સ્ત્રી કે પુરુષના સંબંધોની માયાજાળમાં બંધાયા વગર ખુદની સાથે રહી ખુદને ખુશ રાખવાનો આ વિચાર ભલે લગ્નવ્યવસ્થાના પારંપરિક ચોકઠામાં ન બેસતો હોય, આવાં સોલોગૅમી લગ્ન માટે આજના સમયે જુદા-જુદા એજ-ગ્રુપની મહિલાઓ શું વિચારે છે? ચાલો જાણીએ
મારાં મારી સાથે લગ્ન
સોલોગૅમી એટલે ખુદને પરણવું. તાજેતરમાં વડોદરાની ચોવીસ વર્ષની એક યુવતીના સમાચાર સોશ્યલ મીડિયા પર સતત વાઇરલ થઈ રહ્યા છે. ક્ષમા બિન્દુ નામની યુવતી પ્રભુતામાં પગલાં માંડી રહી છે. વેડિંગ કાર્ડ્સ, મેંદી, પીઠી, ફેરા, સિંદૂર જેવાં લગ્નના તમામ રિવાજોને એ રંગેચંગે મનાવવાની છે અને લગ્ન બાદ હનીમૂન પર સુધ્ધાં જવાની છે, પણ એકલી જ! એ જ ખુદની પાર્ટનર. એ પોતાની સાથે જ લગ્ન રચાવી રહી છે! આ પ્રકારનો ઑટોગૅમી કે સેલ્ફ- મૅરેજનો કન્સેપ્ટ વાંચવામાં, સાંભળવામાં અને સ્વીકારવામાં કદાચ અઘરો લાગે. ભારત દેશના કાયદામાં પોતાને પરણવા વિશે કોઈ કાયદો નથી અર્થાત્ તમે ખુદને ન પરણી શકો. વર્ષોથી સમાજમાં ઘર કરી ગયેલી લગ્ન પ્રથાને તોડનારા આ પગલા વિશે જુદા-જુદા એજ ગ્રુપની મહિલાઓ શું વિચારે છે? તેમનો શો અભિપ્રાય છે? આ વાત તેમના ગળે કેટલા અંશે ઊતરે એવી છે? આવો, તેમની સાથે થયેલી ચર્ચામાં શું નવનીત નીકળ્યું એ જાણીએ.
ક્લૅરિટી ઇઝ મસ્ટ
સસ્ટેનેબલ લિવિંગમાં માનતી કાંદિવલીની પચીસ વર્ષની બીજલ બલસારા કહે છે, ‘આપણે ૨૧મી સદીમાં છીએ. રોટી-કપડાં-મકાન જેવી મૂળભૂત જરૂરિયાતો વિશે આપણે ઘણાં વર્ષોથી કામ કરી રહ્યા છીએ અને આજે એ સરળતાથી ઉપલબ્ધ પણ છે. તમારી આસપાસના લોકો સાથેનો તમારો સંબંધ પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે. એ ખરેખર ગર્વ કરવા જેવું છે કે આજની જનરેશન વિવિધ સંબધો માટેની શક્યતાઓને વિચારી શકે છે અને એક્સપ્લોર કરે છે. ફક્ત સ્ત્રી-પુરુષ કે લગ્નના જ નહીં, પણ પેરન્ટ્સ-ચાઇલ્ડ કે અન્ય સંબંધોને પણ વિકસાવવાની જરૂર છે. વર્ષોથી ચાલતી આવનારી માન્યતા જ સાચી એવું વિચારવું યોગ્ય નથી. માનવજીવન મળ્યું છે તો ક્વેશ્ચન કરો અને રી-થિન્ક કરો. એને જડતાથી ન સ્વીકારો. સોલોગૅમી મૅરેજ વિશે મેં આ કિસ્સા થકી જ સાંભળ્યું. જાતનું વિશ્લેષણ કરતી આ અદ્ભુત વાત છે. જ્યાં સુધી તમે કોઈ બીજાને હર્ટ નથી કરતા તો એમાં બિલકુલ ખોટું નથી.સોલોગૅમી જેવો પૉલિએમરી કન્સેપ્ટ છે. પૉલિએમરીમાં તમારા મલ્ટિપલ પાર્ટનર હોઈ શકે. તમારી ઇમોશનલ, ક્રીએટિવ જેવી જુદી જરૂરિયાત માટે જુદા-જુદા ફ્રેન્ડ હોય એવી જ રીતે એમાં તમે એકથી વધુ પાર્ટનર સાથે ઇન્વૉલ્વ્ડ હો, પણ પ્રામાણિકતાથી. એટલે બધા પાર્ટનરને એકબીજા વિશેની જાણ હોય છે. સેલ્ફ-પાર્ટનર થાઓ કે મલ્ટિપલ પાર્ટનર વિશે વિચારો. બૉટમ લાઇન એ છે કે તમે જે કંઈ કરો એ માટે તમારા મનમાં ક્લૅરિટી હોવી જોઈએ. લવ ઇઝ લવ. જ્યાં સુધી મૅનિપ્યુલેટિવ વિચાર ન હોય ત્યાં સુધી પોતાને કે બીજાને પ્રેમ કરો એમાં કશું ખોટું નથી.’
