07 June, 2022 10:22 AM IST | Mumbai | Manoj Joshi
પ્રતીકાત્મક તસવીર
હમણાં થોડા સમયથી ફરીથી દરરોજ ન્યુઝપેપરની હેડલાઇનમાં કાશ્મીર ચમકવા માંડ્યું છે. હૅન્ડગ્રેનેડને લીધે ઘરોને થયેલા નુકસાનના ફોટોગ્રાફ પણ છપાય છે અને એનાં વિઝ્યુઅલ જોવાં હોય તો એ પણ ટીવી-ચૅનલ દેખાડ્યા કરે છે. પાકિસ્તાન પાસેથી ઝેરનું ઓસામણ પીને મેદાનમાં ઊતરવાનું દુઃસાહસ કરનારાઓ ફરી જાત પર ઊતરી આવ્યા છે. કાશ્મીર જે રીતે શાંત પડી રહ્યું હતું અને જે પ્રકારે ફરી એક વાર કાશ્મીરમાં નવેસરથી હત્યા શરૂ થઈ છે એ જોતાં કહેવાનું મન થાય કે ફરી એક વાર સમય આવી ગયો છે કેસરિયા કરવાનો, જરૂર છે વધુ એક સર્જિકલ સ્ટ્રાઇકની. સાહેબ, કેટલો વખત આમ જ સહન કર્યા કરીશું. ગધેડાને અમુક સમયે તમારે ડફણાં મારવાં જ પડે. ડફણાં નહીં મારીને માણસાઈ ત્યાં દેખાડવાની હોય જ્યાં માણસાઈનું મૂલ્ય હોય. કૉન્ગ્રેસના પાપે પોણી સદીથી પણ વધારે સમય આ પરિસ્થિતિમાં કાઢ્યો અને આપણો સ્વર્ગ જેવો પ્રદેશ કાશ્મીર રક્તરંજિત કર્યો, પણ હવે નહીં, બહુ થયું હવે, હવે હદ થાય છે અને આ હદનો જવાબ પણ આપવાનો સમય આવી ગયો છે.
પાકિસ્તાનનું પેલા કૂતરા જેવું છે, જેની પૂંછડી ક્યારેય સીધી નથી થતી અને થવાની પણ નથી. એને માર ખાવાની આદત છે અને માર ખાવાની આ આદત પરથી જ પેલા ક્રિમિનલ પણ યાદ આવી ગયા, જેને પોલીસની લાઠી ખાય નહીં તો ખાવાનું હજમ ન થતું હોય. એક વખત મેં આવું એક દૃશ્ય જોયું હતું, જેમાં એક ગુનેગારને ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં માર મારવામાં આવતો હતો. તેને મારવામાં આવતી રીત જોઈને ખરેખર મારાં-તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય. મોઢામાંથી સિસકારા અને આંખમાંથી આંસુડાં સરી પડે. પોલીસવાળાના હાથ અને બાવડામાં સબાકા નીકળવા માંડે છતાં પેલા ગુંડાને અસર પણ ન થાય. પોલીસ મારતો હોય ત્યારે મવાલી માર ખાતાં-ખાતાં પણ એમ કહે કે સાહેબ, ડાબા પગ પર મારોને, એ દુખે છે. આ હકીકત છે અને આ દૃશ્ય મેં નરી આંખે જોયું છે. આ દૃશ્ય જોયા પછી થર્ડ ડિગ્રી આપનારા પોલીસ-કર્મચારીઓ પર પણ દયા આવવા માંડી હતી. પાકિસ્તાન આ આરોપીઓ કરતાં પણ વધારે હરામખોર છે, હલકટ છે. એને સીધું કરવા માટે અને એને રાતા પાણીએ રોવડાવવા માટે હવે કમર કસવી જોઈશે અને બાવડાં મજબૂત કરવાં પડે. શું આપણે દરરોજ સવારે આપણા જ દેશના એક ભાગમાં થયેલી ખૂનામારકી જ જોતા રહેવાની, એમાં માર્યા ગયા હોય એના આંકડા જ ગણવાના?
ના, ના અને ના.
હિન્દુસ્તાનને એવું આવડ્યું નથી, આવડવાનું પણ નથી અને આવડવું જોઈએ પણ નહીં. હિન્દુસ્તાન સહિષ્ણુ છે, પણ ડરપોક નથી. હુમલો કરવાની એની આદત નથી, પણ હુમલો થાય તો એનો જવાબ આપવાની ક્ષમતા પણ એ રાખે છે. હવે ફરી એક વાર દેખાડી દેવાનો સમય આવી ગયો છે. મોતના આંકડા વધે એ પછી દોડીને જવા કરતાં તો બહેતર છે કે નાગ કરડે એ પહેલાં જ એની ગરદન છૂંદી નાખવામાં આવે. કાશ્મીરની અશાંતિ એ મનની અશાંતિ છે અને મનની અશાંતિનો સીધો નિયમ છે, પહેલાં એનો નિકાલ કરો તો જ બીજાં કામ સારી રીતે થઈ શકશે.