લતિકાને મોબાઇલની ફોન-બુક જોવાનો વિચાર આવ્યો અને તેણે મેનુમાં જઈ ફોન-બુક ખોલી.
મોબાઇલમાં એક જ નંબર હતો.
લતિકાએ લાંબો વિચાર્યા કર્યા વિના એ નંબર ડાયલ કર્યો.
ટ્રિન... ટ્રિન...
- ‘અરે, આમાં તો રિંગ જાય છે.’
લતિકાને ખબર નહોતી કે એ જે સિમ કાર્ડથી ફોન કરતી હતી એ સિમ કાર્ડમાં ફિક્સ નંબર ડાઇલનો ઑપ્શન ઍક્ટિવેટ હતો અને એને લીધે કૉલ હવે એવા નંબર પર જતો હતો જે નંબર એક સમયે આ ગૅન્ગના મેમ્બરનો હતો.
‘હેલો...’
‘હેલો, હું કિડનૅપ થઈ છું...’
સામેથી અવાજ આવ્યો કે તરત લતિકા કહ્યું અને જેવું મને એ સંભળાયું કે મારાથી ખડખડાટ હસી પડાયું. સાચું કહું, તમને ફોન પર કોઈ આવું કહે ત્યારે તમારું શું રીઍક્શન હોય?!
‘હું મજાક નથી કરતી... પ્લીઝ...’
‘હું પણ તમને સિરિયસલી જ સાંભળું છું...’ મેં મહામુશ્કેલીએ હસવું રોક્યું હતું, ‘તમે કહો છો કે મારું કિડનૅપ થયું છે અને તમારી વાત પર હસું તો એ કેવું ખરાબ કહેવાય.’
‘પ્લીઝ...’ સામેથી આવતો અવાજ દબાયેલો હતો, ‘તમે મને હેલ્પ કરોને. નજીકના પોલીસ-સ્ટેશન જઈને મારી વાત કરાવોને.’
‘તમારી પાસે ફોન છેને. તમે જાતે જ ૧૦૦ નંબર પર વાત કરીને કહી દોને...’
‘હું વાત લંબાવતો હતો, જેથી મને અવાજ ઓળખવાનો ચાન્સ મળી જાય. મને ખાતરી હતી કે આ મસ્તી મારો જ કોઈક ફ્રેન્ડ કરે છે કે કરાવે છે. મને ખબર હતી બધાં એકઠાં થઈને મારા બગડેલા મોબાઇલ ડિસ્પ્લેનો લાભ લે છે.’
‘પ્લીઝ, તમે પોલીસને જાણ કરોને...’
‘શ્યૉર, હમણાં જઈને પોલીસ-કમિશનરને મળી આવું. ઓકે?’
‘બી સિરિયસ પ્લીઝ...’
‘એય ચૂપ...’ હવે વધુ મજાક સહન થતી નહોતી. હું તાડૂક્યો, ‘મૂક ફોન અને સાંભળ, આજુબાજુમાં જે છે તેને કહી દે કે મને લલ્લુ બનાવવાનું ઈઝી નથી...’
મેં મોબાઇલ કટ કર્યો.
મારે હજી બ્રેડ લેવાની હતી. બેકરી કે પ્રોવિઝન સ્ટોર માટે મેં બહાર નજર કરી.
‘સાલા, હરામીઓ...’
દિમાગમાં હજીયે પેલો ફોન ચાલતો હતો. મને બધા પર ગુસ્સો આવતો હતો. મનમાં આ ગુસ્સો ચાલુ જ હતો અને ત્યાં મારા કાને અવાજ પડ્યો,
ટ્રિન... ટ્રિન...
મેં મોબાઇલ કટ કર્યો અને એ પછી પણ સતત પેલી બેસુરી ઘંટડી વાગતી રહી. એ તરફ ધ્યાન નહીં આપવાનું નક્કી કરીને હું રસ્તા પર નજર રાખીને ગાડી ચલાવતો રહ્યો.
lll
‘તેરે બિન કૈસે જિયા તેરે બિન
લેકર યાદ તેરી રાત મેરી કટી...’
બાર વાર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યા પછી પણ અંજનીનો ફોન આવ્યો,
‘હા બોલ...’
‘શું બોલ...’ અંજનીએ નૉટી-સ્ટાઇલથી કહ્યું, ‘આખો દિવસ એ જ દેખાય છે.’
‘કેમ, અત્યારે એકાએક આવી વાતો સૂઝે છે?’ મને એ વાતમાં રસ હતો કે મારી સાથે મજાક કોણ કરતું હતું, ‘પેલા નંબર પરથી ફોન નથી ઉપાડતો એટલે હવે મીઠી-મીઠી વાતો યાદ આવે છે?’
‘વૉટ નૉનસેન્સ...’ અંજની ફૂટી, ‘સવાર-સવારમાં દારૂ પીને નીકળ્યો છો?’
‘મેં નહીં, તમે...’ અવાજમાં એકાએક નરમાશ લાવીને મેં કહ્યું, ‘અંજની, હું કિડનૅપ થયો છું...’
‘હાહાહા...’