કુદરતમાં લગ્નનું મહત્ત્વ નથી
પરંપરાથી અલગ અને કશું નવું થાય ત્યારે થોડું વિચિત્ર લાગે. મોનોગૅમી એટલે એક સાથે લગ્ન, પૉલિગૅમી એટલે મલ્ટિપલ પાર્ટનર એવી જ રીતે સોલોગૅમી કન્સેપ્ટ એટલે જાત સાથે કમિટમેન્ટ. એક કંપનીમાં ઉચ્ચ હોદ્દો સંભાળતી જોગેશ્વરીની હેતલ ઠક્કર કહે છે, ‘આજકાલ સોલો ટ્રિપનો ટ્રેન્ડ છે, એવી જ રીતે સોલોગૅમી કન્સેપ્ટ આવી શકે. લગ્નનો અર્થ બે વ્યક્તિનો મેળાપ હોય. આ છોકરીને દુલ્હન બનવું છે, લગ્ન કરવાં છે, પણ કોઈની પત્ની નથી બનવું. કદાચ પબ્લિસિટી સ્ટન્ટ હોઈ શકે, પણ કોઈને જજ ન કરીએ. એના મનને-વિચારોને સમજવાની કોશિશ કરીએ તો લાગે કે એની આસપાસના વાતાવરણ કે એની અંદર રચાતા વિચારોથી જ આ બાબતે આકાર લીધો હશે. એને રિવાજોમાં રસ હશે, પણ માણસમાં કે લગ્નસંસ્થા પર ભરોસો નહીં હોય. લૉજિકલી જોઈએ તો કુદરતમાં લગ્ન શબ્દનું મહત્ત્વ નથી. ઍનિમલ કિંગડમમાં લગ્ન શબ્દ આવતો જ નથી. એ માણસજાતે ઉત્પન્ન કરેલી વ્યવસ્થા છે. આ બંધનની વ્યવસ્થા સ્થિરતા લાવવા માટે થઈ છે. જોકે હું સેલ્ફ-મૅરેજમાં નહીં, લગ્નપ્રથામાં દૃઢપણે વિશ્વાસ કરું છું.’
એકલા જીવાય નહીં
નાની-દાદી બનીને ગયેલાં અને લગ્નજીવનની સાર્થકતા અનુભવી ચૂકેલાં સિક્કાનગરનાં જ્યોતિ દેસાઈ કહે છે, ‘પહેલાંના જમાનામાં પરણીને સાસરે જઈ ઘર સંભાળવાની વાતને પ્રાધાન્ય અપાતું અને એ રીતે જ છોકરીનો ઉછેર થતો. લગ્નના લાડુ ખાય એ પસ્તાય અને ન ખાનારાય પસ્તાય. છતાં લગ્નમાં સહવાસ અને સહજીવનનો અનેરો આનંદ છે. આજે નવા વિચારોનો જમાનો છે. અને એ પણ બરાબર જ છે. આજે છોકરીઓ ભણે છે, કમાય છે એટલે સ્વતંત્ર રહેવા કટિબદ્ધ છે. બન્ને સમોવડિયાં બન્યાં છે. છતાં ઈશ્વરે સ્ત્રી-પુરુષ બે જુદાં વ્યક્તિત્વનું સર્જન અમસ્તું નહીં કર્યું હોય. લગ્નસંસ્થાની વર્ષો જૂની પરિભાષા અકારણ ન જ ઘડાઈ હોય. લગ્નસંસ્થા અટકે તો વંશવેલો આગળ ન વધે. શારીરિક રચના પ્રમાણે પુરુષ બળવાન અને સ્ત્રી નાજુક છે. એકલા જીવી શકવાની વાતો યંગ એજમાં સારી લાગે, પણ હકીકત એ છે કે તમે મોટા થાઓ એમ પાર્ટનરની હૂંફ અને સથવારાની વધુ જરૂર પડે. જેમ એકલા ખવાતું નથી એમ એકલા જીવાતું પણ નથી. જિંદગીની સેકન્ડ ઇનિંગ ખાસ માણવાની અને એકબીજાના પૂરક બની રહેવાની હોય છે.’
