બચપન બચાઓ

07 November, 2023 12:01 PM IST  |  Mumbai | Jigisha Jain

લોકો માટે બધું ખૂલી ગયું, પણ બાળકોની દુનિયા એટલે કે તેમની સ્કૂલ હજી બંધ છે. ઘર ચાર દીવાલોમાં બાળકો ઘણાં ગૂંગળાયાં અને તેમનો વિકાસ રૂંધાયો. આવતી કાલે ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરીએ એ પહેલાં તાગ મેળવીએ કે પૅન્ડેમિકની બાળકો ઉપર કેવી અને કેટલી અસર થઈ છે

બાળકોની દુનિયા સમાન સ્કૂલના દરવાજા બંધ થઈ જવા એ કંઈ નાની ઘટના નથી (પ્રતીકાત્મક તસવીર)

કાલે ભારતમાં અને વીસમી નવેમ્બરે વિશ્વમાં બાળ દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે યુનિસેફ ઇન્ડિયાએ સેફ સ્કૂલ રી-ઓપનિંગની માગણી કરી છે. આ વર્ષની થીમ છે બાળકોને પૅન્ડેમિકને કારણે આવેલી બાધાઓ અને શિક્ષામાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે મદદ કરવી. છેલ્લાં બે વર્ષથી બાળકો સ્કૂલથી વંચિત રહ્યાં છે. ઑનલાઇન શિક્ષણે ‘ન મામા કરતાં કહેણા મામા સારા’ની ગરજ સારી છે પરંતુ અમુક કેસમાં આ સોલ્યુશને પ્રૉબ્લેમ્સને ઓછા કરવા કરતાં વધાર્યા છે. મિત્રોના સાથ વગર, શિક્ષકોની હૂંફ વગર, ઘરની ચાર દીવાલો વચ્ચે મોટા ભાગે ઇન્ડોર ઍક્ટિવિટી કરીને, ગૅજેટ્સની નિર્જીવ દુનિયા વચ્ચે બાળપણ ખૂબ ગૂંગળાયું છે. લગભગ દરેક પેરન્ટે તેના બાળકમાં અમુક એવા અનિચ્છનીય બદલાવ જોયા છે જે સામાન્ય પરિસ્થિતિમાં આવવાની કોઈ શક્યતા નહોતી. એમાં પણ મુંબઈ અને મહારાષ્ટ્રનાં બાળકોની હાલત વધુ ખરાબ છે, કારણ કે આપણે ત્યાં હજી હમણાં જ આઠમાથી બારમા ધોરણની સ્કૂલ્સ માંડ ખૂલી શકી છે. 
સ્કૂલનું મહત્ત્વ 
આશા છે કે નજીકના ભવિષ્યમાં દરેક ઉંમરનાં બાળકો માટે સ્કૂલ ખૂલી જાય, કારણ કે સ્કૂલ બાળકો માટે ફક્ત સ્કૂલ નથી. આ વાતને ભારપૂર્વક જણાવતાં જમનાબાઈ નરસી સ્કૂલ, જુહુનાં પ્રિન્સિપાલ ઝીનત ભોજાભોય કહે છે, ‘બાળકો માટે સ્કૂલ તેમની દુનિયા હોય છે. એ દુનિયાના દરવાજા બંધ થઈ જવા એ કંઈ નાની ઘટના નથી. બાળકો માટે સ્કૂલ તેમના ઘડતરનું અવિભાજ્ય અંગ છે જ્યાં એ હસી શકે છે, ખીલી શકે છે, વિકસી શકે છે. ત્યાં તેને હમઉમ્ર બાળકોનો સાથ મળે છે, જે ખૂબ જરૂરી છે જે આ બે વર્ષથી મિસિંગ હતું. કેટલાંક બાળકોનો ભણવામાંથી રસ જ ઊડી ગયો છે, કારણ કે પેરન્ટ્સ ટીચર્સની કમી પૂરી નથી કરી શકવાના. લર્નિંગમાં મજા ન આવે તો એ છૂટી જ જાયને. ઘણાં અત્યંત હોશિયાર બાળકો ભણવા પ્રત્યે સાવ ઉદાસીન થઈ ગયાં છે. આ બધાનો એક જ ઇલાજ છે કે દરેક ઉંમરનાં બધાં જ બાળકો માટે સ્કૂલ શરૂ થઈ જાય.’ 
શારીરિક તકલીફો 
છેલ્લાં બે વર્ષમાં બાળકોની તકલીફોને જો જુદી-જુદી કૅટેગરીમાં વહેંચીએ તો સૌથી પહેલી વાત શારીરિક તકલીફોની. ઘરમાં બાળકોએ બેઠાડુ જીવન જ જીવ્યું છે, જેને લીધે મોટા ભાગનાં બાળકો ઓબીસ બની ગયાં છે. આળસ ખૂબ વધી ગઈ છે. ઍક્ટિવિટી ખૂબ ઘટી ગઈ છે. વિટામિન Dની ભારોભાર ઊણપ અને સ્નાયુઓનું ડેવલપમેન્ટ ખોરવાયું છે. ઊંઘની તકલીફો પણ છે. મોડા સૂવું અને મોડા ઊઠવું, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી; જેને કારણે પ્યુબર્ટી જલદી આવવાની તકલીફો ચાલુ થઈ ગઈ છે. આઉટડોર ગેમ્સ બધી બંધ થઈ ગઈ છે. ગરીબ ઘરનાં બાળકો કુપોષણનો શિકાર બની ગયાં છે. 