સામેથી અંજનીએ કોઈ જવાબ આપ્યો નહીં એટલે હું હસી પડ્યો.
‘શું આવી ગાંડા જેવી મજાક કરે છે?!’
‘હું નહીં, તું... રાધર તમે બધાંએ મજાક ચાલુ કરી.’
‘એય, એક મિનિટ, અમે એટલે કોણ...’
અંજનીનો અવાજ ગંભીર હતો. કાં તો તે ખરેખર બહુ સારી ઍક્ટ્રેસ હતી અને કાં તો મારાથી ફાચર લાગી હતી.
‘લિસન, ગૉડ પ્રૉમિસ, અહીં મારા સિવાય કોઈ નથી. મેં ફોન એ કહેવા માટે કર્યો કે હું શાવર લેવા જાઉં છું, આવીને બેલ પર ચડી નહીં બેસતો...’
ટીડીડી... ટીડીડી...
મોબાઇલની સેકન્ડ-લાઇન પર ફોન આવવાનો ટોન સંભળાયો.
‘પણ અંજની...’ મેં ભારપૂર્વક તેને પૂછ્યું, ‘તને ખરેખર ખબર નથી કે મને આવો ફોન આવે છે...’
‘ના ગૉડ પ્રૉમિસ...’
‘તો પછી પેલા કિડનૅપિંગવાળા કૉલની પણ તને...’
‘આઇ સેડ, નો...’ અંજની હજી ખોટું બોલતી હોય એ શક્યતા હવે નહીંવત્ હતી, ‘ઍનીવેઝ, હું શાવર લેવા જાઉં છું...’
મેં જવાબ આપ્યા વિના મોબાઇલ કટ કર્યો. જેવો ફોન કટ થયો કે તરત જ સેકન્ડ-લાઇન પર આવતી રિંગ સંભળાઈ.
ટ્રિન... ટ્રિન...
અજાણ્યા નંબર માટે ગોઠવેલી એ જ બેસુરી રિંગ.
‘હવે, હવે શું કરું?’
‘અંજની ખોટું બોલતી હોય એ વાત માનવા હું તૈયાર નથી, તો શું બીજા ફ્રેન્ડ્સ આવી મસ્તી કરે છે?’
‘તમે માનશો નહીં, પણ મેં એકેએક ફ્રેન્ડનો ચહેરો યાદ કરી જોયો, પણ મને કોઈ માટે શંકા નહોતી. અમારા ગ્રુપમાં એક અંજની હતી જે આવાં કારસ્તાન માટે તરત તૈયાર થાય અને તમને કહી દઉં, અંજનીની ખાસિયત પણ હતી. જો સામેની વ્યક્તિને ખબર પડી જાય કે તેની ફિલ્મ ઊતરે છે તો તરત સ્વીકારી પણ લે કે એ કારસ્તાન તેનું છે.’
‘તો પછી આ ફોન કોણ કરે છે?’
‘આ વિચારો ચાલતા હતા એ દરમ્યાન બે વખત ફોન આવ્યા. ફોન કરનારાએ પૂરેપૂરી રિંગ વગાડી હશે એવું હું અનુમાન લગાવી શકું છું.’
‘કોણ હશે આ? શું આ મજાક છે કે પછી ખરેખર કોઈ ફસાયું છે અને મને ફોન કરે છે? જો એવું હોય તો પણ મને શું કામ ફોન કરવાનો?’
‘મુશ્કેલ સમયે પોતાના ઓળખીતાઓને, સગાંવહાલાંઓને ફોન કરવાનો હોય, પોલીસને કૉલ કરે, પણ મને શું કામ અને એ પણ એવી વ્યક્તિ જે મને નથી ઓળખતી અને જેને હું નથી ઓળખતો?’
‘વિચારોના આ વંટોળ વચ્ચે હું ક્યાં પહોંચી ગયો એ પણ મને યાદ નહોતું રહ્યું.’
lll
‘પ્લીઝ, પિક-અપ માય ફોન...’
લતિકા મોબાઇલમાં સ્ટોર થયેલા નંબર પર સતત ફોન કરતી હતી, પણ સામેથી ફોન રિસીવ નહોતો થતો. એક વાર તો લતિકાને પણ વિચાર આવી ગયો હતો કે ‘ક્યાંક આ નંબર ગુંડાઓના જ કોઈ સાથીનો ન હોય.’ જોકે લતિકાએ એ વિચાર દિમાગમાંથી ખંખેરીને મન મનાવી લીધું કે ‘જો એ લોકોના સાથીનો નંબર હોય તો પણ ભલે રહ્યો. અહીંથી નીકળવાની ટ્રાય ચાલુ રાખવી પડશે.’
ટ્રિન... ટ્રિન...
લતિકાએ ફરી પાછો મોબાઇલ કર્યો અને ફોન કરતાં પહેલાં આપોઆપ ભગવાનને પ્રાર્થના પણ થઈ ગઈ.
‘હે ઈશ્વર, આ જેકોઈ છે તેને સદ્બુદ્ધિ આપ. ફોન રિસીવ કરાવ...’
વધુ આવતી કાલે