પ્રેરણા લેવા જેવી વાત
કાંદિવલીની મિડલ એજ વર્કિંગ વુમન મમતા શાહ કહે છે, ‘સાંભળવામાં અજીબ છતાં ઍડ્વાઇઝેબલ કન્સેપ્ટ કહી શકાય. આઇડિયલ લાઇફ પાર્નટર ન મળે ત્યારે જિંદગી ખરાબ થઈ જતી હોય છે. તમે તમારા જ પાર્ટનર હો ત્યારે વધારાની કોઈ પણ જવાબદારી વગર તમે જાત પર વધુ સારી રીતે ફોકસ કરી શકો છો. કોઈ બીજું તમને દુઃખ પહોંચાડી જ ન શકે. સ્વતંત્ર રહેવા તેમ જ અમુક પ્રકારના સામાજિક સ્ટ્રેસથી બચવાનું બેસ્ટ સોલ્યુશન સેલ્ફ-મૅરેજ કહી શકાય. મને કદાચ આ વિકલ્પ પહેલા મળ્યો હોત અથવા વિચાર્યો હોત તો હું ચોક્કસ એ માટે પ્રેરણા લેત. સેલ્ફ લવ ઇઝ ધ બેસ્ટ લવ. તમારી જરૂરિયાતો પૂરી કરવા તમે સક્ષમ હો તો તમને પુરુષની જરૂર નથી પડતી. હૂંફ, કાળજી, પ્રેમ જેવી લાગણીઓ તમને મિત્રો પાસે મળી રહે છે અને એનાથી મૅનેજ કરી શકાય છે. આ યુવતીનું પગલું સરાહનીય છે.’
પ્રામાણિકતા સાથે જ પણ દુનિયાથી અલગ, પરંપરાથી અલગ જીવવાની લિબર્ટી હોવી જોઈએ. બીજલ કહે છે, ‘જડ અને રૂઢિગત પરંપરાને તોડવી ડિફિકલ્ટ છે. દરેકને સપોર્ટ સિસ્ટમ જોઈએ જ. લડત તો ડગલેને પગલે રહે જ છે. નવી વાત પચાવવી અઘરી છે, પણ લોકોએ બદલાવું તો પડશે જ. લોકો શું વિચારશે અને આપણી વાત ક્યારે સ્વીકારશે એમાં આપણું જીવવાનું બંધ ન જ કરી શકાય. ’
લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માગતી હોય કે રૂઢિગત પરંપરાને તોડવા માગતી હોય અને કાયદાની દૃષ્ટિએ સહી-ગલતની વાત જવા દઈએ તો એક વાત નક્કી છે કે સોલોગૅમી મૅરેજ એ કોઈ વિકૃતિ નથી.
આજે સ્ત્રી-પુરુષ બન્ને સમોવડિયાં બન્યાં છે. ઈશ્વરે સ્ત્રી-પુરુષ બે જુદાં વ્યક્તિત્વનું સર્જન અમસ્તું નહીં કર્યું હોય. લગ્નસંસ્થાની વર્ષો જૂની પરિભાષા એમ કંઈ સાવ અકારણ ન જ ઘડાઈ હોય.
જ્યોતિ દેસાઈ
લગ્ન એ લૉન્ગ ટર્મ કમિટમેન્ટ છે. કોઈ સ્ત્રી કે પુરુષ સાથે નહીં, પણ પોતાની સાથે જ
આવી વિચારસરણી પાછળ કઈ બાબત કામ કરી જાય છે એ વિશે કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ નેહલ ગાંધી કહે છે, ‘આ વ્યક્તિગત બાબત છે અને વ્યક્તિના પોતાના વિચારો છે કે એ મૅરેજ માટે શું માને છે. લગ્ન સમાજે ઘડેલી પ્રથા છે જેમાં તમને એકબીજાની કંપની મળે, તમે એકમેકના પૂરક બની જરૂરિયાતોને પૂરી કરો. પણ આ સ્વતંત્ર યુગ છે. એક સેલ્ફ-સફિશિયન્ટ વ્યક્તિ કોઈ બંધનમાં બંધાયા વગર, સ્ત્રી કે પુરુષના સંબંધોની માયાજાળમાં જોડાયા વગર ખુદની સાથે ખુશ રાખવા ઇચ્છે છે. જોકે પછી એક મુદ્દો એ આવે છે કે આ બધું તો કોઈ લગ્ન ન કરીને પણ જીવી જ શકે ને? તો એની પાછળ પણ અમુક બાબત ભાગ ભજવતી હોઈ શકે. મોટા ભાગનાં ઘરોમાં છોકરીનો જન્મ થાય ત્યારથી એની આસપાસના વાતાવરણમાં લગ્ન, ફેરા, દુલ્હન, ધામધૂમ, ઠાઠમાઠ જેવી અનેક બાબતો જોડાતી રહેતી હોય છે. ટૂંકમાં ટ્રેડિશનલ સેરિમની કરવાનો ઉત્સાહ. બાકી લગ્ન એ લૉન્ગ ટર્મ કમિટમેન્ટ છે. કોઈ સ્ત્રી કે પુરુષ સાથે નહીં, પણ પોતાની સાથે જ. આ યુવતી જે કરી રહી છે એ એક ઇનોવેટિવ મુદ્દો છે એટલે સોશ્યલ મીડિયા પર ગજવાઈ એવું શક્ય છે; બાકી આ પબ્લિસિટી સ્ટન્ટ નથી.’