કમ્યુનિકેશનની તકલીફો 
માણસનો સ્વભાવ છે કે એ સૌથી વધુ શૅર એની ઉંમરના લોકો સાથે જ કરે છે. હમઉમ્ર લોકો સાથે માણસ જેટલો ખૂલે છે એટલો તે કોઈ પાસે નથી ખૂલી શકતો. એ બાબતે વાત કરતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન અને પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘ઘરમાં ગમે તેટલા લોકો હોય, પણ દરેક પોતાની દુનિયામાં વ્યસ્ત જ હોવાનું. બાળક સાથે અલકમલકની વાતો કરવાનો અઢળક સમય ઘરમાં કોની પાસે હોય? નોટિસ કરશો તો સમજાશે કે બે વર્ષની અંદર બાળકો ખૂબ ઓછું બોલતાં થઈ ગયાં છે. ઇન્ટ્રોવર્ટ અને શરમાળ બની ગયાં છે. ઘણાએ તો ખુદ સાથે વાતો કરવાનું પણ મૂકી દીધું છે. તેમની જે ગૂંગળામણ છે એ બહાર ન ઠાલવી શકવાને કારણે તેઓ માનસિક રીતે બીમાર બની રહ્યાં છે.’ 
ઇમોશનલ પ્રૉબ્લેમ્સ 
મોટા ભાગનાં બાળકો ઘરમાં એકલાં પાડી ગયાં છે. ગૅજેટ્સમાં ઘૂસેલાં રહે છે, ઇમોશન્સ અનુભવવાનો અને ઠાલવવાનો તેમને મોકો નથી મળી રહ્યો. જોકે જ્યારે આપણે બાળકોની વાત કરીએ છીએ ત્યારે ફક્ત સારા ઘરનાં બાળકોની જ વાત ન થઈ શકે. સમાજના ખૂણે-ખૂણે વસતા બાળકને એમાં ઉમેરવાં પડે. એ બાબતે ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘પૅન્ડેમિકમાં ઘણાં ઘરોમાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસને કારણે ઝઘડાઓ અને મારપીટ વધ્યા છે. બાળકો બિચારાં સૌથી નાનાં અને નિ:સહાય હોવાને કારણે મારપીટનો ભોગ એ લોકો જ બનતાં હોય છે. ઘણાએ પોતાની માને માર ખાતી જોઈ છે. એને કારણે પથારી ભીની કરવી કે નખ ચાવવા જેવી આદતોનું પ્રમાણ વધ્યું છે.’ 
માનસિક પ્રૉબ્લેમ્સ 
આપણે ત્યાં કોઈ સમજી નથી શકતું અને સમજે છે તો સ્વીકારી નથી શકતું કે માનસિક રોગ બાળકોને પણ હોઈ શકે છે. જોકે એ વાત પણ હકીકત છે કે મોટામાં મોટા બદલાવને ખૂબ સારી રીતે અપનાવીને સ્ટ્રૉન્ગલી ટકી રહેવાની હિંમત પણ જે બાળકોમાં હોય છે એ કોઈનામાં નથી હોતી. પણ છેલ્લાં દોઢ-બે વર્ષમાં બાળકો પર ઘણું વીત્યું છે, જેને કારણે તેમના કોમળ મન પર ઘણી અસર પણ થઈ છે. એ વિશે વાત કરતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘બાળકોએ ઘરમાં ઘણું ટેન્શન, અગ્રેશન અને ફ્રસ્ટ્રેશન જોયું છે. ઘણાં એનો ભોગ પણ બન્યાં છે, જેને લીધે ઘણાં બાળકો ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટીના શિકાર બન્યાં છે. ઘણાં બાળકો પૅનિક કરતાં થઈ ગયાં છે. તો અમુક કેસ અમારી પાસે અટેન્શન પ્રૉબ્લેમના પણ આવે છે. બાળકો જે કામ કરે છે તેમનું એમાં ધ્યાન જ નથી હોતું. આમાં એક વાત સમજવા જેવી છે કે જો સ્કૂલ ચાલુ થશે તો આમાંથી ઘણા પ્રૉબ્લેમ્સ ધીમે-ધીમે એની મેળે સૉલ્વ થશે.’ 

બાળકોએ ઘરમાં ઘણું ટેન્શન, અગ્રેશન અને ફ્રસ્ટ્રેશન જોયું છે. ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અને પૅનિકનેસ બાળકોમાં જોવા મળી રહી છે. જો સ્કૂલ ચાલુ થશે તો આમાંથી ઘણા પ્રૉબ્લેમ્સ ધીમે-ધીમે એની મેળે સૉલ્વ થશે.
ડૉ. કેરસી ચાવડા, 
સાઇકિયાટ્રિસ્ટ

ઉપાય માટે શું કરવું? 

બાળકોને હાલની સ્થિતિમાંથી ઉગારવાનો ઉપાય શું? હવે સ્કૂલો ખૂલવાની છે ત્યારે પેરન્ટ્સ અને શિક્ષકોએ કેવી કાળજી રાખવી એ જાણીએ ઝીનત ભોજાભોય અને ડૉ. સ્વાતિ પોપટ વત્સ પાસેથી. 
 ઘણાં બાળકો છે સ્કૂલે આવવા માટે તલપાપડ છે અને ઘણાં બાળકો છે હવે સ્કૂલે આવવા જ નથી માગતાં. આ બન્ને વચ્ચેનું બૅલૅન્સ સ્કૂલે સ્થાપવાનું છે. બાળકો એકદમ પહેલા દિવસથી જ નૉર્મલ થઈ જશે એવું નથી. તેમને સમય આપવો પડશે. 
 જે બાળકો અત્યારે સ્કૂલે જાય છે તેમને પણ રૂટીનમાં આવતા ૮-૧૦ દિવસ થયા. સ્કૂલોએ તેમને આવકારવાં. બાળકો એકબીજા સાથે સમય વિતાવી શકે, વાતો કરી શકે, હળવાં થઈ શકે એવી ઍક્ટિવિટીનું આયોજન કરવું જોઈએ. એની તેમને ભરપૂર જરૂરત છે. 
 સામાન્ય રીતે સ્કૂલોમાં કડક શિસ્તનો આગ્રહ રખાય છે પરંતુ એ કડકાઈ થોડી છોડીને બાળકો ટ્રૅક પર આવે એની રાહ જોવી. 
 બે વર્ષમાં જેટલું રહી ગયું છે એ ધડ-ધડ ભણાવીને એકી સાથે કોર્સ પૂરો કરવાની ખોટી ઉતાવળ બાળકોને ભણતરથી વધુ દૂર લઈ જશે એથી શાંતિ રાખવી. 
 કોર્સ પૂરા કરવા કરતાં લર્નિંગ તરફ તેમનો રસ ફરીથી જન્માવવાની જવાબદારી 
સ્કૂલની છે. એક વખત રસ 
આવશે પછી ગાડી ફુલ સ્પીડમાં ભાગશે. 
 માતા-પિતા પણ બાળકોને રૅટ રેસમાં ન જોડે કે હવે તો તું ભણવા જ માંડ. એક્ઝામમાં સારા માર્ક્સ આવવા જ જોઈએ એવા દુરાગ્રહ ન રાખવા. 
બે વર્ષમાં જે તકલીફો ઊભી થઈ છે એ દૂર થતાં બે વર્ષ બીજાં ધીરજ રાખવી જરૂરી છે. 

columnists Jigisha Jain